Page Views: 3114

એમ્બ્રોડરી જોબવર્ક કરનારાની સમસ્યા અંગે તેજસ સંગઠનની ભાજપા પ્રદેશ પ્રમુખને રજૂઆત

સુરતમાં વિવિધ વિસ્તારોમાં એમ્બ્રો પાર્ક શરૂ કરવા માંગણી

ગાંધીનગર-વર્તમાનન્યૂઝ.કોમ

તેજસના ટુંકા નામથી વિખ્યાત સંગઠન ટેક્ષટાઇલ એમ્બ્રોડરી જોબવર્ક એસોસિયેશન ઓફ સુરતના હોદ્દેદારોએ ભાજપા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ગાંધીનગર સ્થિત તેમના નિવાસ સ્થાને રૂબરૂ મળીને ટેક્ષટાઇલ એમ્બ્રોડરી જોબવર્ક ક્ષેત્રમાં વ્યાપેલી બેરોજગારી સહીતની વિકટ પરીસ્થિતિ અને સમસ્યાઓનો ચિતાર આપીને યોગ્ય કરવા રજુઆત કરી હતી..આ રજુઆતને અનુલક્ષીને ભાજપા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે તેજસને સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

કરૂણેશ રાણપરીયાને સાથે રાખીને તેજસ સંગઠનના પ્રમુખ હિતેષભાઈ ભીકડીયા તથા ખજાનચી અલ્પેશભાઈ બલરે સીઆર પાટીલને રજુઆત કરતા કહ્યુ કે લાખો લોકોને રોજગારી આપતો એમ્બ્રોડરી મશીન વ્યવસાય ટેક્ષટાઇલ ઉદ્યોગનું એક મહત્વનું અભિન્ન અંગ છે.કોરોના પછી આવેલી મંદીના કારણે આ ક્ષેત્રમાં અઢળક આર્થિક નુકશાન થયુ છે તો લાખો લોકો બેરોજગાર બન્યા છે. સ્ટોન, ટીકી કે લેસ પટી જેવા વેલ્યુ એડિશનના કામકાજ દ્વારા આ ક્ષેત્રમાં મહીલાઓ સહુથી વધારે રોજગારી મેળવી પરિવારને મદદરૂપ થતી હતી.પરંતુ મંદીને લીધે કામકાજ બંધ થતા 1-2 વર્ષ અગાઉની મજૂરીના નાણા પણ ફસાઈ ગયા છે.

કાપડ માર્કેટમાં થતા ઉઠમણામાં પ્રતિવર્ષ એમ્બ્રોડરી મશીન સંચાલકોના કરોડો રૂપિયા ફસાઈ જાય છે.આ આર્થિક અપરાધ રોકવા સુરતમાં સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન(સીટ) ની રચના કરવામાં આવી છે.પરંતુ હજુ સુધી તે સક્રીય થઈ નથી.જેથી સીટને ઝડપથી સક્રિય કરી કરોડો રૂપિયા રિકવર કરવાની પણ સંગઠને માંગણી કરી હતી.આ ઉપરાંત સુરતમાં અલગ જગ્યા ફાળવીને એમ્બરો પાર્ક શરૂ કરવા, મોંઘવારીના સમયમાં રીક્ષા કે ટેમ્પોના ભાડા નહી પોસાતા એમ્બ્રોડરીમાં મજુરી કરતા લોકો ટુ વ્હીલર પર સાડી કે ડ્રેસના પોટલાંની હેરફેર કરતા હોય છે તેમની પોલિસ દ્વારા થતી કનડગત રોકવા અને દંડ નહી વસુલવા સહીતની બાબતોનો સમાવેશ થાય છે.