Page Views: 10171

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આંકરા પાણીએ તો...ધો.9થી 11નું શિક્ષણ કાર્ય ગુરૂવારથી શરૂ કરી દેશે

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર અપાયું

સુરતઃ વર્તમાનન્યુઝ.કોમ
રાજ્ય સરકાર દ્વારા ​તાજેતરમાં સરકાર દ્વારા ટયુશન કલાસીસ, સરકારી સ્કૂલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મિક સ્થળો, સ્વીમીંગ પુલ, અને ટ્રાવેલ્સની બસો સહીત તમામ વાણીજ્ય વ્યવસાયોને કોવીડ ગાઇડલાઇન અનુસાર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ ખાનગી શાળાઓના વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંચાલકોની લાંબા સમયથી શાળાઓ ખોલવા માટેની માંગને કોઇના કોઇ કારણોસર અણદેખી કરવામાં આવી રહી છે. આ સામે આજે સ્વનિર્ભર શાળા સંચાલિક મંડળ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી શાળાઓ શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી. 
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડો. દીપકભાઇ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, જે રીતે કોરોનાની બીજી લહેર પહેલા શાળાઓ તબક્કાવાર  ખલોવાની મંજુરી અપાઇ હતી. પરંતુ પ્રથમ તબક્કામાં સરકારે ધોરણ 9થી 12ની શાળાઓને ફરી શરૂ કરવા ત્વરીત મંજુરી આપવી જોઇએ. ધો. 9થી 12ના વિદ્યાર્થીઓને અભ્યાસ બાબતે છેલ્લા દોઢ વર્ષથી નુકશાન થયું છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યનો વિચાર કરી અને વધુ વિલંબ ન કરવા તથા સત્વરે શાળાઓ શરૂ કરવા માંગ કરવામાં આવી છે. શાળા સંચાલકોને શાળા શરૂ કરવા વાલીઓ સતત રજૂઆત કરે છે. વિદ્યાર્થીઓ પણ ખુબ ચિંતિત જણાઇ રહ્યા  છે. ગુજરાત રાજ્યના શાળા સંચાલકો, સ્ટાફ અને શિક્ષકોને વેકસિનના બંને ડોઝ અપાઇ ગયા છે. જેથી આવનાર વિદ્યાર્થીઓ માટે શાળાઓ અને શિક્ષકો સુરક્ષીત છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની માંગ નહીં સંતોષાશે તો ઉગ્ર આંદોલન પણ કરાશે. સાથો સાથ આગામી ગુરૂવારથી વાલીઓ અને વિદ્યાર્થીઓની પરવાનગી લઇ અને ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓ માટે શાળાઓના દરવાજા ખોલી દેવામાં આવશે અને કોરોનાની ગાઇડ લાઇન પ્રમાણે અભ્યાસ ચાલુ કરવામાં આવશે.  જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત વેળા પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, જતીનભાઇ ભરાડ, સવજીભાઇ પટેલ, એમ.પી. ચંદ્રન, ઉત્પલભાઇ શાહ, મહામંત્રી રાજેશભાઇ નાકરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.