Page Views: 1262

આવતીકાલથી પાંચ દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી

ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ટીમ તૈનાત કરાઇ 

નવી દિલ્હીઃ વર્તમાનન્યુઝ.કોમ 
સુરત સહિત રાજ્યભરમાં ફરીથી ચોમાસું જામવાના એંધાણ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતી કાલથી સતત પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં આગામી ૮ અને ૯ સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યકત કરાઇ છે. દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી દેવાઇ છે. આ સાથે રાજયમાં એનડીઆરએફની સાત ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
રાજયમાં પાંચ દિવસ સારા વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજયના ૭૦ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. સોમવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. જયારે નવસારીમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. સુરતના પલસાણામાં ૨ ઈંચ, ઓલપાડમાં ૧.૭ ઈંચ, ગણદેવીમાં ૧.૧ ઈંચ અને તિલકવાડામાં ૧.૬ ઈંચ વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરના નસવાડીમાં પણ ૧.૮ ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના રાજુલા અને માંગરોળમાં એક-એક ઈંચ અને ખાંભા તેમજ લાઠીમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે બનાસકાંઠાના વડગામ અને ધાનેરામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં વધુ વરસાદની સંભાવનાવાળા વિસ્તારોમાં એનડીઆરએફની ૮ ટીમ રવાના કરવામાં આવી છે. જેમા સૌરાષ્ટ્રમાં કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જયારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારી, વલસાડ, સુરતમાં એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે. આ ઉપરાંત હાલમાં એનડીઆરએફની ૭ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.