Page Views: 1498

એક સમયે જંગલમાંથી લાકડાની ભારી માથે ઉપાડનાર સાયખોમ મીરાંબાઇ ચાનું પાસે ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલની આશા

સાયખોમ મીરાંબાઈ ચાનું....વેઇટ લિફટિંગનો ઝળહળતો સિતારો, ઓલિમ્પિકમાં ભારતની આશા

હિમાદ્રી આચાર્ય દ્વારા દર શુક્રવારે કરન્ટ ટોપીક પર એક આર્ટીકલ લખવામાં આવે છે આજે તેમણે ભારતીય મહિલા વેઇટ લિફટર સાયખોમ મીરાંબાઇની સંઘર્ષ ગાથા ઉપર લેખ લખ્યો છે. આપને આ વિગતો કેવી લાગી તે અંગે અમને વોટસએપ નંબર 9173532179 ઉપર જણાવશો તો ગમશે જ...

  વર્તમાનન્યૂઝ.કોમ- હિમાદ્રી આચાર્ય 

દૂર સુદુરના એક નાનકડા અંતરિયાળ ગામડામાં કોઈ એક સવારે સોળ વર્ષનો છોકરો અને બાર વર્ષની તેની બહેન ગામડાની આસપાસ આવેલી પહાડીઓ પર રોજના ક્રમ મુજબ બળતણના લાકડાં વીણવા જાય છે. આજે લાકડાનો ભારો એટલો વજનદાર થઈ ગયો છે કે ભાઈથી ઊંચક્યો ઉચકાતો નથી. ત્યારે સાથે આવેલી બહેન કહે છે કે, ભાઈ હું આ ભારો ઉચકી લઉં! પોતામાંથી ચાર વર્ષ નાની આ બહેન તે શું ઉચકી શકવાની! પણ એને અજમાવવા દેવા સિવાય કોઈ વિકલ્પ પણ ક્યાં હતો! ભાઈ કહે છે કે, જોઇ જો, તું ઉચકી શકે તો. અને બહેન ભારો માથે ઉપાડી બે કિલોમીટર ચાલીને હેમખેમ એ લાકડાં ઘરભેગા કરે છે. બસ, પછી તો રોજનો આ ક્રમ...માતા કહે છે કે આપણી પાસે બળદગાડુ હોત તો તારે આ લાકડાં ઉઠાવવા ન પડત. દીકરી કહે છે કે મા, કેટલા રૂપિયાનું આવે બળદગાડુ? મા કહે છે કે એટલા બધા રૂપિયાનું આવે કે આપણે તો ક્યારેય ભેગા ન કરી શકીએ! નાનકડી છોકરીની આટલા બધા લાકડા ઉઠાવી લાવવાની વાત પાસપડોશમાં ચર્ચાનો વિષય બની જાય છે. કોઈ સંબંધી તેને સલાહ આપે છે કે તું વજન ઉંચકવામાં હોંશિયાર થઈ જાય તો તુ સોનાનો મેડલ મેળવી શકે અને એ વેચીને પછી બળદગાડુ ખરીદી શકે. બસ, ત્યારથી કુટુંબ માટે કંઈક કરી છૂટવાની વાત મગજમાં દ્રઢ થઇ ગઇ હતી પણ એ છોકરીને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે ઘરની આસપાસની જંગલી પહાડી પરથી લાકડા ઉઠાવવાની તેની જીવનચર્યા તેને એક દિવસ વિશ્વસ્તરની વેઈટલીફ્ટરનો દરજ્જો અપાવશે. તદ્દન ગરીબ પરિસ્થિતિમાં સંઘર્ષ કરતી, પડકારોને સામી છાતીએ ઝીલીને વિશ્વસ્તરે દેશનું નામ રોશન કરનાર, જંગલમાંથી ભારીઓ ઉપાડી લાવવાથી શરૂ થયેલી સફર જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓલિમ્પિકના પોડિયમ સુધી લઈ જાય ત્યારે આપણા દેશની આ ઝાંબાઝ ખેલાડી વિશે, એના જીવન વિશે જાણવું એ દરેક ભારતીયની ઉત્કંઠા જ નહીં પરંતુ ફરજ પણ બની રહે છે.

પૃષ્ઠભૂમિ

કોઈ પણ વ્યક્તિને ઘડવામાં કૌટુંબિક વાતાવરણ ઉપરાંત સામાજિક/સાંસ્કૃતિક/ભૌગોલિક વાતાવરણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ગુજરાત/મારવાડે અનેક સાહસી વ્યાપારી આપ્યા છે, પંજાબ-હરિયાણા એટલે ફૌજીઓ પેદા કરતી ભૂમિ તેમ જ નોર્થઇસ્ટ, ખાસ કરીને મણિપુર ખેલાડી પકવતી ભૂમિ કહેવાય છે. મણિપુરનો શાબ્દિક અર્થ છે રત્નોની ભૂમિ’. મ્યાનમારની સરહદને સંલગ્ન પૂર્વીય ભારતના લીલાછમ ખૂણામાં આવેલી આ ભૂમિ પ્રાકૃતિક સૌંદર્ય તેમજ કલા અને પરંપરાથી સમૃદ્ધ છે. અહીંના સાહસી, ખડતલ, ઉત્સાહી તેમજ જીંદાદીલ લોકોમાં પરંપરાઓ તેમજ જિંદગીના સંઘર્ષોમાં ટકી રહેવાના ગુણ ઠાંસી ઠાંસીને ભર્યા છે. વિવિધ પ્રકારની રમતો, જેવી કે ફૂટબોલ, બેડમીંટન, બોક્સિંગ વેઇટ લિફટિંગ વગેરે... અહીંની પરંપરા થઈ ચુકી છે. કારણ, અહીં કોઈને કોઈ રમત રમતાં ખેલાડીઓ દરેક ઘરમાં હોય છે. લગભગ કોઈ કુટુંબ રમતમાં ભાગ લેવાથી વંચિત નથી હોતું. બ્રિટિશર્સ જેને ‛પૂર્વનું સ્વિત્ઝર્લેન્ડ’ કહેતા એ મણિપુરે ભારતને બોક્સર એમ.સી. મેરી કોમ, એન.કુંજરાની દેવી અને ખુમુક્ચામ સંજીતા ચાનુ જેવા વેઇટલિફ્ટર; ટીંગોનલેઇમા ચાનુ જેવા હોકી ખેલાડીઓ, જેકસન સિંઘ થોનાઝોઆમ, ગિવસન સિંઘ મોઇરાજ્ઞથેમ જેવા ફૂટબોલરો... આમ, અનેક આંતરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો આપ્યા છે. આ જ પરંપરામાં આગળ વધતું એક નામ, મીરાંબાઈ ચાનું.... છવ્વીસ વર્ષિય વેઇટ લિફ્ટર મીરાંબાઈ વર્લ્ડ વેઇટલિફટિંગ ચેમ્પિયનશિપ, કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ચેમ્પિયનશીપ, સાઉથ એશિયન વેઇટ લીફટીંગ ચેમ્પિયનશિપ વગેરે આંતરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને ભારતનો ડંકો વગાડનાર અને આગામીમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર છે જે આજે વેઇટ લિફ્ટિંગમાં, વર્લ્ડ સેકન્ડ રેન્ક પર છે. 

બાળપણ

મીરાબાઈ ચાનુનો જન્મ 8 august 1994ના રોજ મણિપુરના ઇમ્ફાલના કાકચિંગ ગામથી 20 કિલોમીટર દૂરના નોંગપોક નામના ગામડામાં થયો હતો પોતાના છ ભાઈબેનમાં સૌથી નાની મીરાબાઈનો પરિવાર આર્થિક રીતે સક્ષમ ન હોવાને કારણે, ઉપર જણાવ્યું તેમ મીરાબાઈએ પોતાના મોટા ભાઈ સાથે લાકડા વીણવા પહાડો પર જવું પડતું. ફક્ત ૧૨ વર્ષની ઉંમરે જીવનની સચ્ચાઈ સમજાઈ ગઈ હોય તેમ સંઘર્ષને સહર્ષ સ્વીકારી ચુકેલી મીરાંબાઈનું પ્રાથમિક શિક્ષણ ગામમાં થયું હતું. ઉપર કહ્યું તેમ મણિપુર ની માટીમાં જાણે કે રમતનું તત્વ ભળી ગયું હોય તેમ બાળક મોટું થાય એ સાથે જ કોઈને કોઈ રમતમાં સક્રિય હોય છે. મીરાબાઈના પણ નાનપણમાં તીરંદાજી કરવાનો ખૂબ શોખ જાગ્યો આ માટે એક વખત તે તેના મોટા ભાઈ સાથે તીરંદાજીની તાલીમ આપતા ટ્રેનિંગ સેન્ટરમાં પણ ગઈ હતી પણ ત્યાં તેને કોઈ પ્રોપર કોચ, કે ટીચર કોઈ મળ્યું નહિ. મીરાબાઈ જણાવે છે કે નાનપણમાં તેણે ઇમ્ફાલ મણિપુરના જ રહેવાસી વેઇટ લિફ્ટિંગમાં નેશનલ ચેમ્પિયન આંતરરાષ્ટ્રીય ખેલાડી કુંજરાની દેવીના જીવન પર બનેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈ અને તે દિવસથી તેણે નક્કી કરી લીધું કે હવે એ કુંજરાની દેવીની જેમ જ પણ વેઈટલિફ્ટર બનશે. મીરાબાઈની ઈચ્છાને મા-બાપને સંમતિ આપી અને હવે શરૂ થયો તાલીમનો ખૂબ જ આકરો તબક્કો.

 

*તાલીમ*

2007-2008માં ચૌદ વરસની ઉંમરે મીરાબાઇની ટ્રેનીંગ શરુ થઈર. પોતાના ગામમાં તો કોઈ ટ્રેનિંગ સેન્ટર હતું નહીં . પણ ગામથી લગભગ ત્રેવીસ કિલોમીટર દૂર આવેલા ટ્રેનિંગ સેન્ટર પર રવિવારને બાદ કરતા આખું અઠવાડિયું સવારે 05:00 વાગ્યામાં ટ્રેનિંગ સેન્ટર પર હાજર થઈ જવાનું. ત્યાં ત્રણ કલાકની ટ્રેનિંગ બાદ ફરી ત્રેવીસ કિલોમીટર દૂર ઘરે પહોંચી સ્કૂલે જવાનું. સ્કૂલ છૂટયા બાદ સાંજે ફરી ત્રેવીસ કિલોમીટર દૂર આવેલા ટ્રેનિંગ સેન્ટર પર હાજર થવાનું.... મણિપુર જેવા સંવેદનશીલ રાજ્યમાં વારંવાર ફાટી નીકળતા તોફાનો, ઉગ્રવાદી પ્રવૃતિઓ, આંદોલનો તેમજ અપરાધી ગતિવિધિઓ અને પ્રાકૃતિક વિસંવાદિતા વચ્ચે રોજ રોજ આવા આકરા રૂટિનને અનુસરીને મીરાબાઈએ ખંતપૂર્વક પોતાને તાલીમ લેવાનું ચાલુ રાખ્યું. ઘરની અતિ કંગાળ પરિસ્થિતિમાં ખેલાડી માટે જોઈતા પોષક ખોરાક તો શું, સામાન્ય રૂટિન ખોરાકના પણ સાંસા હોય. ન્યુટ્રીશન સપ્લીમેન્ટ માટે કેળા અને ઈંડા મેળવવા ય ઉછીના પૈસા લેવા પડતા. દૂધ તો ક્યારેક જ પીવા મળતુ. પ્રેક્ટિસ માટેના સાધનો વસાવવાના પૈસા તો ક્યાંથી હોય! એટલે મીરાંબાઈની મમ્મી એને લાકડા તેમજ લોખંડના તારનો ભારો બનાવી આપતી. મીરાબાઈ જણાવે છે કે ક્યારેક આવા જવા માટે બસ ન મળે, ભારે વરસાદ વચ્ચે સાયકલ પર કે પછી પગપાળા ટ્રેનિંગ સેન્ટર સુધી પહોંચવું પડે પરંતુ મેં ક્યારેય મારી તાલીમ સાથે સમાધાન કર્યું નથી. દેશ માટે, કુટુંબ માટે અને પોતાના વ્યક્તિત્વને સાચો જવાબ દેવા માટે ખંતપૂર્વક કંઈક કરી છૂટવાની આ ધગશના સારા પરિણામો પણ દેખાવા લાગ્યા

*કારકિર્દી*

●2011માં સાઉથ એશિયન વેઇટ લીફટીંગ ગેમ જુનિયરમાં તેને ગોલ્ડ મેડલ મળ્યો અને સોળવર્ષની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયન બની.

●2014 કોમનવેલ્થ ગેમ ગોલ્ડ મેડલ.

ત્યારબાદ 2016- રિયોઓલિમ્પિકના નેશનલ ટ્રાયલમાં મીરાબાઈએ તેના જ ભૂતપૂર્વ કોચ અને પ્રેરણામૂર્તિ એવા વિશ્વ ચેમ્પિયનશીપમાં સાત વખત રજત અને કાસ્ય પદક વિજેતા, કુંજરાની દેવીનો 12 વર્ષ જૂનો નેશનલ રેકોર્ડ તોડ્યો અને તે સાથે જ તેણે ઓલિમ્પિકમાં પોતાની જગ્યા કરી લીધી. ખૂબ સારી રીતે ક્વોલિફાઈ કર્યા છતાં રિયો ઓલિમ્પિકમાં અતિશય નર્વસનેસ અને અચાનક થયેલા સોલ્ડર પેઇનને કારણે મીરાબાઈનો દેખાવ ખૂબ જ ખરાબ રહ્યો. અને પછી ચારોતરફથી તેના પર ટીકાઓનો ધોધ વરસ્યો. મીરાબાઈના કોચ વિજય શર્મા તેમ જ વેઇટ લીફટીંગ ફેડરેશનની પણ ખુબ આલોચના કરવામાં આવી. આજે પણ મીરાબાઈ એ સમયને યાદ કરતા કહે છે કે મારી જિંદગીનો એ ખૂબ જ ખરાબ તબક્કો હતો. નિરાશા, દેશ માટે કઈ ન કરી શક્યા ન અફસોસ અને લોકોની ટીકા! મારી તો ઠીક પણ મારા ગુરુ વિજય શર્માએ દિવસ-રાત મહેનત કરીને મને આ મુકામ પર પહોંચાડી છે. એમની ટીકા મારાથી સાંભળી શકાતી નહોતી. મીરાબાઈ કહે છે કે, હું સંઘર્ષ કરતી હતી ત્યારે મારી મુશ્કેલીના સમયમાં મારી તકલીફો વિશે જરા પણ રસ દાખવનારા લોકો પણ આ મુદ્દે મારી ટીકા કરવાનું છોડતા ન હતા ત્યારે જ મેં નક્કી કર્યું કે હું મારું સૌથી શ્રેષ્ઠ આપીને આ પરાજયના કલંકને ધોઈ દેશને આગામી ઓલિમ્પિકમાં ગૌરવ અપાવીને જ રહીશ. મીરાબાઈના કોચ વિજય શર્મા કહે છે કે રિયો ઓલમ્પિકના પરાજય પછી એક વખત આ રમત છોડી દેવાનો ઈરાદો બનાવી ચુકેલી, ડિપ્રેશનનો ભોગ મીરાબાઈને સંભાળવા માટે ખૂબ જ આગવી તાલીમ અને મોરલ ટ્રીટમેન્ટની જરૂર પડી. અમને લાગ્યું કે ફિઝિકલ ટ્રેનિંગમાં તો અમે ક્યાંય કાંચા નથી ઉતર્યા. તેણે ઓલિમ્પિકના ગ્રાઉન્ડ ઉપર જે કરવાનું હતું એનાથી વધુ વજન તો તે અહીં અનેકો વખત ઊંચકી ચૂકી હતી. અને હવે જો કંઈ ખૂટે છે તો તે આત્મવિશ્વાસ અને મોટા પ્લેટફોર્મ પર અનુભવાતી નર્વસનેસ. એટલે અમે તેને મોટીવેશનલ વાતો ઉપરાંત ટ્રેનિંગ દરમિયાન તેણે પોતે જ ઉચકેલ વજનની વીડીયો ક્લીપ, તે શું કરી શકે છે એ તેને સતત બતાવતા રહ્યા. અમે વારંવાર તેને યાદ કરાવતા રહ્યા કે ઓલિમ્પિકસમાં જે વજન ઉચકવાનું છે એ તો તું અહીં પચીસ વખત ઊંચકી ચુકી છે. અમને લાગ્યું કે સરકાર તરફથી ખોરાક માટે જે વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે મીરાબાઈ માટે તે પર્યાપ્ત નથી. 48 kgની મીરાંબાઈ તેના વજન કરતા ચારગણું વજન ઊંચકે છે જેના માટે હજુ વધુ હાઇલી ન્યુટ્રીશન વેલ્યુ વાળો ખોરાક જોઈએ એટલે અમે તેના માટે ખાસ પ્રકારનો ડાયટ દિલ્હીમાં તૈયાર કરાવતા જે દર અઠવાડિયે આવતો, આ અમે અમારા ખરચે કરતા રહ્યા. તેઓ વધુમાં જણાવે છે કે 2016થી 2018ની કોમનવેલ્થ ગેમ સુધી અમે મીરાબાઈને તેના ઘરે એક પણ વખત જવા દીધી નથી ત્રીસો દિવસ અને બારે મહિના સતત સતત રાત-દિવસની ૧૨થી ૧૩ કલાકની આકરી તાલીમ, ખૂબ જ સ્ટ્રિક્ટ ડાયટ પ્લાન અને સાથે સાથે મોટીવેશનલ ટ્રીટમેન્ટ... અમે મીરાબાઈ જેવા ખેલાડીને કોઈ પણ ભોગે ગુમાવવા તૈયાર ન હતા એટલા માટે જ અમે તેને અમારા તરફથી શક્ય એટલી અને એવી વિશિષ્ટ તાલીમ અને સગવડો આપી રહ્યા હતા. જેનું પરિણામ 2017 ની 2018ની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં જોવા મળ્યું. 

2017ની વર્લ્ડ વેઇટ લીફટીંગ ચેમ્પિયનશિપ યુ.એસ.એનાહિમમાં મીરાબાઈએ ગોલ્ડ મેડલ મેળવ્યો. ભારતના નામે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આ ગોલ્ડ મેડલ બાવીસ વર્ષ પછી મળ્યો હતો. આ પહેલા 1994 અને 1995માં કર્ણમ મલેશ્વરીએ ગોલ્ડ મેડલ મળ્યા હતા. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવનાર મીરાંબાઈ બીજી ભારતીય મહિલા છે એટલે ભારત માટે તો આ બમણા ગૌરવની વાત હતી. ક્લીન એન્ડ જર્કમાં 109 kg અને સ્નેચમાં 85 kg એમ ટોટલ 194 કિલોગ્રામ વજન (ક્લીન એન્ડ જર્કમાં રોડ કે બારબેલને ઉચકવાનું બે મુવમેન્ટમાં સંપન્ન કરવામાં આવે છે.1) જમીન પરથી ઊંચકી માથાથી ઉપર સુધી ઊંચો કરતા પહેલાં વજનને ખભાના લેવલે ચોક્કસ ટૂંક સમય માંટે હોલ્ડ કરવામાં આવે છે. ૨) ત્યારબાદ બીજી મુવમેન્ટમાં બારબેલને માથાથી ઉપર સુધી ઉંચો કરવાનો રહે છે. જ્યારે સ્નેચમાં કોણીને વાળ્યા કે ક્યાંય રોકાયા વગર એક જ મુવમેન્ટમાં બારબેલને જમીનથી ઊંચકી સીધો માથાથી ઉપર સુધી લઈ જવાનો હોય છે) ઉઠાવીને મીરાબાઈ ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો આ ગૌરવપુર્ણ નજારો જોઇને સૌ કોઈની આંખમાં હરખના આંસુ આવી ગયા જ્યારે મીરાબાઈ અમેરિકાના એનાહીમ શહેરમાં ત્રિરંગા ઝંડાને ઓઢીને પોડીયમ પર ઊભી હતી અને આંખોમાંથી અનરાધાર આંસુ વહી રહ્યા હતા. તે ખૂબ જ વિનમ્રતાથી કહે છે કે દેશ માટે મેડલ જીતવો એ એક ખેલાડી માટે ખૂબ જ ગર્વની વાત હોય છે એ તો મારી ખુશીના આંસુ હતા. ત્યારબાદ 2018ની કોમનવેલ્થ ગેમ જે ગોલ્ડ કોસ્ટ ખાતે યોજાયેલી તેમાં પણ મીરાંબાઈએ ગોલ્ડમેડલ મેળવ્યો અને આ સ્પર્ધામાં નાઇજિરિયાન ખેલાડીનો વર્ષો જૂનો રેકોર્ડ પણ તોડ્યો. 7 ફેબ્રુઆરી 2019 થાઈલેન્ડના પચીયાઆંગયમાં આયોજિત ઈજીએટી કપમાં 48 કિલો કેટેગરીમાં ક્લીન એન્ડ જર્ક તેમજ સ્નેચ કુલ 192 કિલો વજન ઉઠાવીને સિલ્વર મેડલ મેળવી ઓલિમ્પિક પાત્રતા સ્પર્ધામાં હાસિલ કરી. જોકે 2020 વર્લ્ડ ચેમ્પિયનશીપમાં તેને બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો. એપ્રિલ 2021 તાશકંદ એશિયન ચેમ્પિયનશીપમાં, મીરાબાઈ ચાનુએ ક્લિન-એન્ડ-જર્ક વિભાગ (119 કિગ્રા)માં એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. અને સ્નેચ સેક્શન (86 કિગ્રા), આમ સંયુક્તમાં 205kgનો અત્યાર સુધીનો એનો શ્રેષ્ઠ પ્રયાસ રહયો છે 

*સન્માન*

 2018માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિડના હસ્તે પદ્મશ્રી એવોર્ડ મળ્યો. 2018નો ખેલજગતનો સૌથી મોટો રાષ્ટ્રીય એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ પણ આપવામાં આવ્યો . આ ઉપરાંત નાના-મોટા અનેક એવોર્ડ મીરાબાઇના નામે બોલે છે. આપણા દેશમાં ક્રિકેટ સિવાય અન્ય રમતોને વધુ મહત્વ કે તેના તરફ ધ્યાન આપવામાં આવતું નથી. ક્રિકેટરોને જેટલી આર્થિક સવલતો મળે છે તેના પ્રમાણમાં અન્ય રમતવિરોને મળતી સહાય ખૂબ જ ઓછી અને અપર્યાપ્ત છે મીરાબાઈ જણાવે છે કે આ પ્રકારના સ્પોર્ટ્સમાં સ્નાયુઓમાં ઇંજરી, બેક પેઇન, શોલ્ડર પેઇન, વગેરે તકલીફો વારંવાર થવી એકદમ સ્વાભાવિક છે આ બધી તકલીફોની ટ્રીટમેન્ટ ખૂબ જ મોંઘી હોય છે જે ખેલાડીઓએ પોતાના ખર્ચે કરાવવી પડે છે. આ ઉપરાંત આવી રમતો માટે ખૂબ જ વિશિષ્ટ પ્રકારનો ખોરાક તેમજ રમતને લગતા સાધનો... તમામનો ખર્ચો ખેલાડીઓએ પોતે ઉઠાવવાનો હોય છે. દુઃખ એ વાતનું છે કે આપણે ત્યાં એથલિટ્સ ટાઈપના સ્પોર્ટ્સમાં મોટાભાગે ગરીબ કે નિમ્ન આર્થિક વર્ગનામાંથી ખેલાડીઓ આવે છે. એમના માટે આ બધું એફોર્ડ કરવું ખૂબ જ અઘરું હોય છે. તેમ છતાં આ બધા ખેલાડીઓ પોતાની તકલીફોને ભૂલીને સંઘર્ષ કરી વિશ્વસ્તરે નવા નવા રેકોર્ડ સ્થાપે છે અને આપણા દેશનું નામ રોશન કરે છે. આમ, અભાવો વચ્ચે રસ્તો કરીને સફળ થયેલા આવા દરેક રમતવીરની ગાથા પહેલા તો પોતાની ઉપરના, પોતાની તકલીફો પરના વિજયની તેની અંગત વિજયગાથા છે અને પછી બાહરી સપોર્ટ સિસ્ટમના પ્રોત્સાહનની જીત છે. ખેલાડીઓ માટે દરેક વિજય એના પછીના આવતા પડકારોની શરૂઆત હોય છે. એટલે જ મીરાબાઈ કહે છે કે “ખેલાડીનું જીવન અલગ હોય છે. દરેક ખેલ પછી એક નવો પડકાર ઊભો હોય છે. અમારા કામના કલાકો નક્કી નથી હોતા. દરેક મેચ પછી વધુને વધુ મહેનત કરવાની હોય છે”