Page Views: 2886

32 વર્ષ બાદ સુરતના બે ખેલાડી વેઇટલિફ્ટિંગની નેશનલ ચેમ્પિયનશિપમાં પસંદગી 

આઇડબ્લ્યુએફ દ્વારા આયોજિત વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં બે સુરતીઓ ભાગ લેશેઃ વેઇટલિફ્ટિંગમાં આયુષી ગજ્જર અને નિલેશ યાદવ ગુજરાતનું પ્રતિનિધત્વ કરશે 

સુરતઃ વર્તમાનન્યુઝ.કોમ 
વેઇટલિફ્ટિંગની રમતમાં પણ હવે સુરતીઓ મેદાન મારી રહ્યા છે. ત્યારે હવે ઇન્ડિયન નેશનલ ચેમ્પિયનશિપમાં સુરતીઓ મેદાન ગજવવાની તૈયારીમાં છે. ચેમ્પિયનશિપમાં સુરતના બે ખેલાડી- આયુષી ગજ્જર અને નિલેશ યાદવની પસંદગી થઈ છે. આઇડબ્લ્યુએફ દ્વારા વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 9થી 13 સપ્ટેમ્બર 2021 પટિયાલા ખાતે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતનાં આ બે રમતવીરો 32 વર્ષ બાદ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યાં છે.
પર્વત પાટિયા વિસ્તારમાં કોચ સારથિ ભંડારી દ્વારા બંનેને કોચિંગ આપવામાં આવી રહ્યું છે. કોચ ભંડારીએ જણાવ્યું હતું કે, થોડા સમયની ટ્રેનિંગમાં જ નિલેશ યાદવ અને આયુષી રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યાં છે. જેટલી પણ સુવિધા છે એનો ઉપયોગ કરીને તેઓ હાલ સખત મહેનત કરીને રાજ્યનું નામ રોશન કરવા માટેના પ્રયત્નો કરી રહ્યાં છે. નિલેશ યાદવ ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવા છતાં પણ દૃઢ સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. સુરત જિલ્લાની એમ. એ. આઈ કઠોર સ્કૂલમાં ધોરણ-12 સુધી અભ્યાસ કરતો હતો. એ દરમિયાન તેણે વેઇટલિફ્ટિંગમાં પોતાની તાકાત બતાવી દીધી હતી. પિતા ગેરેજ ચલાવી પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. નિલેશ યાદવ અત્યાર સુધીમાં રાજ્યકક્ષાની કોમ્પિટિશનમાં 4 વખત ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યો છે. ખેલો ઇન્ડિયા અંતર્ગત ગૌહાટી-2020માં તેણે રાષ્ટ્રીય લેવલે સિલ્વર મેડલ મેળવીને ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું. કામરેજના એચ સ્કવેરના જિમ-સંચાલકો તેને વિનામૂલ્યે જિમ કરવા માટેની છૂટ આપે છે. નિલેશ યાદવ અત્યારે જે સ્કોર ઉપર રમી રહ્યો છે, એનાથી તે ભવિષ્યમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક રમતોમાં સુધીનું સપનું જોઈ રહ્યો છે. જયારે 17 વર્ષીય આયુષી ગજ્જરના પિતા ટેક્સટાઈલમાં કામકાજ કરે છે. તેનો શારીરિક બાંધો જોતાં તેના સ્કૂલ-ટીચરે વેઇટલિફ્ટિંગના ટ્રેનર સાથે તેની મુલાકાત કરાવી હતી. માત્ર છ મહિના જેટલી ટ્રેનિંગથી જ આયુષી ગજ્જર જબરદસ્ત પર્ફોર્મન્સ આપી રહી છે. વેઇટલિફ્ટિંગના ગુજરાતના કોચે વધુમાં જણાવ્યું હતું કે, નિલેશ યાદવ અને આયુષી ગજ્જર ખૂબ સારી રીતે આગળ વધી રહ્યાં છે. વેઇટલિફ્ટિંગ રમતને ઓલિમ્પિકમાં સ્થાન છે. એ રમતવીરોએ ખાસ યાદ રાખવું જોઈએ. ઓલિમ્પિકમાં સ્થાન હોવાથી તેઓ દેશ માટે ખૂબ જ સારી રીતે નામના મેળવી શકે છે. વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 32 વર્ષ બાદ ગુજરાતને સ્થાન મળ્યું છે અને એમાં પણ સુરતને મજબૂત સ્થાન મળ્યું છે.