Page Views: 12799

ગમે ત્યાંથી માપો, ગમે ત્યાંથી કાપો, અમારામાં મળશે ઝુરાપો ઝુરાપો

ચાહે એને પાતાળે છુપાવો, ભેદ ભરમને ઊઘડવામાં રસ છે

વર્તમાનન્યૂઝ.કોમ – સંકલન- નૂતન તુષાર કોઠારી નીલ દ્વારા

શીર્ષક:હવે છંદ: રમલ

બંધારણ: ગાલગાગા × ૨ ગાલગા

કર્મનો પણ કરને સરવાળો હવે.

દુઃખ આવે રાહ દેખાડો હવે.

 

સુખ આવે દુઃખ પણ ચાલ્યું જશે,

ચાલતી રે'શે આ ઘટમાળો હવે.

 

પાપનો ફૂટી જશે જ્યારે ઘડો

આવશે સામે એ ગોટાળો હવે.

 

હાથના કર્મો ઉરે તે વાગતાં

શૂળ દર્દોના ન સંતાડો હવે.

 

શ્વેત-શ્યામલ કામ હોંશેથી કર્યાં.

'નીલ' ભોગવ, પાડ ના રાડો હવે.

 

સાથ સર્વેનો રહ્યો જીવન પથે,

'નીલ' પથ છો હોય કાંટાળો હવે.

 

શુભ કાર્યો આપશે શાતા તને,

'નીલ' રસ્તો આજ અજવાળો હવે.

 

© - નૂતન તુષાર કોઠારી 'નીલ' - વાપી  તા.: ૧૬/૦૧/૨૦૨૦, ૨૨:૫૦am

****************************************************************

ગઝલ: આગ ચાંપો

લગાગા × 4

ગમે ત્યાંથી માપો, ગમે ત્યાંથી કાપો,

અમારામાં મળશે ઝુરાપો ઝુરાપો.

 

વિચારોમાં આવી કદી જોઈ લે તું,

ફકત નામ તારું ફકત તારા જાપો. 

 

હતા હાથ ખાલી, હતી આંખ ખાલી,

ન એમાં તમે સ્વપ્ન આવીને સ્થાપો.

 

કદી જળનું ટીપું ગણી આંખ વાંચી,

અમોને મળ્યો ત્યાં બળાપો બળાપો.

 

છતાં બારસાખે ચડી છે પ્રતીક્ષા,

નથી ઘરને કોઈ જ ડેલી કે ઝાંપો. 

 

અમે ચીતરેલી તરસનાં તળાવો,

ન લઈને પધારો સ્મરણનો તરાપો.

 

નથી કોઈ દરજી એવો આ જગતમાં

જે સાંધે પડેલો આ શ્વાસોનો ખાપો.

 

સજાવીને રાખી સપનની ચિતા મેં,

ગમે ત્યારે આવી તમે આગ ચાંપો.

:- શૈલેષ પંડયા 'નિશેષ'

****************************************************************

ગઝલ: રસ છે

ગા × 10

કોઈકને જીદે ચડવામાં રસ છે, 

કોઈકને ધીરે પડવામાં રસ છે.

 

કંઈ ઓછા ક્યાં છે ઊલ્ટું કરનારા, 

બહુ કમને સીધું કરવામાં રસ છે! 

 

ચાહે એને પાતાળે છુપાવો, 

ભેદ ભરમને ઊઘડવામાં રસ છે.

 

આત્માને તો શાંતિ વ્હાલી લાગે, 

પણ મનને તો બાખડવામાં રસ છે.

 

પણ કોને કોને સાચવશો 'ઉડાન'? 

સૌને બસ સામું પડવામાં રસ છે.

:- ઈશ્વર ચૌધરી 'ઉડાન' 

****************************************************************

કોણ કહે છે કે મરી છે જિંદગી ?

લો જુઓ પડખું ફરી છે જિંદગી.

 

કાપવા બેઠી કુહાડી બહુ બધી,

તે છતાં પણ પાંગરી છે જિંદગી.

 

જો તમે માગ્યું કશું પણ પ્રેમથી,

મેં હથેળીમાં ધરી છે જિંદગી.

 

ભેદ એનાં જો ગયો હું પૂછવા,

આંખ કાઢી વીફરી છે જિંદગી.

 

દર્દ છે એકાંત છે ને ઓરડો,

એકલો ભાળી ડરી છે જિંદગી.

:- અનવર જુનેજા - વડગામ