Page Views: 11627

રફ ડાયમંડની ઓન લાઇન ખરીદી પર લેવાતી બે ટકા ઇક્વલાઇઝેશન લેવી રદ કરવા ચેમ્બર દ્વારા માંગણી

સુરતથી મહુવા માટે ડેઇલી ટ્રેન દોડાવવા રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ સમક્ષ રજૂઆત

સુરત. વર્તમાનન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડીયા, પ્રેસિડન્ટ ઇલેકટ આશિષ ગુજરાતી, વાઇસ પ્રેસિડન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલા અને માનદ્‌ ખજાનચી મનિષ કાપડીયા સહિતના ચેમ્બરના પ્રતિનિધ મંડળે નવી દિલ્હી ખાતે ભારત સરકારના હેલ્થ એન્ડ વેલ્ફેર તથા કેમિકલ એન્ડ ફર્ટીલાઇઝર્સ વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, ટેકસટાઇલ અને રેલ્વેના રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ અને ભૂતપૂર્વ કાપડ મંત્રી સ્મૃતિ ઇરાની તથા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, ડો. મહેન્દ્ર મુંજપરા અને દેવુસિંહ ચૌહાણ તથા ગુજરાતના સાંસદ રમેશ ધડુક, મધ્યપ્રદેશ દેવાસના સાંસદ મહેન્દ્ર સોલંકી અને રાજ્યસભા સાંસદ રમીલા બારા સાથે મુલાકાત કરી હતી. 

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે રફ ડાયમંડના ઓનલાઇન પરચેઝીંગમાં ભારત સરકાર દ્વારા બે ટકા ઇકવલાઇઝેશન લેવી લેવામાં આવે છે, જેને કાઢી નાંખવા માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને રજૂઆત કરવામાં આવી હતી. તદુપરાંત રેલ્વેના રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશને પણ સુરતથી મહુવા માટે ડેઇલી ટ્રેન દોડાવવા માટે તેમજ સુરતથી આ ટ્રેનને સાંજના સમયે ઉપાડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. 

કેમિકલ એન્ડ ફર્ટીલાઇઝર મિનિસ્ટ્રી દ્વારા આયાત થતા પોલીસ્ટર યાર્ન અંગે બીઆઇએસ સર્ટિફિકેશન માટે ગેઝેટ બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત કવોલિટી સર્ટિફિકેશન માટેની સમગ્ર પ્રોસેસ ટેકસટાઇલ કમિશનર ઓફિસ તરફથી કરવામાં આવે તેવી રજૂઆત ચેમ્બર દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને કરવામાં આવી હતી. જે સંદર્ભે તેમનો સકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો અને તેમણે ચેમ્બરને આ બાબતે લેખિતમાં એક નોટ આપવા માટે સૂચન કર્યું હતું. 

તાજેતરમાં જ ચેમ્બરના નેજા હેઠળ દક્ષિણ ગુજરાતના વિવિધ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગપતિઓના એક પ્રતિનિધી મંડળે ઉદ્યોગ – ધંધાની નવી તકોની શોધ માટે ત્રિપુરાની મુલાકાત લીધી હતી. જ્યાં ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી, રિયલ એસ્ટેટ અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી માટે તકો જોવા મળી હતી. આ અંગે ચેમ્બરના પ્રમુખ દ્વારા એક અહેવાલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને સુપરત કરાયો હતો અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓ ત્રિપુરા અગરતલામાં નવી તકો મેળવી શકે તે માટે તેમના તરફથી સહકાર મળી રહે તેવી અપીલ કરવામાં આવી હતી. આ સંદર્ભે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓ ત્રિપુરામાં ઉદ્યોગ – ધંધાની તકો મેળવી શકે તેના માટે સરકાર તરફથી સહયોગ આપવામાં આવશે. 

ચેમ્બરના પ્રતિનિધી મંડળે ભારત સરકારના ભૂતપૂર્વ કાપડ મંત્રી સ્મૃતિ ઇરાનીની મુલાકાત લીધી હતી. પાંચ વર્ષ દરમ્યાન તેમના દ્વારા કાપડ ઉદ્યોગની ઘણી બધી મહત્વની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. જે અંગે ચેમ્બર તરફથી તેમનો વિશેષ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. સ્મૃતિ ઇરાની દ્વારા નીચે મુજબની ઘણી મહત્વની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

૧. ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં જીએસટીમાં આવેલ ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચરને કારણે શરૂઆતમાં રિફંડ મળતું ન હતું. આથી સ્મૃતિ ઇરાનીને કરાયેલી રજૂઆતને પગલે તેમના તરફથી આ મામલે નાણાં મંત્રાલયમાં સતત રજૂઆતો કરાઇ હતી. જેને પગલે ટેકસટાઇલ ક્ષેત્રે ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચરમાં રીફંડની પરવાનગી આપવામાં આવી હતી. 

ર. નાણાં મંત્રાલય દ્વારા ટેકસટાઇલના કી રો–મટિરીયલ ઉપર એન્ટી ડમ્પીંગ ડયૂટી નહીં લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં પણ સ્મૃતિ ઇરાનીનો મહત્વનો ફાળો રહયો હતો. 

૩. ભારત સરકાર રિજિયોનલ કોમ્પ્રેહેન્સીવ ઇકોનોમીક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ કરવા જઇ રહયું હતું. જો આ એગ્રીમેન્ટ સાઇન થઇ ગયું હોત તો ભારતમાં ફિનીશ્ડ ફેબ્રિક તથા વેલ્યુ એડેડ ટેકસટાઇલ પ્રોડકટ મોટા પ્રમાણમાં ભારતમાં ઠલવાયા હોત. જેને કારણે ભારતની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી ભાંગી પડી હોત. આવી સ્થિતિનું નિર્માણ નહીં થાય તે માટે સ્મૃતિ ઇરાનીએ પ્રધાનમંત્રીને આર.સી.ઇ.પી.ને કારણે ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીને પડનારી મુશ્કેલીઓ સમજાવી એગ્રીમેન્ટ સાઇન નહીં કરવા માટે ચોકકસ કારણો જણાવ્યા હતા. અંતે પ્રધાનમંત્રી દ્વારા નિર્ણય લેવાયો હતો કે આર.સી.ઇ.પી.માં ભારત જોડાશે નહીં. 

૪. નવી ટેકસટાઇલ નીતિ– ર૦ર૧ બનાવવામાં પણ સ્મૃતિ ઈરાનીનો મહત્વનો ફાળો રહયો છે. ખાસ કરીને પ્રોડકશન લીન્કડ ઇન્સેન્ટીવ સ્કીમ (PLI) અને MITRA સ્કીમ બનાવવા માટે તેમની મહત્વની ભૂમિકા રહી હતી. તેમના પ્રયાસોને કારણે પીએલઆઇ સ્કીમમાં રૂપિયા ૧૦૬૮૩ કરોડ મેન મેઇડ ફાયબર ટેકસટાઇલ અને ટેકનીકલ ટેકસટાઇલ ક્ષેત્રે ફાળવવામાં આવ્યા હતા. 

પ. ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં નાના વિવર્સ ટકી શકે એના માટે તેઓને વ્યાજબી ભાવે યાર્ન મળી રહે તથા ઓછા વ્યાજદરે ધિરાણની સુવિધા મળી રહે તે માટે સ્મૃતિ ઇરાની દ્વારા યાર્ન બેંક સ્કીમ શરૂ કરવામાં આવી હતી. જેથી વિવર્સ ભાઇઓને ધંધો કરવા માટે સરળતા રહી હતી.