Page Views: 4243

કોરોના કહેર બાદ સુરત રેલવે સ્ટેશનના ઇતિહાસમાં ઓગષ્ટ મહિનામાં પાર્સલ વિભાગને 1 કરોડની આવક

શહેરનો કાપડ ઉદ્યોગ ધમધમતો થતા તેની સીધી અસર રેલવેના પાર્સલ વિભાગને થઇ

સુરતઃ વર્તમાનન્યુઝ.કોમ 

કોરોના કહેર બાદ વેપાર ઉદ્યોગ ફરી ધમધમતો થતા તેની સીધી અસર રેલવેના પાર્સલ વિભાગને થઇ છે. છેલ્લા ત્રણ વર્ષના ઇતિહાસમાં સુરત રેલવે સ્ટેશનના પાર્સલ વિભાગને ગયા ઓગષ્ટ મહિનામાં 1 કરોડની આવક થવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સુરત શહેરમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનીની પહેલી અને બીજી લહેરના કારણે વેપારી ઉદ્યોગ પડી ભાંગ્યા હતા. પરંતુ હવે કોરોનાની કહેર ઓછી વર્તતા જનજીવન ફરી દોડતું થયું છે. છેલ્લા દોઢ મહિનાથી કોરોનાના કેસમાં ઘટાડો થતા રાજ્ય સરકાર દ્વારા કેટલીક છુટછાટો આપવામાં આવી છે. આ સાથે માધ્યમિક અને પ્રાથમિકના ધો. 6થી 8 સુધીના વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે. બીજી તરફ શહેરના મુખ્ય બે ઉદ્યોગ ડાયમંડ અને કાપડ ઉદ્યોગ પણ ધમધમવા લાગ્યો છે. રિંગરોડની 165 કાપડ માર્કેટના વેપારીઓને માલ રોડ તથા રેલવે મારફતે દેશના સરહદો સુધી પહોંચી રહ્યું છે. ત્યારે આ ઉદ્યોગની વહારે રેલવે તંત્ર આવ્યું છે અને કાપડ ઉદ્યોગના વેપારીઓ પણ રોડ ટ્રાન્સપોર્ટને છોડી રેલવે ટ્રાન્સપોર્ટ તરફ આવી રહ્યા છે. જેના કારણે રેલવેની આવકમાં વધારો થઇ રહ્યો છે.
ગત જુલાઇ મહિનાથી કાપડ ઉદ્યોગમાં તેજી જોવા મળી છે. વેપારીઓને દેશના અલગ અલગ રાજ્યોમાંથી ઓર્ડર મળી રહ્યા છે. જેના પગલે વેપારીઓ પણ રેલવે મારફત પાર્સલ મોકલવાની શરૂઆત કરી રહ્યા છે. જેના પગલે રેલવેના ગત ઓગષ્ટ મહિનામાં 1 કરોડની આવક થવા પામી છે.


રેલવેના ડીઆરએમની મહેનત રંગ લાવી
વેસ્ટર્ન રેલવેના મુંબઇ ડિવિઝનની ડીઆરએમ જીવીએલ સત્યકુમારે શહેરના કાપડ ઉદ્યોગની સ્થિતિ જાણીને સુરતના કાપડ ઉદ્યોગમાં રસ દાખવ્યો હતો. તેઓએ આ અગાઉ ચેમ્બર ઓફ કોર્મસ, ફોસ્ટા સહિતના વેપારીઓને સંગઠનો સાથે બેઠક કરી રેલવેની સ્થિતિ વિશે જાણકારી આપી હતી. જેથી વેપારીઓ પણ તે માહિતીથી પ્રભાવિત થયા હતા અને રેલવે મારફત પાર્સલ મોકલવાની શરૂઆત કરવામાં આવી છે.

શહેરના કાપડ ઉદ્યોગના વેપારીઓ ભેગા મળી હવે આગળ આવ્યા
રિંગરોડના કાપડ ઉદ્યોગના વેપારીઓ પણ હવે ભેગા મળી રેલવેમાં માલનું બુકિંગ કરાવવા લાગી રહ્યા છે. જેથી રેલવે દ્વારા યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળના રાજ્યોમાં સ્પે. પાર્સલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. તાજેતરમાં જ રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે ઉધના-મુજફ્ફરપુર સ્પે. પાર્સલ ટ્રેનને રવાના કરવામાં આવી હતી.