Page Views: 6085

પુણાની પીસીઆર વાનના બે કોન્સ્ટેબલો સામે ભષ્ટ્રાચારનો ગુનો દાખલ

ટ્રાફિક નિયમ તોડવાના બહાને પોલીસે તોડ કરતાનો વીડિયો વાઇરલ થયો હતો

સુરતઃ વર્તમાનન્યુઝ.કોમ 
પુણા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન રસ્તામાં ઉભી રાખી વાહનચાલકો પાસેથી ટ્રાફિક નિયમ તોડવાના બહાને તોડ કરનાર પોલીસવાળાનો વીડિયો વાઇરલ થતાની સાથે જ પુણા પોલીસે બંને કોન્સ્ટેબલ સામે ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.  
પ્રાપ્ત વિગતો મુજબ પુણા વિસ્તારમાં રહેતો યુવક મંગળવારે બપોરે 12 વાગ્યે બાઈક લઈ પુણા કેનાલ બીઆરટીએસ રૂટથી આગળ ટીટી સેન્ટર પાસે અંદરના અવાવરૂ રસ્તા નજીકથી જતો હતો. ત્યારે ત્યાં ઉભેલી પુણા પોલીસની પીસીઆર વાન- 23 વાનનો કોન્સ્ટેબલ નિરલ કિરીટભાઈ અને મુકેશ રમણે બાઈક સવાર યુવકને આંતર્યો હતો. તેની પાસે લાઈસન્સ માંગ્યું હતું. પરંતુ યુવક પાસે લાયસન્સ ન હતું. નિરલે એક હજાર રૂપિયા દંડ ભરી રસીદ લેવા કહેતા યુવકે તેના મિત્રને રૂપિયા લઈને બોલાવ્યો હતો. તેનો મિત્ર આવ્યો પરંતુ તેની પાસે પણ રૂપિયા ન હતા. ત્યારે યુવકના મિત્રએ ફોનમાં રેકોર્ડિંગ શરૂ કરી દીધું હતું. જેની પોલીસ કોન્સ્ટેબલ નિરલને ખબર ન પડી હતી. નિરલે છેલ્લે કહ્યું, વધુ રૂપિયા નથી તો 500-700 પણ ચાલશે. જોકે તેની રસીદ ન મળે. યુવકે રસીદ વગર 500 રૂપિયા આપ્યા હતા. નિરલે રસીદ આપી ન હતી. નિરલે રૂપિયા લઈને યુવકને ત્યાંથી જવા કહ્યું હતું. યુવકના મિત્રએ તમામ ઘટનાનું રેકોર્ડીંગ કરી લીધું હતું. ત્યાર બાદ તે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધો હતો. રાત્રે આ બાબતે તોડ કરનાર 2 પોલીસ કર્મચારી વિરુદ્ધ પુણા પોલીસે ભષ્ટ્રાચારનો ગુનો દાખલ કર્યો છે. આગામી દિવસોમાં બંને પોલીસ કોન્સ્ટેબલોની ધરપકડ કરવામાં આવશે.