Page Views: 394

અમરોલીમાં મની ટ્રાન્સપરના ધંધાથ્રીને લૂંટી લેનારા આઠ લૂંટારૂ ઝડપાયા

અમરોલી પોલીસે એક લૂંટારૂને જયારે બીજા 7 સાત લૂંટારૂઓને રાયપુર રેલવે પોલીસે સુરત-પુરી ટ્રેનમાંથી ઝડપી પાડયા

સુરતઃ વર્તમાનન્યુઝ.કોમ 

અમરોલી સ્થિક અંજની ઇન્ડસ્ટ્રીઝ નજીકથી પસાર થતા રેલવે ટ્રેક નજીક મની ટ્રાન્સફરના ધંધાર્થીની બાઇકને આંતરી રૂ. 7.60 લાખની લૂંટ ચલાવનાર લૂંટારૂ ટોળકીના એક લૂંટારૂને અમરોલી પોલીસે ઝડપી પાડ્યો છે. જયારે તેના સાત સાથીદારોને રાયપુર રેલવે પોલીસે સુરત-પુરી સ્પેશીયલ ટ્રેનમાંથી ઝડપી પાડ્યા છે. 
પ્રાપ્ત વિગતો મુજબ અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝ-1 માં માનસી મોબાઇલ નામે મોબાઇલ રીપેરીંગ અને મની ટ્રાન્સફરનો ધંધો કરતા હરેશ વિનુ ગોળવીયાની અઠવાડીયા અગાઉ અંજની ઇન્ડસ્ટ્રીઝ-5 નજીક આંતરી બાઇક સવાર લૂંટારૂઓએ માર મારી રૂ. 7.60 લાખની મત્તા લૂંટી લીધી હતી.
આ ઘટનાની તપાસ કરી રહેલી અમરોલી પોલીસે કોસાડ કાંસાનગર પાસેથી બાઇક નં. જીજે-05 પીએ-3894 સાથે લૂંટારૂ કરણ પ્રવિણ રાઠોડ (ઉ.વ. 25 રહે. 13, જલારામ સોસાયટી, અમરોલી અને મૂળ. પીપળવા, તા. શિહોર, જિ. ભાવનગર) ને ઝડપી પાડયો હતો. કરણની કડક પુછપરછના આધારે રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. સુરત-પુરી સ્પેશીયલ ટ્રેનમાં ભાગી રહેલા તેના સાત સાથીદાર રાજેશ બલચંદ્ર પટનાયક, બસંત પ્રધાન દયાનિધી પ્રધાન, કૃણાલ સુશીલ ગૌડ, રૂચિત ઉર્ફે ગણેશ ઘનશ્યામ બ્હેરા, ચરણ અભિમન્યુ ગૌડ, શિવરામ ઉર્ફે શિવા ખડલ સ્વાંઇ અને મીતન સીમાંચલ બિસોઇને ઝડપી પાડયા હતા. અમરોલી પોલીસે કરણ પાસેથી રોકડા રૂ. 45 હજાર અને બાઇક તથા તેના સાથીદારો પાસેથી તેમની પાસેથી રોકડા રૂ. 66,500 અને સોનાના દાગીના તથા 9 મોબાઇલ ફોન કબ્જે લીધા છે.