Page Views: 3709

આખરે કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી ભાવુક થઇને યેદિયુરપ્પાનું રાજીનામું

હું હંમેશા અગ્નિપરીક્ષામાંથી પસાર થયોઃ યેદિયુરપ્પા 

નવી દિલ્હીઃ વર્તમાનન્યુઝ.કોમ 

દક્ષિણ ભારતમાં એક માત્ર રાજ્યમાં શાસન ધરાવતા ભાજપ શાસિક કર્ણાટકના રાજકારણમાં ફરી એક વખત ઉઠલપાઠલ જોવા મળી રહી છે. આજે બી.એસ. યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી ભાવુક બનીને રાજીનામુ આપી દીધું હતું. આજે જ કર્ણાટકમાં ભાજપની સરકારને 2 વર્ષ પૂરા થયા છે અને તેવા સમયે રાજીનામુ આપવામાં આવતા સૌ કોઈની નજર ભાજપ હવે રાજ્યની કમાન કોને સોંપશે તેના પર અટકી છે. 
બી.એસ. યેદિયુરપ્પાએ રાજીનામાની જાહેરાત સાથે જ પોતાને કર્ણાટકના લોકો માટે ઘણું કામ કરવાનું છે તેમ કહ્યું હતું. તેમણે જણાવ્યું કે, આપણે સૌએ મહેનત સાથે કામ કરવું જોઈએ અને પોતે હંમેશા અગ્નિપરીક્ષામાંથી પસાર થયા છે તેમ પણ કહ્યું હતું. સોમવારે કર્ણાટકમાં ભાજપ સરકારના 2 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી થઈ રહી છે અને બી.એસ. યેદિયુરપ્પા પણ સવારથી અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. બી.એસ. યેદિયુરપ્પા દ્વારા રાજીનામાની જાહેરાત બાદ દિલ્હીમાં પણ હલચલ તેજ થઈ છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કર્ણાટક પ્રભારી અરૂણ સિંહ સાથે ચર્ચા કરી હતી. એવું માનવામાં આવે છે કે, ટૂંક સમયમાં જ ઓબ્ઝર્વરના નામની જાહેરાત કરવામાં આવશે અને ત્યાર બાદ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના રાજકારણને લઈ લાંબા સમયથી અનેક પ્રકારની અટકળો લગાવાઈ રહી હતી. તાજેતરમાં જ બી.એસ. યેદિયુરપ્પાએ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાની મુલાકાત લીધી હતી. ત્યારથી યેદિયુરપ્પા પોતાનું પદ છોડી શકે છે તેવી ચર્ચા ચાલી રહી હતી.