Page Views: 26247

પટેલ યુવાનને વિકાસનો કડવો અનુભવ થયો, તમે ભાજપમાં છો અમારે દીકરીની સગાઇ નથી કરવી

યુવા ભાજપમાં હોદેદાર તરીકે રાજીનામું આપીને યુવાને કેસરીયો ખેસ ઉતાર્યો પછી સગાઇ થઇ

મોરબી-વર્તમાનન્યૂઝ.કોમ

ભારતીય જનતા પાર્ટી સામે સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પાટીદારોમાં એટલો રોષ વધી ગયો છે કે, હવે સગાઇ કરતા પહેલા પણ વેવાઇ એક બીજાના પરિવારો કઇ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે એ જાણવા માંગે છે. આવો જ એક રમુજી કહી શકાય એવો કિસ્સો મોરબીના એક ગામમાં બન્યો છે અને સમગ્ર પંથકમાં આ કિસ્સાની ચર્ચા જોર શોરથી થઇ રહી છે. વાત એમ હતી કે, તાજેતરમાં જ પ્રદેશ ભાજપની નેતાગીરી દ્વારા મોરબીના એક ગામના પટેલ યુવાનને ભાજપમાં હેદેદાર બનાવવામાં આવ્યો હતો. આ યુવાને ઉત્સાહભેર પોતાના હોદા અને નામ નંબર સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્ડ પણ છપાવી દીધા હતા. થોડા દિવસો પહેલા આ યુવાનની મોરબી પંથકના પાટીદારની એક દીકરી સાથે સગાઇ નક્કી થઇ હતી. દીકરીને જોઇને આવેલા યુવા ભાજપના નેતાને દીકરી પસંદ આવી હતી તો સામે પક્ષે દીકરીવાળાઓને પણ આ યુવાન પસંદ આવતા સગાઇની વાત નક્કી થઇ ગઇ હતી. દરમ્યાન યુવાને પોતાના ભાવી સસરા અને સાળા સહિતના પરિવારજનોને પોતાનું વિઝીટીંગ કાર્ડ આપ્યું હતું અને પોતાની ગાડી પર પણ કમળ ચિતરેલુ સ્ટીકર માર્યું હતું. આ કાર્ડ જોયા બાદ દીકરીના બાપનો મગજ ગયો હતો અને તેમણે દીકરાના બાપને ફોન કરીને સ્પસ્ટ કહી દીધું હતું કે, અમને તમારો દીકરો પસંદ છે પણ ભાજપમાં છે એટલે અમારે દીકરીની સગાઇ કરવી નથી.

ભાજપનો વિકાસ પોતાને આભડી જશે અને સગપણ નહીં થાય એ વાત જ્યારે પાટીદાર યુવાનને ખબર પડી ત્યારે તેણે પ્રથમ મોરબી જિલ્લા ભાજપના અગ્રણીઓનો સંપર્ક કર્યો હતો તેમજ પોતાનો કેસરીયો ખેસ ઉતારીને તેમને સુપ્રત કરી દીધો હતો. સાથો સાથ બે રૂપિયાના સભ્ય પદ પરથી પણ આ યુવાને રાજીનામું આપીને પોતાના ભાવિ સસરાને જાણ કરી હતી કે, હવે તેને ભાજપ સાથે સ્નાન સુતકનો પણ સબંધ નથી અને તેઓ હવે રાજીખુશીથી પોતાની દીકરીના હાથ પીળા કરાવીને તેની સાથે મોકલશે તો તેમની મહેરબાની ગણાશે.

દીકરીવાળા પણ પાટીદાર યુવાનના ભાજપ ત્યાગની વાતથી પીગળ્યા હતા અને તેમણે આ સગાઇ પાક્કી કરી હતી. વાત એટલી જ છે કે, હવે ઉજળિયાતોની પાર્ટી ગણાતા ભારતીય જનતા પક્ષ સામે સામાન્ય મતદારોમાં ભયંકર રોષ જોવા મળી રહ્યો છે અને દીકરા દીકરીની સગાઇમાં પણ કમળની ડાંડલી આડી આવી રહી છે. ભાજપની શીર્ષસ્થ નેતાગીરીએ પાટીદાર સમાજના લોકોના આ રોષને પારખવો પડશે અન્યથા કોઇના છુટાછોડા માટે પણ કમળ જવાબદાર બનશે એવુ લાગી રહ્યુ છે.