Page Views: 4073

ગુજરાતના ઉદ્યોગ સાહસીકો માટે ત્રિપુરામાં છે વેપારની વિપુલ તક : ચેમ્બર પ્રમુખ દિનેશ નાવડીયા

ચ્હા, અનાનસ, લીચી, વુડન ફર્નિચર અને રબ્બર ઉદ્યોગ ઉપરાંત અગરના વૃક્ષો સહિત કુદરતી સૌંદર્ય અને સંપદા ધરાવતા પ્રદેશમાં અનેકવિધ વેપારના સ્ટાર્ટઅપ માટે ઉત્તમ હોવાનું જણાવતા મનહર સાસપરા અને વેલજી શેટા

સુરત. વર્તમાનન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડીયા સહિતના સુરતના વેપાર ઉદ્યોગના અગ્રણીઓનું એક પ્રતિનિધી મંડળ  ચેમ્બરના નેજા હેઠળ ગત સપ્તાહે  અગરતલા, ત્રિપુરાની મુલાકાતે ગયુ હતુ.  સુરતની વિવિધ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ આ મુલાકાતમાં જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના વિશેષ પ્રયાસો થકી ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી બિપ્લવકુમાર દેબ અને ત્યારબાદ સરકારી અધિકારીઓ સાથે સંવાદસેતુનું આયોજન કરવામાં આવ્યું હતું.  ચેમ્બર પ્રમુખ દિનેશ નાવડિયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ત્રિપુરા રાજ્યમાં કુદરતી સંપતિ અને સોંદર્ય ભરપુર છે. હાલમાં ત્યાં જે પરંપરાગત ઉદ્યોગો છે તેનો પણ પુરતા પ્રમાણમાં વિકાસ થયો નથી. આવા સંજોગોમાં ગુજરાતના અને ખાસ કરીને સુરત શહેરના વિવિધ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસીકો દ્વારા જો ત્રિપુરામાં રોકાણ કરીને સ્ટાર્ટ અપ કરવામાં આવે તો મોટો લાભ મળી શકે તેમ છે.

ત્રણ દિવસની આ મુલાકાત દરમિયાન ડેલીગેશન ત્રિપુરાના ઈન્ડસ્ટ્રીઝ સેકે્રટરી ડો. પી. કે. ગોયલ, ઈન્ડસ્ટ્રીઝ ડાયરેકટર તરીત ચકમા, એડીશનલ પ્રિન્સીપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ પ્રવિણ અગ્રવાલ, હોર્ટીકલ્ચર એન્ડ સોઈલ કન્ઝર્વેશન ડાયરેકટર ડો. પી. બી. જમાતીયા, હેન્ડલુમ એન્ડ હેન્ડીક્રાફટ ડાયરેકટર પી. એલ. ચકમા, મેનેજિંગ ડાયરેકટર, ત્રિપુરા રીહેબીલીટેશન પ્લાન્ટેશન કોર્પોરેશન પ્રસાદ રાવ વદરાપુ, ત્રિપુરા ફોરેસ્ટ ડેવલપમેન્ટ એન્ડ પ્લાન્ટેશન સેકટરના એકિઝકયુટીવ ડાયરેકટર બી. દેબરામના, મેડીકલ પ્લાન્ટ બોર્ડ, ત્રિપુરાના ડી.સી.એફ વાંગડુપ ભુતીયા, ત્રિપુરા ટી–બોર્ડના ચેરમેન સંતોષ સાહા સાથે મિટીંગ કરી હતી. આ ઉપરાંત ડેલીગેશને ટી એસ્ટેટ, મેગા ફુડ પાર્ક, ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, હેન્ડલુમ હેન્ડીક્રાફટ કલ્સ્ટર, બામ્બુ પ્રોસેસીંગ અને ફર્નીચર મેકીંગ યુનિટ, રબર પ્રોસેસીંગ યુનિટ, ફુડ પ્રોસેસીંગ યુનિટ, અગરવુડ પ્લાન્ટેશન, બામ્બુ વિલેજ, ટુલ રૂમ વિગેરેની પણ મુલાકાત લઈ ઇન્ડસ્ટ્રી અને તેમાં ઉપલબ્ધ વિવિધ તકોની માહિતી મેળવી હતી.

ત્રિપુરામાં અનાનસ અને લીચીના પલ્પ કે પાવડરના પ્લાન્ટમાં વિપુલ તક- મનહર સાસપરા

ડેલીગેશન સભ્ય અને સુરતની જાણીતી એવી યુરો ઇન્ડીયા ફુડ પ્રા.લી.ના અગ્રણી મનહર સાંસપરાએ જણાવ્યું હતું કે, ત્રિપુરામાં પાઈનેપલ, લીચી, જેકફ્રુટ જેવા ફળો ખુબજ મોટા પ્રમાણમાં થાય છે અને તેની ગુણવત્તા પણ ખુબજ સારી છે, પરંતુ ટ્રાન્સપોર્ટના વિકલ્પ મર્યાદિત  હોવાથી આ ફળોનો ઉપયોગ પુરતો થઈ શકતો નથી. જો પલ્પીંગ પ્લાન્ટ, ફ્રુટ પાવડર મેકિંગ પ્લાન્ટ, કેન ફુડ પ્લાન્ટ સ્થાપવામાં આવે તો વિપુલ પ્રમાણમાં જે જથ્થો છે તેનો ખુબજ સારો ઉપયોગ થઈ શકે અને માત્ર ભારતની ફુડ ઈન્ડસ્ટ્રી જ નહીં વિદેશમાં એક્ષ્પોર્ટ પણ કરી શકાય તે માટેની તકો રહેલી છે.

ડેલીગેશનના સભ્ય અને રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા વેલજી શેટા એ જણાવ્યું હતું કે,  ત્રિપુરામાં અગરવુડના વૃક્ષ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ વૃક્ષમાં ઈન્ફેકશન લાગતા તે એક પ્રકારના એન્ટીબોડીઝ બનાવવાનું ચાલુ કરે છે અને ૩–૪ વર્ષના સમયગાળા બાદ આ વૃક્ષને પ્રોસેસ કરી તેમાંથી ચીપ્સ અને ઓઈલ કાઢવામાં આવે છે. ચીપ્સ ધુપ તરીકે અને ઓઈલ પરફયુમમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત આ વૃક્ષનો ઉપયોગ દવામાં પણ કરી શકાય છે. હાલમાં આ ચીપ્સ અને ઓઈલનું એક્ષ્પોર્ટ બંધ છે પણ ટુંક સમયમાં સરકાર આ માટેની પોલીસી જાહેર કરશે. તદુપરાંત બામ્બુ ફર્નિચર, રબરવુડ જેવી આઈટમો રીયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીમાં લાકડાના સારા વિકલ્પ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેમ છે, જે વધુ ટકાઉ છે અને તેમાં પાણી/ઉધઈથી કોઈ સમસ્યા ઉભી થતી નથી. આ તમામ ક્ષેત્રમાં ખુબજ સારી તકો રહેલી છે.

ડેલીગેશન સભ્ય અને ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા દિપક શેટા જણાવે છે કે, ત્રિપુરા ત્રણ તરફથી બાંગ્લાદેશ બોર્ડરથી જોડાયેલું છે. બાંગ્લાદેશનું પોર્ટ ત્રિપુરા બોર્ડરથી અંદાજે ૭૦ કી.મી. દુર છે. બંને દેશો વચ્ચે કરાર થઈ ચુકયા છે અને 'મૈત્રી' બ્રિજનું કાર્ય ચાલી રહયુ છે. આ બ્રિજ બન્યા બાદ તથા ઈન્ટરનેશનલ ચેક પોસ્ટ બન્યા પછી સુરત ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રી કે જેમાં સ્ટીચીંગનું ખુબજ મોટું  કામ બાંગ્લાદેશમાં થાય છે તે બંને દેશો વચ્ચે વ્યવસાયની વધુ તકો ઉપલબ્ધ થશે, જેથી કાર્ય સરળ બનશે. આ ઉપરાંત ત્રિપુરા સરકાર લોજીસ્ટીકસ પાર્ક અને સ્પેશીયલ ઈકોનીમીક ઝોનની સ્થાપના પણ કરવા જઈ રહી છે, જે ઈન્ડસ્ટ્રી માટે ખુબજ ફાયદાકારક બની રહેશે. આ ઉપરાત, સભ્યો દ્વારા ટી માર્કેટીંગ, એકઝોટિક ફુ્રટનું વાવેતર, રબરની પ્રોડકટ, હેન્ડલુમ હેન્ડીક્રાફટ તથા બામ્બુ પ્રોડકટમાં રહેલી તકો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયા દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓને ઉપરોકત બાબતોમાં કોઈપણ પ્રકારનો રસ હોય અને વિસ્તૃત માહિતી જોઈતી હોય તો ચેમ્બર ઓફ કોમર્સનો સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્યો છે.