Page Views: 1937

કૃષિ કાયદાનો વિરોધી ખેડૂતો જ્યાં પણ બોલાવશે તેમને મળવા માટે 'ઉઘાડાપગે' જઈશ : નવજોતસિંહ સિધ્ધુ

આ સામાજિક આંદોલનને આર્થિક શક્તિમાં પરિવર્તિત થવુ જોઈએ

નવી દિલ્હી: વર્તમાનન્યુઝ.કોમ
પંજાબના નવ નિયુક્ત કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ શનિવારે જણાવ્યું છે કે, સંયુક્ત કિસાન મોરચાની 'જીત' તેમના માટે પ્રથમ અગ્રતા છે અને કેન્દ્રના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો જ્યાં પણ તેમને બોલાવશે તેમને મળવા માટે તે 'ઉઘાડાપગે' જઇશ. સયુક્ત કિસાન મોરચો ખેડૂત સંગઠનોનું એક મોટુ સંઘ છે જે કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યુ છે.
કાયદાઓ પરત ખેંચવાની માંગ સાથે ગયા વર્ષે નવેમ્બરથી જ ખેડૂતો દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહ્યા છે. સિદ્ધુએ ચમકૌર સાહિબમાં પત્રકારોને જણાવ્યું હતું કે, હું સંયુક્ત કિસાન મોરચાની જીતને પ્રથમ અગ્રતા માનું છું. હું છેલ્લા એક વર્ષથી ખેડૂત આંદોલનને પવિત્ર કહું છું. પંજાબ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બન્યા બાદ પાર્ટી કાર્યકરોએ તેમનું અહીં સ્વાગત કર્યું હતું. ચમકૌર સાહિબ એ પંજાબના મંત્રી ચરણજીતસિંહ ચન્નીનો વિધાનસભા મત વિસ્તાર છે. પાર્ટીના સમર્થકોએ સિદ્ધુના કાફલા પર પુષ્પવર્ષા કરી હતી. ક્રિકેટરથી રાજકારણી બનેલા સિદ્ધુએ ઘણા ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. સિદ્ધુએ કહ્યું, હું તેઓને પૂછવા માંગુ છું કે અમારી સરકાર તેમની મોટી સહાય કેવી રીતે કરી શકે. જુઓ, વધતી મોંઘવારી, છેલ્લા 25 વર્ષથી ઘટતી ઉપજ અને આવકથી ખેડૂતો આંદોલન કરવા મજબૂર થયા છે.