Page Views: 8520

વૃક્ષ કાપી તમે ચણ્યું મંદિર, એટલે ઈશની ત્યાં રહેમ નથી

પરમસત્ય દર આવી ખખડાવશે, ગયા જેમ ગોરખ મછંદર તરફ

વર્તમાનન્યૂઝ.કોમ- સંકલન – નૂતન તુષાર કોઠારી – નીલ દ્વારા

ગઝલ: નથી

ગાલગાગા લગા લગા ગાગા

આપને કોઈ સાથે પ્રેમ નથી?

ભીંત પર કેમ ફોટો ફ્રેમ નથી?

વૃક્ષ કાપી તમે ચણ્યું મંદિર,

એટલે ઈશની ત્યાં રહેમ નથી.

તારી સામે તો બહુ મજામાં છું,

મારી અંદર હું હેમખેમ નથી.

ધ્યાનથી વાત પૂરી સાંભળજે,

એ કહે છે જે વાત, એમ નથી.

દ્રષ્ટિનો ફર્ક સ્હેજ પડવાનો,

પીળું દેખાય પણ એ હેમ નથી.

નીકળી ગ્યા પછી નહીં રોકાય,

આંખમાં કોઈ ચેક ડેમ નથી.

ગીત ગઝલો તણી મહેફિલમાં,

રામ જાણે પ્રશાંત કેમ નથી?

:- પ્રશાંત સોમાણી

****************************************************************

ગઝલ: તરફ

લગાગા × 3 લગા

વળ્યો છું હું પાછો હવે ઘર તરફ.

વળે છે બધા જેમ ઇશ્વર તરફ.

પરમસત્ય દર આવી ખખડાવશે,

ગયા જેમ ગોરખ મછંદર તરફ.

બધોયે ભરમ શાંત થાશે પછી,

નજર માંડ તું બસ યુગાંતર તરફ.

કિનારે વધી આગ જ્યારે અમે,

પછી દોટ મૂકી સમંદર તરફ.

તડપશે પછી જ્ઞાન માટે 'કમલ',

સફર આદરી લે તું ભીતર તરફ.

:- કમલ પાલનપુરી

****************************************************************

*ગઝલ*

 

ચોતરફથી વાયરાને સહેજ તો ખાળી જુઓ

દીપ આપોઆપ ટકશે વાટ પેટાવી જુઓ.

નીર આછા નીતરી છલકાઈ ઊઠશે હેલ્યમાં

વીરડો શ્રદ્ધા થકી આ રેતમાં ગાળી જુઓ.

સાવ ઠૂંઠૂં વૃક્ષ પણ મર્મરતું પાછું થઈ જશે

લાગણીના જળથી એના મૂળને સિંચી જુઓ.

ભીતરે જે ધખધખે છે, શાંત પળમાં થઈ જશે

જાત વિદેહી બનાવી બે'ક પળ બેસી જુઓ.

આમ તો અઘરૂં ઘણું છે, એને ખીલે બાંધવું

મન વટકતી ગાય જેવું નોંઝણે બાંધી જુઓ.

જીંદગીની નાવ કાણી ને વળી મઝધાર છે

જે ભરાયો ભય છે મનમાં, તેને પડકારી જુઓ.

  :- રસિક દવે

****************************************************************

ગઝલ: નૂતન રીતો, નૂતન રસમો

ગા × 16

પીંખ્યો અંતરનો મેં માળો, એક દિવસ એકાંતે બેસી,

મોંઘો ભાળ્યો મારો ચાળો, એક દિવસ એકાંતે બેસી.

ના રાખ્યો કો' આરોવારો, સંબંધોમાં થ્યો ગોટાળો.

છાનામાના કાં મોં વાળો, એક દિવસ એકાંતે બેસી?

ઢગલો પ્રશ્નો મોં ફાડીને, ઉત્તરના મારગમાં ઊભા, 

વિચારો, ના એને ટાળો, એક દિવસ એકાંતે બેસી.

હુંસાતુંસી, તારી-મારી , નાનાં-મોટાં છોડી ચાલો.

શાંતિથી સૌને સંભાળો, એક દિવસ એકાંતે બેસી.

'નૂતન' રીતો, નૂતન રસમો; ખુલ્લા હૃદયે સૌ અપનાવો

છોડીને જૂની જંજાળો, એક દિવસ એકાંતે બેસી.

:- નૂતન તુષાર કોઠારી 'નીલ' - વાપી