Page Views: 1072

ધો.12 કોર્મસમાં ધો. 10ના ગણિતના માર્ક ન ગણી શકાયઃ સરકાર

એકાઉન્ટ-આંકડાશાસ્ત્ર ગણિતનો જ ભાગઃ રિટઃ બોર્ડનો નિર્ણય વિદ્યાર્થીના હિતમાં હોવાની રજૂઆત

અમદાવાદઃ ધોરણ-૧૨ કોમર્સના માસ પ્રમોશન દરમિયાન આંકડાશાસ્ત્ર અને એકાઉન્ટ વિષયમાં ધોરણ-૧૦ના ગણિતના માર્કસ ગણવા ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી  જાહેર હિતની અરજીમાં ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી રજૂઆત કરાઇ હતી કે ૧૨ કોમર્સના પરિણામમાં ધોરણ-૧૦ના ગણિતના માર્ક ન ગણી શકાય. આંકડાશાસ્ત્ર અને એકાઉન્ટના પરિણામોમાં ધોરણ-૧૦ના સામાજિક વિજ્ઞાન અને ભાષાઓનો માર્ક ગણવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં છે. હાઇકોર્ટે તમામ પક્ષોને સાંભળી ચુકાદો અનામત  રાખવામાં આવ્યો છે. અરજદારે હાઇકોર્ટામાં રજૂઆત કરી છે કે આંકડાશાસ્ત્ર અને એકાઉન્ટ એ ગાણિતિક વિષયો જ છે. તેથી જ્યારે ધોરણ-૧૨માં માસ પ્રમોશન માટે માર્કની ગણતરી થતી હોય ત્યારે ધોરણ ૧૦ના ગણિતના માર્ક પણ ધ્યાને લેવા જોઇએ. ગણિતના માર્ક ધ્યાને લેવાની જગ્યાએ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ધોરણ ૧૨ના આંકડાશાસ્ત્રના માર્ક ગણતી વખતે ધોરણ ૧૦ના વિજ્ઞાન-ટેકનોલોજી, સમાજિક વિજ્ઞાન અને પ્રથમ ભાષાના ગુણો ધ્યાને લેવાશે જ્યારે એકાઉન્ટના માર્કની ગણતરી કરતા સમયે ધોરણ ૧૦ના સામાજિક  વિજ્ઞાન અને ભાષાઓના માર્ક ધ્યાને લેવામાં આવશે. બોર્ડ દ્વારા હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે એકાઉન્ટમાં સામાન્ય સરવાળા-બાદબાકી સહિતના જે ગણતરીઓ હોય છે તે જ ગાણિતિક હોય છે અને આંકડાશાસ્ત્રના બે જ વિષય ગણિત સાથે સામ્યતા ધરાવે છે. તેથી આ બન્ને વિષયને ગાણિતિક કહી શકાય નહીં.