Page Views: 1876

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં ભૂસ્ખલન અને પૂરથી 112ના મોત

વશિષ્ઠી નદી પરનો પુલ તુટી જતા ચિપલૂન તરફનો રસ્તો બંધઃ ભૂસ્ખલનમાં 99 ગાયબ થયા

મુંબઇઃ વર્તમાન્યુઝ.કોમ 
મહારાષ્ટ્રમાં ભારે વરસાદ આફત બનીને તૂટી પડ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ભારે મહારાષ્ટ્રના અલગ અલગ જગ્યાએ વરસાદ, ભૂસ્ખલન અને પૂરના કારણે 112 લોકોના મોત થયા છે અને 99 લોકો લાપતા થયા છે. 
કોંકણ પટ્ટીના રાયગઢમાં સૌથી વધારે તબાહી સર્જાઇ છે. જિલ્લામાં અલગ અલગ 3 જગ્યાઓ પર ભૂસ્ખલનની ઘટના નોંધાઈ છે. મહાડના તલિયા ગામ ખાતે થયેલા ભૂસ્ખલન બાદ અત્યાર સુધીમાં કાટમાળમાંથી 52 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને 53 લોકો લાપતા છે. ઉપરાંત 33 લોકો ગંભીર રીતે ઘવાયા પણ છે. 
સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના અહેવાલ પ્રમાણે રાયગઢ, રત્નાગિરી, સાંગલી, સતારા, કોલ્હાપુર, સિંધુદુર્ગ અને પુણે ખાતે કાટમાળમાંથી અત્યાર સુધીમાં 112 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે 53 લોકો ગંભીર રીતે ઘાયલ છે. તલિયે ગામ સિવાય રાયગઢ જિલ્લાના પોલાદપુર તાલુકામાં સુતારવાડી ખાતે ભૂસ્ખલનથી 5 લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ લાપતા છે અને 15 લોકોને ઈજાઓ પહોંચી છે. આ તરફ કેવલાલ ગામે પણ 5 લોકોના મોત થયા છે અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ છે. વશિષ્ઠી નદી પરનો પુલ વહી જવાના કારણે ચિપલૂન તરફનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઇ ગયો છે. આ સાથે ભારે વરસાદના કારણે મુંબઈ-ગોવા હાઇવે પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.