સુરતઃ વર્તમાનન્યુઝ.કોમ
પલસાણાના સાંકી ગામેથી ગાંજાના નશીલા કારોબારનું મોટુ નેટવર્ક જિલ્લા એસઓજી પોલીસે ઝડપી પાડ્યું છે. શ્રી રેસિડેન્સીના બીજા માળે આવેલા ફ્લેટમાં રાત્રિના સમયે રેડ કરી સવા કરોડની કિંમતના 1142.74 કિલો ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે. ગાંજાના ઉત્પાદનનું મોટુ નેટવર્ક ધરાવતા ઓડિશાના ગંજામથી ગાંજાનો જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે લાવી એપાર્ટમેન્ટના ફ્લેટમાં રાખવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ સુરત ગ્રામ્ય એસ.ઓ.જી.ને મળેલી બાતમીના આધારે ટીમ બનાવી શુક્રવારે મોડીરાત્રે રેડ કરવામાં આવી હતી. એસઓજીએ બાતમીના આધારે સાંકી ગામ ગામે લબ્ધી બંગ્લોઝ કમ્પાઉન્ડમાં આવેલ શ્રી રેસીડન્સીના બીજા માળે ફલેટ નંબર 204માં રેડ પાડી હતી. પોલીસને રેડ દરમિયાન સવા કરોડની અંદાજે કિંમતનો 1142.74 કિલો ગાજો મળી આવ્યો હતો. સાથે જ એક આરોપીને પણ ઝડપી લેવામાં આવ્યો હતો.
ફલેટમાંથી 32 ગુણ ગાંજાનો જથ્થો મળી આવ્યો
એસઓજી પોલીસે ફ્લેટને કોર્ડન કરીને રેડ કરી હતી. જેમાં ફ્લેટમાં અંદર તપાસ કરતાં 32 જેટલી ગાંજા ભરેલી ગુણ મળી આવી હતી. કોથળામાં ભરેલા મોટા પ્રમાણમાં રહેલા ગાંજાના જથ્થાને પોલીસે સીઝ કરીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ પોલીસે મુદ્દામાલમાં આરોપીના મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે 19 વર્ષિય બિકાસ બુલી ગૌડા (રહે. ઉત્કલ નગર, કતારગામ)ને પકડી પાડી રૂ. 1,14,27,400ની કિંમતનો 1142.74 કિલો ગાંજો, બે મોબાઇલ ફોન, રોકડા રૂ. 750 અને એક મોપેડ કબજે લેવામાં આવી છે. જિલ્લા એસઓજીની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, ઓડિશાના ગંજામ જિલ્લામાંથી સમગ્ર ગાંજાનો જથ્થો બારડોલીના સાંકી ગામે લવાતો હતો. અહિં ફ્લેટમાં ગાંજાના જથ્થાને રાખ્યા બાદ વાપી, સુરત, વડોદરા, ભરૂચ સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં ગાંજાનો જથ્થો સપ્લાય કરવામાં આવતો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. હાલ પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા માટે માસ્ટર માઈન્ડ આરોપીની શોધખોળ હાથ ધરી છે.
• Share •