Page Views: 7839

મહાબળેશ્વરમાં 24 કલાકમાં 23 ઇંચ વરસાદથી પાણી-પાણીનું સામ્રજય સર્જયું

મુંબઈવાસીઓના પ્રિય હિલસ્ટેશનમાં એક દિવસમાં અત્યાર સુધી કયારેય આટલો વરસાદ નોંધાયો નથી

મુંબઈઃ વર્તમાનન્યુઝ,કોમ 
મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલું મુંબઈગરાઓ સહિત દેશવાસીઓનું પ્રિય હિલસ્ટેશન મહાબળેશ્વરમાં મેદ્યરાજાએ ધનાધન બેટિંગ કરતા ૨૪ કલાકમાં નોંધપાત્ર ૫૯૪.૪ મિલિમિટર (અદાજે ૨૩ ઈંચ) વરસાદ ખાબકયો છે. હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ શુક્રવાર સવારના ૮.૩૦ કલાક સુધીમાં આ આંકડો છે. એક અંદાજ મુજબ મહાબળેશ્વરમાં એક દિવસમાં આ સર્વોચ્ચ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં કયારેય આટલો બધો વરસાદ એક દિવસમાં પડ્યો નથી.
પ્રાપ્ત વિગતો મુજબ મહાબળેશ્વરમાં બુધવારે ૪૮૨ એમએમ અને ગુરુવારે ૪૬૧ એમએમ વરસાદ વરસ્યો હતો. આઈએમડીના પ્રાદેશિક વિભગાના વડા ડો. જયંત સરકારે જણાવ્યું કે, મહાબળેશ્વરમાં વિતેલા ૨૪ કલાકમાં ૫૯૪.૪ એમએમ વરસાદ નોંધાયો છે. આ હિલસ્ટેશનના ઈતિહાસમાં આ એક દિવસનો સૌથી વધુ વરસાદ રહ્યો છે.
મુંબઈ આએમસીના વરિષ્ઠ વિજ્ઞાની ડો. શુભાંગી ભુતેએ ૨૦૧૦ પછીના આંકડાની વિગતો આપતા કહ્યું કે, અત્યાર સુધીમાં ૩૧ જુલાઈ ૨૦૧૪ના રોજ મહાબળેશ્વરમાં સર્વાધિક ૪૩૨ એમએમ વરસાદ પડ્યો હતો. અગાઉ ૧૬ જુલાઈ ૨૦૧૮ના ૨૯૮.૭ એમએમ તેમજ ૨૬ જુલાઈ ૨૦૧૦ના ૨૯૦.૮ એમએમ વરસાદ નોંધાયો હતો. મહાબળેશ્વરમાં વર્ષ દરમિયાન સરેરાશ ૫,૫૩૦ એમએમ વરસાદ નોંધાય છે જયારે ગત ત્રણ દિવસમાં જ વર્ષનો ૩૦ ટકા વરસાદ પડ્યો છે.