Page Views: 6602

સુરતના દીપક કાબરા ટોકિયો ઓલિમ્પિકમાં આર્ટીસ્ટીક જિમ્નાસ્ટીકમાં જજ તરીકે નિયુક્ત થયા

ઓલિમ્પિકમાં સમગ્ર દેશમાંથી પ્રથમ જજ બનવાનું બહુમાન દીપક કાબરાને – ઓલિમ્પિકમાં મેડલ મેળવવાનું સ્વપ્ન પુર્ણ ન થયું પરંતુ હવે જજ તરીકે ઓલિમ્પિકમાં ભાગ લેશે

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

આગામી સપ્તાહથી વિશ્વની સૌથી મોટી સ્પર્ધા જાપાન ખાતે  ઓલિમ્પિક ટોકિયો 2021 રમાવાની છે. આ સ્પર્ધામાં સુરતના યુવાન દીપક કાબરાએ દેશને ઓલિમ્પિકમાં પ્રથમ જજ તરીકે નિયુક્ત થઇને ગૌરવ અપાવ્યુ છે. મુળ સુરતના ઘોડદોડ રોડ ઇન્ડોર સ્ટેડિયમ સામે આવેલા સાકેત એપાર્ટમેન્ટ ખાતે રહેતા દીપક સુરેન્દ્રભાઇ કાબરાને ટોકિયો ઓલિમ્પિક 2021માં મેન્સ આર્ટીસ્ટીક જિમ્નાસ્ટીક્સમાં જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કોઇ પણ ઓલિમ્પિક સ્પર્ધામાં ભારત દેશ તરફથી કોઇ પણ વ્યક્તિને જજ તરીકે નિયુક્તિ મળી નથી ત્યારે સુરતના દીપક કાબરાએ માત્ર સુરત શહેર  અને ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશને ગૌરવ અપાવ્યુ છે. નાનપણથી જ જિમ્નાસ્ટીકની વિવિધ સ્પર્ધામાં ભાગ લઇને સતત પાંચ વર્ષ સુધી ગુજરાત રાજ્યમાં ચેમ્પિયન રહેલા દીપક કાબરાનું સ્વપ્ન દેશ માટે ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું હતું પરંતુ તે શક્ય બન્યું ન હતું. આખરે તેમણે ખેલાડી તરીકે વય મર્યાદાના કારણે નિવૃતિ લઇ અને જિમ્નાસ્ટીકમાં જજ તરીકે કામગીરી કરવાનું પસંદ કર્યું હતું તેમજ અલગ અલગ પરીક્ષાઓ આપીને તેમણે છેલ્લા પાંચ વર્ષમાં આંતર રાષ્ટ્રીય કક્ષાની 20 સ્પર્ધામાં જજ તરીકે કામગીરી કરી હતી. ખાસ કરીને કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ, યુથ ઓલિમ્પિક, વર્લ્ડ ચેમ્પિયનશીપ, યુનિવર્સલ ગેમ્સ અને વર્લ્ડકપ જેવી સ્પર્ધામાં તેઓ જજ તરીકે સેવા આપી ચુક્યા છે.  ટોકિયો ઓલિમ્પીકમાં સમગ્ર વિશ્વમાંથી આર્ટીસ્ટીક જિમ્નાસ્ટીકમાં કુલ 50 જજને નિયુક્ત કરવામાં આવ્યા છે જેમાં દીપક કાબરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.