Page Views: 4466

શહેર-જિલ્લામાં ધોધમાર વરસાદથી સામાન્ય જનજીવનને અસરઃ શહેરમાં સરેરાશ આઠ ઇંચ વરસાદ નોંધાયો

પરવત ગામના પાદર ફળિયામાંથી 15 પરિવારનું સ્થળાંતર કરાયું, મેયર સહિતના અધિકારી અને પદાધિકારીઓએ રાતભર કામગીરીની સમિક્ષા કરી

સુરતઃવર્તમાનન્યુઝ.કોમ 

શનિવારની રાત્રીથી મુંબઇમાં વરસાદે રૌદ્ર સ્વરૂપ દર્શાવ્યા બાદ મેઘાએ સુરતનો ઘમરોડયું હતું. રવિવારે સાંજે છ વાગ્યાથી સોમવારની સવારે છ વાગ્યા સુધીના બાર કલાકમાં શહેરમાં આઠ ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે શહેરનું સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ભારે વરસાદના પગલે પરવટ ગામ પાદર ફળિયમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા 15 જેટલા પરિવારોનું સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. શહેરના પ્રથમ નાગરીક એવા મેયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ કામગીરી પર રાતભર સમિક્ષા કરી હતી. 
હવામાન વિભાગની આગાહી મુજબ, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રવિવારે સવારથી જ મોડી રાત સુધી ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. સુરત શહેરના પણ રોડ-રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યાં હતાં. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા રહિશો મુશકેલીમાં મુકાઇ ગયા હતા. સુરત જિલ્લાના બારડોલી, કામરેજ, પલસાણા, મહુવા, તાલુકામાં પણ નદી-નાળાં છલકાયાં હતાં. શહેરના મેયર હેમાલી બોઘાવાલાએ રાતે 1 વાગ્યા સુધી વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ અધિકારીઓને સલાહ-સૂચનાઓ આપી હતી. લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડીના આજુબાજુના વિસ્તારોમાં વરસાદી પાણીને કારણે થયેલા પાણી ભરાવાનાં સ્થળોનું આર .જે માકડિયા, ઝોનના કાર્યપાલક ઈજનેર અને ઉચ્ચ અધિકારીઓ સાથે રૂબરૂ નિરીક્ષણ કર્યું જરૂરી સૂચનો કર્યાં હતાં. સણિયા હેમાદ ગામ ખાતે વરસાદી પાણીના ભરાવાના નિકાલ અર્થે એન.વી ઉપાધ્યાય (વરાછા બી ઝોનના ચીફ) તેમજ કાર્યપાલક ઇજનેર, સ્થાનિક કોર્પોરેટર અને ઉચ્ચ અધિકારીઓ આગેવાનોની ઉપસ્થિતિમાં રૂબરૂ સ્થળ મુલાકાત લઇ તાકીદે યોગ્ય પગલાં લેવા સૂચનો કર્યાં હતાં. સુરત શહેરમાં 6:00થી 06:00 સુધીમાં છ ઈંચ જેટલો વરસાદ થતાં અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયાં હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષે કરતા કેટલાક અંશે પાણી ઓછું દેખાતાં વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો છતાં અધિકારીઓ સાથે મળીને જે જે વિસ્તારમાં પાણી ભરાયાં હતાં એને નિકાલ માટેની રસ્તા વ્યવસ્થા ઝડપથી કરવા માટે કામે લાગ્યા હતા.
સુરત જિલ્લામાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. જિલ્લાના બારડોલી, કામરેજ, મહુવા, પલસાણામાં પણ આઠ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં અનેક સ્થળે વીજપોલ પડવાના અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી. સુરત જિલ્લાની નદીઓમાં પણ નવા નીર આવ્યા હતા. જિલ્લામાં સતત 12 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થયો હતો. તાપી નવસારી અને વલસાડ જિલ્લામાં પણ અવિરત વરસાદ વરસ્યો હતો. કોર્પોરેટર દિનેશ પુરોહિતે જણાવ્યું હતું કે પર્વત ગામમાં દર વખતે જે રીતે પાણી ભરાતા હતા એ આ વર્ષે ભરાશે નહીં. ચોમાસા પહેલાં આ વિસ્તારમાં લગાવેલા પંપને કારણે તમામ પાણી ઝડપથી નિકાલ કરી દેવાની વ્યવસ્થા કરી દેવાઈ છે. માત્ર પાદર ફળિયા અને હળપતિ આવાસમાં પાણી ભરાયાં હતાં.