Page Views: 4843

સફળ ફિલ્મકાર અભિનેતા - રાકેશ રોશન

કરણ અર્જુન, કિશન કન્હૈયા જેવી ફિલ્મો માટે રાકેશ રોશનને હંમેશા યાદ રખાશે

સુરત-નરેશ કાપડીઆ દ્વારા  

મહાન સંગીતકાર રોશનના હોનહાર પુત્ર અને મોટા સ્ટાર ઋતિક રોશનના અત્યંત સફળ નિર્દેશક પિતા રાકેશ રોશનલાલ નાગરથનો જન્મ ૬ સપ્ટેમ્બર, ૧૯૪૯ના રોજ પાકિસ્તાનના પંજાબના ગુજરાનવાલામાં થયો હતો. તેઓ ૭૧ વર્ષના થયા છે. તેમને હિન્દી ફિલ્મોના ખ્યાતનામ નિર્માતા, નિર્દેશક, સ્ક્રીન લેખક, સંપાદક અને પૂર્વ અભિનેતા તરીકે યાદ કરી શકાય. મુંબઈના પંજાબી પરિવારમાં તેમનો જન્મ. તેમણે  સિત્તેર અને એંશીના દાયકાઓમાં ૮૪ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. ૧૯૮૭થી ‘કે’ અક્ષરથી શરૂ થતી ફિલ્મોનું નિર્દેશન કરીને તેઓ ખુબ નામ-દામ કમાયા છે. તેમણે ૧૭ ફિલ્મોનું નિર્માણ અને ૧૩નું નિર્દેશન કર્યું છે. તેમના ભાઈ રાજેશ રોશને પિતાનો સંગીતનો વારસો સાચવ્યો છે. રાકેશે નિર્દેશક જે. ઓમપ્રકાશના દીકરી પીન્કી સાથે લગ્ન કર્યા અને ઋતિક અને સુનયના એમના સંતાન. રાકેશ સતારાની સૈનિક સ્કૂલમાં ભણ્યાં છે.

ફિલ્મકાર રૂપે રાકેશ રોશનને નાટકીય ‘ખુદગર્જ’, વેરના બદલા સમાન ‘ખૂન ભરી માંગ’, કોમેડી ડ્રામા ‘કિસન કન્હૈયા’, ક્રાઈમ થ્રીલર ‘કરણ અર્જુન’, રોમાન્ટિક ‘કહો ના.. પ્યાર હૈ’, વિજ્ઞાન કથા ‘કોઈ.. મિલ ગયા’ તથા સુપર હીરો ‘ક્રીશ’ ફિલ્મ શ્રેણીના દિગ્દર્શક રૂપે યાદ કરાશે.

તેમના પિતાજી સંગીતકાર રોશનના અકાળ અવસાન બાદ રાકેશે ફિલ્મકાર મોહન કુમારના સહાયક નિર્દેશક રૂપે રાજેન્દ્ર કુમાર – બબિતા અભિનીત ‘અંજાના’થી કરિયરની શરૂઆત કરી હતી. રાજેન્દ્ર કુમારે રાકેશ રોશનને અભિનેતા રૂપે લેવાની ભલામણ થોડા નિર્દેશકોને કરી હતી. તેને પરિણામે સુદેશ કુમારે રાકેશને સંજીવ કુમાર – વહીદા રહમાનની ‘મન મંદિર’માં સહાયક ભૂમિકામાં લીધા હતા. જોકે તેમની ૧૯૭૦ની ‘ઘર ઘર કી કહાની’ ફિલ્મમાં સહકલાકાર તરીકે રાકેશે અભિનય યાત્રા શરૂ થઇ હતી. તેમને કરિયરમાં સોલો હીરો ફિલ્મો ઓછી જ મળી, જેમાં ‘આંખો આંખો મેં’, ‘નફરત’, ‘એક કુંવારા એક કુંવારી’, ‘હમારી બહુ અલકા’ યાદ કરી શકાય. તેમની કેટલીક ફિલ્મો નાયિકા પ્રધાન રહી, જેમકે ‘પરાયા ધન’માં હેમા માલીની, ‘આંખ મિચૌલી’માં ભારતી, ‘ખુબસુરત’માં રેખા, ‘કામચોર’માં જયા પ્રદાનું મહત્વ વધુ હતું. સહકલાકાર તરીકે તેમની સફળ ફિલ્મોમાં ‘મનમંદિર’, ‘ખેલ ખેલ મેં’, ‘હત્યારા’, ‘ઢોંગી’, ‘ખાનદાન’, ‘નિયત’ યાદ કરી શકાય. રાજેશ ખન્ના સાથે તેમણે ‘ધનવાન’, ‘આવાઝ’ અને ‘આખીર ક્યોં?’માં સફળતા મેળવી હતી. તેમની સફળ મલ્ટીસ્ટાર ફિલ્મોમાં સંજીવ કુમાર સાથેની ‘દેવતા’, ‘શ્રીમાન શ્રીમતિ’ કે ‘હથકડી’ આવે તો મિથુન ચક્રવર્તી સાથે ‘જગ ઊઠા ઇન્સાન’ અને ‘એક ઔર સિકંદર’ હતી. તો ‘દિલ ઔર દીવાર’, ‘ખટ્ટા મીઠા’, ‘ઉન્નીસ-બીસ’, ‘મક્કાર’ પણ સફળ ફિલ્મો હતી. તેમની ઘણી ફિલ્મો નિષ્ફળ પણ રહી હતી. તેમાંથી પાઠ ભણીને જ તેઓ સફળ નિર્માતા-નિર્દેશક બન્યા.

૧૯૮૦માં રાકેશ રોશને પોતાની નિર્માણ સંસ્થા ફિલ્મક્રાફ્ટ શરૂ કરીને ‘આપ કે દીવાને’ બનાવી, જે સફળ થઇ નહોતી. પછી બનેલી ‘કામચોર’ અને ‘શુભકામના’ને સફળતા મળી. હીરો તરીકે તેમની છેલ્લી ફિલ્મ રેખા સાથે ‘બહુરાની’ (૧૯૮૯) હતી.

‘ખુદગર્જ’ (૧૯૮૭)થી રાકેશ નિર્દેશક બન્યા. ત્યાર બાદ તેમણે સતત સફળતા મેળવી. ‘ખૂન ભરી માંગ’, ‘કિશન કન્હૈયા’ અને ‘કરણ અર્જુન’એ ધૂમ મચાવી. દીકરા ઋતિક રોશનને ‘કહો ના.. પ્યાર હૈ’ (૨૦૦૦)માં તેમણે હીરો રૂપે રજૂ કર્યો. જે વર્ષની સૌથી સફળ ફિલ્મ બની. એટલું જ નહી, તેને રાષ્ટ્રીય એવોર્ડ સહિત સૌથી વધુ એવોર્ડ મેળવનારી ફિલ્મનો લીમ્કા રેકોર્ડ નોંધાયો. પછીની ‘કોઈ મીલ ગયા’ અને ‘ક્રિશ’ને પણ જબરી સફળતા મળી. પછી ‘ક્રેઝી ૪’ અને બોલીવૂડ-હોલીવૂડની સહિયારી ‘કાઈટ્સ’ આવી, જે થોડું સ્વરૂપ બદલી આંતરરાષ્ટીય સ્તરે પણ ગઈ. તેમની છેલ્લી ફિલ્મ હૃતિક અને યામિ ગૌતમ અભિનીત ‘કાબિલ’ ૨૦૧૭માં આવી હતી. એ ફિલ્મે ૧૦૦ કરોડથી વધુનો બીઝનેસ કર્યો હતો.

રાકેશ રોશનનું ૨૦૦૬માં ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયામાં મુખ્ય ધારાની ફિલ્મોમાં તેમના પ્રદાન માટે સન્માન કરાયું હતું. તેજ વર્ષે ગ્લોબલ ઇન્ડિયન ફિલ્મ એવોર્ડ્સ સમારોહમાં રાકેશજીનું ભારતીય સિનેમા ક્ષેત્રે ૩૫ વર્ષ પ્રદાન કરવા બદલ પણ સન્માન કરાયું હતું.

રાકેશ રોશનની ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ને સામાજિક વિષય પરની શ્રેષ્ઠ ફિલ્મ રૂપે નેશનલ એવોર્ડ મળ્યો હતો. એજ ફિલ્મ અને ‘કહોના.. પ્યાર હૈ’ બંને ફિલ્મો માટે તેમને ફિલ્મફેરના ‘શ્રેષ્ઠ ફિલ્મ’ અને ‘શ્રેષ્ઠ નિર્દેશક’ના એવોર્ડ્સ અપાયા હતાં. તેમની ‘કહોના.. પ્યાર હૈ’ (૨૦૦૧), ‘કોઈ મિલ ગયા’ (૨૦૦૪), ‘ક્રિશ’ (૨૦૦૭) ને આઈફા અને ઝી સિને દ્વારા શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ દિગ્દર્શકના એવોર્ડ્ મળ્યાં હતાં. આ તમામ ફિલ્મોને ‘અપ્સરા’ એવોર્ડ્સ પણ અપાયાં હતાં. આઈફા દ્વારા રાકેશજીનું ‘ગોલ્ડન ડેકેડ એવોર્ડ’ રૂપે દાયકાના શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ ૨૦૦૯માં અપાયો હતો તો અપ્સરા દ્વારા તેમનું ‘લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ’થી સન્માન કરાયું હતું.

૨૧ જાન્યુઆરી, ૨૦૦૦ના રોજ રાકેશ રોશન પર તેમની સાન્તાક્રુઝ (પશ્ચિમ) મુકામે આવેલી ઓફિસ પાસે  બુડેશ ગેંગના બે સભ્યોએ ગોળીબાર કર્યો હતો. એક ગોળી તેમના ડાબા હાથ પર લાગી હતી અને બીજી છાતી પર ઘસરકો કરીને નીકળી ગઈ હતી. તેઓ પડી ગયા અને સુનીલ ગાયકવાડ અને સચિન કામ્બ્લે નામના હુમલાખોર ભાગી ગયાં હતાં. સમાચાર માધ્યમોમાં એવું જણાવાયું હતું કે એ હુમલો તેમને મારી નાંખવા માટે નહીં પણ શિવ સેના તેમનું રક્ષણ કરી શકે તેમ નથી એવું દર્શાવવા માટે થયો હતો. બુડેશ જૂથે રાકેશની અતિ સફળ ફિલ્મ  ‘કહો ના.. પ્યાર હૈ’ના વિદેશમાં થયેલાં નફાના અમુક ટકાની માંગણી કરી હતી અને રાકેશે તે આપવાનો ઇનકાર કર્યો હતો.

જાન્યુઆરી, ૨૦૧૯માં રાકેશ રોશનને સ્ક્વમૌસ સેલ કારસીનોમા નામક ગળાના કેન્સરનો આરંભિક તબક્કો હોવાનું નિદાન થયું છે.

રાકેશ રોશનના યાદગાર ગીતો: સમા હૈ સુહાના (ઘર ઘર કી કહાની), આજ ઉનસે પેહલી મુલાકાત હોગી (પરાયા ધન), કોઈ રોકો ના (પ્રિયતમા), ગુલમહોર ગર તુમ્હારા નામ હોતા (દેવતા), આંખો આંખો મેં બાત હોને દો (શીર્ષક ગીત), અભી અભી તો દુશ્મની અને જલતા હૈ જીયા (ઝખ્મી), પિયા બાવરી (ખુબસુરત), થોડા હૈ થોડે કી (ખટ્ટા મીઠા), યે મોસમ આયા હૈ (આક્રમણ), તુમસે બઢકર દુનિયા (કામચોર), તુ પ્યાર તુ પ્રીત (પરાયા ધન).

નરેશ કાપડીઆના ‘સપ્ટેમ્બરના સિતારા’ પુસ્તકમાંથી