Page Views: 7308

સીએના અભ્યાસક્રમમાં ટેકસનાં નવા માળખાને લઈને મોટો ફેરફાર કરાશે

જીએસટી અને ઈન્કમટેકસ પોર્ટલનાં પ્રોબ્લેમથી કરદાતાઓ અને વેપારીઓ પરેશાન, ઓનલાઈન ટ્રાન્જેકશનથી ફ્રોડ વધી રહ્યા છે

રાજકોટઃ: વર્તમાનન્યુઝ,કોમ 
કેન્દ્રના નાણા મંત્રાલય દ્વારા જીએસટી લાગુ કરવામાં આવ્યા બાદ સતત તેને લઈને અપડેટ આવી રહયા છે આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી ઈન્કમટેકસ અને અન્ય ટેકસનાં નવા માળખામાં થયેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને સીએનાં સિલેબસમાં પણ આગામી સમયમાં મોટા ફેરફાર કરવામાં આવશે. અને તે માટે ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) એ જુદા જુદા રાજયોમાંથી ફિડબેક મંગાવવાનું શરૂ કર્યુ છે. 
દેશભરમાં સીએ તરીકે કરિયર માટે વધુ ને વધુ  યુવાનો આગળ આવી રહયા છે. ગુજરાત સહિતના વેસ્ટર્ન રિજીયનમાં જ આશરે 1.80 લાખ વિદ્યાર્થી જોડાયેલા છે. કર માળખામાં સતત આવી રહેલા ફેરફારો અને ખાસ કરીને છેલ્લા ચાર વર્ષથી લાગુ કરવામાં આવેલા જીએસટીને લઈને માર્કેટમાં સતત અપડેટ આવી રહયા છે.
ખાસ કરીને ઈનપુટ ટેકસ ક્રેડિટ જેવા ઉભા થઈ રહેલા ઈસ્યુની કરવેરા નિષ્ણાંતોને પુરી જાણકારી હોવી જરૂરી છે. સીએના સિલેબસનાં કેટલાક ચેપ્ટર્સમાં અગાઉનાં કાયદાઓનાં મુદાઓનો સમાવેશ કરાયો હોય છે હવે તેમાં કેટલાક ફેરફારોની આવશ્યકતા જણાય હોય આ અંગેની કવાયત શરૂ કરાઈ છે. જીએસટીનાં પોર્ટલ અને આવકવેરાને લઈને પણ અનેક મુદાઓની સમસ્યાઓ આજે સીએ પાસે આવી રહી છે કરદાતાઓ પરેશાન છે. 
આઈસીએઆઈની વેસ્ટર્ન રિજીયનની રાજકોટમાં શરૂ થયેલી બે દિવસીય કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા સીએ ઈન્સ્ટીટયુટનાં વેસ્ટર્ન રિજીયનનાં ચેરમેન મનીષ ગેડીયાએ જણાંવ્યુ હતું કે આજે બિઝનેસનાં ટ્રેન્ડ બદલાયા છે. મોટાભાગનાં ઓનલાઈન ટ્રાન્જેકશન થઈ રહયા છે ત્યારે ફિઝીકલી તપાસ થતી ન હોય ફ્રોડ થવાનાં ચાન્સ વધી રહયા છે એવા સંજોગોમાં સીએની જવાબદારી પણ વધી જાય છે. જીએસટીનાં પોર્ટલનાં પણ કેટલાક ઈસ્યુ છે. સીએ ઈનસ્ટીટયુટ કેન્દ્રનાં નાણાંમંત્રાલયનાં સતત સંપર્કમાં રહીને કઈ રીતે મુશ્કેલીઓ દૂર કરી શકાય તે માટે પ્રયાસો કરી રહયુ છે. બિઝનેસમેન અને સરકાર વચ્ચે કડી બનીને કામ કરી રહયું છે. રાજકોટ ખાતેની કોન્ફરન્સમાં જીએસટી ઓડિટ, વિદેશી રોકાણોનાં કાયદાઓ, ઈન્ટરનેશનલ ઓડિટ અને ટેકસ ફન્ડામેન્ટલ એનાલીસીસ પર ફોકસ કરીને ચર્ચા કરાઈ હતી.