Page Views: 1544

દિલ્હીગેટ નજીક જર્જરીત બંધ મકાન ધરાશાયી થતા દોડધામ મચી 

પાલિકાએ અગાઉ નોટિસ આપી હોવા છતા સત્તાધીશોએ મકાન ઉતાર્યું ન હતું 

સુરતઃ વર્તમાનન્યુઝ.કોમ 
દિલ્હીગેટ-ગલેમંડી સ્થિત સુથાર ફળિયામાં ગત મધરાત્રે અચાનક જ લાપસીવાળા મેન્સન નામની બે માળની ઇમારત ધડાકા સાથે ધરાશાયી થઈ બાજુના મકાન પર પડ્યું હતું. જેથી લોકો મધરાત્રે ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે બન્ને મકાનો બંધ હોવાથી કોઈ જાનહાની નોંધાઈ ન હતી. 
પ્રાપ્ત વિગતો મુજબ લાપસીવાળા મેન્સન બિલ્ડીંગ લગભગ 60થી પણ વધારે વર્ષ જૂનું છે. એટલું જ નહીં પણ વર્ષોથી ખખડધજ હાલતમાં છે. મેન્સનના સંચાલકો દ્વારા આ બાબતે કોઈ રિનોવેશન સુદ્ધા કરાવાયું નથી. પોપડા પડવાની ઘટના બાદ પાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે પાલિકાએ નોટિસ આપી મકાન ઉતારી પાડવા કહ્યું હતું. પાલિકાએ લાપસીવાળા મેન્સનને ત્રણ વર્ષ પહેલાં પણ મકાન ઉતારી પાડવા નોટિસ આપી હતી. પરંતુ પાલિકાની નોટિસની કોઈ દરકાર ન લેતા બાજુના મકાનવાળા એ ગંભીર નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. મધરાત્રે અચાનક જોરદાર ધડાકા સાથે મકાન ધરાશાયી થઈ જતા લોકો ઉંઘમાંથી જાગીને બહાર દોડી આવ્યાં હતાં. લાપસીવાળા મેન્સન બિલ્ડીંગનો કાટમાળ બાજુમાં મકાનના પહેલા માળે પડતા એ મકાનનો પણ પહેલો માળ બેસી ગયો હતો. ફાયરની જાણ કરતા ફાયરના જવાનો દોડી આવ્યાં હતાં. જોકે કોઈ જાનહાનિ ન હોવાનું જણાવ્યું હતું.