Page Views: 1631

વિશ્વમાં સૌથી વધુ રેકોર્ડેડ ગાયિકા છે આશા ભોસલે

છ દાયકા સુધી અદભૂત કંઠનો કામણ પાથરનારા આશાજી માટે એટલું જ કહી શકાય કે ન ભૂતો ન ભવિષ્યતી

સુરત-નરેખ કાપડીઆ દ્વારા

સૌથી વધુ અને વૈવિધ્યપૂર્ણ ગાનારા ગાયિકા આશા ભોંસલેનો જન્મ ૮ સપ્ટેમ્બર, ૧૯૩૩ના રોજ થયો હતો. ૧૯૪૩થી છ દાયકાઓ સુધી કમાલની ગાયકી માણનારા આશાજીએ એક હજારથી વધુ ફિલ્મોમાં ગાયું છે, તે ઉપરાંત અનેક પ્રાઈવેટ આલ્બમ્સ, દેશ-વિદેશમાં સોલો કોન્સર્ટમાં ગાયું છે. આશાજીએ ફિલ્મી ગીતો ઉપરાંત પોપ, ગઝલ, ભજન, લોકગીતો, શાસ્ત્રીય ગાયન, કવ્વાલી કે રવીન્દ્ર સંગીત પણ ગાયું છે. હિન્દી ઉપરાંત વીસેક ભાષાઓમાં પણ ગાયું છે. ૨૦૦૬માં આશાજીએ કહ્યું હતું કે તેમણે ૧૨ હજારથી વધુ ગીતો ગાયા છે. ત્યારબાદ અનેક સાધનો દ્વારા આ માહિતીને પુષ્ટિ મળી હતી. ૨૦૧૧માં સંગીત જગતના ઇતિહાસમાં સૌથી વધુ રેકોર્ડેડ આર્ટીસ્ટ રૂપે તેમનું નામ ગુનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ચમકે છે. ભારત સરકારે તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી ૨૦૦૦ ના વર્ષમાં નવાજ્યા હતાં, તો ૨૦૦૮માં તેમને પદ્મવિભૂષણ એનાયત થયું હતું. ૨૦૧૩માં આશાજીએ ‘માઈ’ ફિલ્મમાં અભિનય કર્યો હતો અને તેમના અભિનયની સરાહના પણ કરાઈ હતી.

મહારાષ્ટ્રના ત્યારના રજવાડા સાંગલીમાં રંગભૂમિના અભિનેતા અને શાસ્ત્રીય ગાયક દીનાનાથ મંગેશકરના સંગીતમય ગોમાંતક મરાઠા પરિવારમાં જન્મેલા આશાજી સ્વરકિન્નરી લતા મંગેશકરના નાના બેન છે. પરિવાર માટે લતા-આશાએ ફિલ્મોમાં ગાઈને અભિનય કરવો પડ્યો હતો. દસ વર્ષની વયે મરાઠી ફિલ્મ ‘માન્ઝે બાળ’ માં ‘ચલા ચલા નવ બાલા’ ગીત આશાજીએ ૧૯૪૩માં ગાયું હતું. હિન્દી ફિલ્મ ‘ચુનરિયા’માં  પહેલીવાર ‘સાવન આયા’ ગીતમાં ૧૯૪૮માં કંઠ આપ્યો હતો. તેમનું પહેલું સોલો ફિલ્મી ગીત ‘રાત કી રાની’ ૧૯૪૯માં આવ્યું હતું. પરિવારની ઈચ્છા વિરુદ્ધ ૧૬ વર્ષની વયે ૩૧ વર્ષના ગણપતરાવ ભોસલે સાથે તેઓ પરણ્યા હતાં.

પચાસના દાયકામાં જ આશા અન્ય ગાયિકાઓ કરતાં વધુ ગીતો ગાતાં થઇ ગયાં હતાં. જોકે એમાંના ઘણાં ગીતો ઓછા બજેટવાળી ફિલ્મોના રહેતાં. એ.આર. કુરેશી, સજ્જાદ હુસૈન કે ગુલામ મોહમ્મદ જેવા સંગીતકારો તેમની પાસે ગીતો ગવડાવતાં, જે મોટે ભાગે નિષ્ફળ રહેતાં. સજ્જાદ હુસૈનની ‘સંગદિલ’ (૧૯૫૨)માં આશાને થોડી ઓળખ મળી હતી. નિર્દેશક બિમલ રોયે આશા પાસે ‘પરિણીતા’ (૧૯૫૩)માં ગવડાવ્યું હતું. રાજ કપૂરે ‘બૂટ પોલીશ’માં મોહમ્મદ રફી સાથે આશાને ‘નન્હે મુંને બચ્ચે’ ગવડાવ્યું અને તેમને સફળતા મળી. સાંઠના દાયકાના આરંભમાં ટોચની ગાયિકાઓ રૂપે ગીતા દત્ત, શમશાદ બેગમ અને લતા મંગેશકર મોટી ફિલ્મોમાં ગાયિકા રૂપે રાજ કરતાં હતાં. તેઓ જે ગીતો ગાવાની ના પાડતાં તે આશાજીને ફાળે આવતાં. ખરાબ સ્ત્રીઓ અને મહિલા ખલનાયિકા પરના ગીતો તેમને મળતા અથવા તેમણે બીજા દરજ્જાની ફિલ્મોમાં ગાવું પડતું.

જોકે, સંગીતકાર ઓ.પી.નૈયરે આશાજીના કંઠનો અદભુત ઉપયોગ કર્યો. નૈયરે લતાજી પાસે ન ગવડાવતા આશાજી પાસે ખુબ ગવડાવ્યું હતું. નૈય્યરે આશાજીને ‘સી.આઈ.ડી.’ (૧૯૫૬)માં પહેલો બ્રેક આપ્યો હતો. બી. આર. ચોપ્રાની ‘નયા દૌર’ (૧૯૫૭)માં આશાજીને પહેલી સફળતા મળી હતી. સાહિર લુધિયાનવીએ લખેલાં મોહમ્મદ રફી સાથે આશા ભોસલેએ ગાયેલાં ‘માંગ કે સાથ તુમ્હારા’, ‘સાથી હાથ બઢાના’ અને ‘ઉડે જબ જબ જુલ્ફે તેરી’ને જબ્બર સફળતા મળી હતી. પહેલી જ વાર એવું બનતું હતું કે આશા ફિલ્મની નાયિકા માટે તમામ ગીતો ગાતાં હતાં. બી. આર. ચોપ્રાએ તેમની પાસે ત્યાર બાદની ફિલ્મો ‘ગુમરાહ’, ‘વક્ત’, ‘હમરાઝ’, ‘આદમી ઔર ઇન્સાન’ કે ‘ધુંદ’ (૧૯૭૩) સુધી ગવડાવ્યું. સંગીતકાર નૈય્યર તો પછીની ફિલ્મોમાં આશાજીનેજ લેતાં રહ્યાં. ધીમે ધીમે આશાનું સ્ટેટસ બન્યું અને સચિનદેવ બર્મન તથા રવિ જેવા સંગીતકારો આશાજી પાસે ગવડાવતાં થયાં. આશા ભોસલે અને નૈય્યર વચ્ચે વ્યવસાયિક અને વ્યક્તિગત સંબધો પણ સિત્તેરના દાયકામાં વિકસ્યાં હતાં. તેમના ‘સીઆઈડી’, ‘નયા દૌર’, ‘મેરે સનમ’, ‘કિસ્મત’, ‘તુમસા નહીં દેખા’, કે ‘કાશ્મીર કી કલી’ના ગીતો યાદગાર છે. નૈય્યર સાહેબે આશાજીને પોતાના જીવનની સૌથી મહત્વની વ્યક્તિ રૂપે વર્ણવ્યા હતાં.

ખૈયામ સાહેબના સંગીતમાં ‘ફિર સુબહા હોગી’ કે ‘ઉમરાવજાન’ યાદગાર છે, તો જયદેવના સંગીતમાં ‘હમ દોનો’ કે ‘મુઝે જીને દો’ કે રવિ ના સંગીતમાં ‘ઘરાના’, ‘ગૃહસ્થી’, ‘કાજલ’ કે ‘ફૂલ ઔર પથ્થર’ના ભજનો બહુ સુંદર છે. તે ઉપરાંત ‘વક્ત’, ‘ચૌદહવી કા ચાંદ’, ‘ગુમરાહ’, ‘બહુ બેટી’, ‘ચાઈના ટાઉન’ કે ‘હમરાઝ’ના ગીતો પણ યાદગાર હતાં. સચિનદેવ બર્મને તેમના પ્રિય ગાયિકા લતાજી સાથેની ૧૯૫૭-૬૨ની અનબન દરમિયાન ‘કાલા પાની’, ‘કાલા બઝાર’, ‘લાજવંતી’, ‘સુજાતા’ કે ‘તીન દેવિયાં’માં આશાજીના કંઠનો કમાલનો ઉપયોગ કર્યો હતો. તે ઉપરાંત ‘બંદિની’ કે ‘જ્વેલ થીફ’ પણ ન ભૂલી શકાય. તે જ રીતે લતાની સાથેની અનબન દરમિયાન શંકર જયકિશન સાથે પણ આશાજીએ કમાલ કરી હતી.

આશાજી જયારે બે બાળકોના માતા હતાં ત્યારે દસમાં ધોરણથી ભણવાનું છોડીને સંગીત ક્ષેત્રે આગળ વધવા માંગતા રાહુલદેવ બર્મન (પંચમ) તેમને મળ્યાં હતા. પંચમના સંગીતમાં પહેલી વાર આશાજીએ ‘તીસરી મંઝીલ’માં ગાયું હતું. કહે છે કે ‘તીસરી મંઝીલ’ના ‘આજા આજા મૈ હું પ્યાર તેરા’ ગીત ગાવાની આશાજીએ પહેલાં તો એટલા માટે ના પાડી હતી કે આવું પાશ્ચાત્ય ગીત તેઓ ગાઈ ન શકે. રાહુલદેવે તેની ધૂન બદલવાની તૈયારી બતાવી હતી પણ આશાજીએ તે ન સ્વીકારતાં પડકાર ઝીલવાનું પસંદ કર્યું હતું. દસ દિવસના રીયાઝ બાદ ‘આજા આજા’ રેકોર્ડ થયું હતું. રફી સાહેબ સાથેના આ તેમજ ‘ઓ હસીના જુલ્ફોવાલી’ અને ‘ઓ મેરે સોના રે’ ત્રણે યુગલ ગીતો આજે પણ ગવાય છે. એકવાર શમ્મી કપૂરે તો ત્યાં સુધી કહ્યું હતું કે ‘જો મને મારા ગીતો ગાવા માટે મોહમ્મદ રફી ન મળ્યા હોત તો મેં તે કામ આશા ભોસલે પાસે કરાવ્યું હોત.’

ત્યાર બાદ રાહુલદેવ બર્મન અને આશા ભોસલેની આ જોડીએ અસંખ્ય કેબ્રે, રોક, ડિસ્કો, ગઝલ અને શાસ્ત્રીય રચનાઓ આપી. અભિનેત્રી-નર્તકી હેલેન પર ‘ઓ હસીના જુલ્ફોવાલી’ ચિત્રિત થયું હતું. કહે છે કે હેલેન તેમના આશાજીએ ગાયેલાં ગીતોના રેકોર્ડીંગમાં પણ હાજર રહેતાં, જેથી તેઓ ગીતને વધુ સારી રીતે સમજી શકે અને પોતાના નર્તનમાં જાન રેડી શકે. રાહુલદેવ-આશા-હેલેનની ટોળકીએ ત્યાર બાદ ‘કારવા’નો વિખ્યાત કેબ્રે ‘પિયા તું અબ તો આજા’ અને ‘ડોન’ની ‘યે મેરા દિલ’ જેવી ભભકતી રચનાઓ આપીને યાદગાર સંગીત રચ્યું છે.

તેજ રીતે રાહુલદેવ અને આશાજીના ‘દમ મારો દમ’, ‘ચુરા લિયા હૈ તુમને’, ‘દુનિયા મેં’, ‘જાને જાં’, ‘ભલી ભલી સી એક સૂરત’ કદી ન ભૂલી શકાય. આશા-કિશોરના પંચમ સર્જિત યુગલ ગીતોનો ભવ્ય ભૂતકાળ છે. પંચમના ‘ઇજાઝત’ના ‘મેરા કુછ સામાન’ને ગાવા બદલ આશાજીને નેશનલ એવોર્ડ મળ્યો હતો. ૧૯૮૦માં તેઓ પરણ્યા અને એ સંબંધ પંચમદાના જીવનના અંત સુધી રહ્યો.

એક સમયે ‘કેબ્રે ગાયિકા’ અને ‘પોપ કૃનર’ તરીકે ઓળખાયેલાં આશા ભોસલેએ ૧૯૮૧માં રેખાના અભિનયવાળી ‘ઉમરાવ જાન’માં ગઝલો ગાઈ. ખૈયામના સંગીતમાં આશા ભોંસલેએ ગયેલી મહાન રચનાઓ ‘દિલ ચીઝ ક્યા હૈ’, ‘ઇન આંખો કી મસ્તી કે’, ‘યે ક્યા જગહ હૈ દોસ્તો’ કે ‘જુસ્તજુ જિસકી થી’ ભારતીય સિને સંગીતનો વારસો બની રહી છે. ખૈયામે આ ગીતો માટે આશાની ગાયકીની પીચ અડધો સુર નીચી કરી હતી અને ખુદ આશાજીને અલગ રીતે ગાવાનો એહસાસ થતાં તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ‘ઉમરાવ જાન’ની રચનાઓ ગાવા માટે આશાજીને નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેના થોડા વર્ષો બાદ રાહુલદેવના સંગીતમાં ‘ઈજાજત’ (૧૯૮૭)ના ‘મેરા કુછ સામાન’ માટે આશાજીને બીજો નેશનલ એવોર્ડ મળ્યો હતો.

આશાજીએ ત્યાર બાદની પેઢીના ઇલિયા રાજા કે એ.આર. રેહમાન સાથે પણ ગઝબનું ગાયું છે. રેહમાનની રંગીલા, તક્ષક, લગાન, તાલ કદી ભૂલી નહીં શકાય. તેવું જ અનુ માલિક સાથે પણ બન્યું હતું. તેવું જ હિન્દી ફિલ્મોના તમામ દિગ્ગજ સંગીતકારો સાથે બન્યું હતું.

૧૯૯૫માં ૬૨ વર્ષિય આશા ભોસલેએ તેમની પૌત્રીની ઉમરના ઉર્મિલા માતોંડકર માટે ‘રંગીલા’માં ગાયું. ‘તન્હા તન્હા’ અને ‘રંગીલા રે’ ગીતોએ ધૂમ મચાવી હતી, જેના સંગીતકાર હતા એ. આર. રહમાન’. ત્યાર બાદ તેમના સંગીતમાં પણ આશાજીએ અનેક સફળ ગીતો ગાયાં. એકવીસમી સદીના પહેલાં દાયકામાં પણ આશાજીએ ગાયેલાં અનેક ગીતો ચાર્ટબસ્ટર બન્યાં હતાં. જેમાં લગાન (૨૦૦૧)નું ‘રાધા કૈસે ન જલે’, ‘પ્યાર તુને ક્યા કિયા’ (૨૦૦૧)નું ‘કમબખ્ત ઈશ્ક’, ‘ફિલહાલ’ (૨૦૦૨)નું ‘યે લમ્હા’, ‘લકી’ (૨૦૦૫)નું ‘લકી લીપ્સ’ યાદ કરી શકાય. ઓક્ટોબર, ૨૦૦૪માં ‘વેરી બેસ્ટ ઓફ આશા ભોસલે – ધ ક્વીન ઓફ બોલીવૂડ’ નામનું આલબમ આવ્યું જેમાં આશાજીના ૧૯૬૬થી ૨૦૦૩ના આલબમ અને ફિલ્મના ગીતોનો સંચય હતો.

૨૦૧૨માં આશાજી ટીવી પરના રીયાલીટી શો ‘સુર ક્ષેત્ર’ના નીર્ણાયિકા રૂપે દેખાતાં હતાં.

આશા ભોસલેના યાદગાર ગીતો:

નઝર લાગી રાજા (કાલા પાની), જાઈયે આપ કહાં જાયેંગે (મેરે સનમ), ઉડે જબ જબ જુલ્ફે તેરી (નયા દૌર), ઓ હસીના જુલ્ફોવાલી (તીસરી મંઝીલ), પાન ખાયે સૈયા હમાર (તીસરી કસમ), પિયા તું અબ તો આજા (કારવાં), પરદે મેં રહને દો (શિકાર), પિયા બાવરી (ખુબસુરત), ઇન આંખો કી મસ્તી કે (ઉમરાવ જાન), ચુરા લિયા હૈ તુમને જો દિલ કો (યાદોં કી બારાત), રાત બાકી (નમક હલાલ), યે મેરા દિલ પ્યાર કા દીવાના (ડોન), મેરા કુછ સામાન (ઇજાઝત).