Page Views: 823

શહેરમાં ગણેશોત્સવ સાદગીથી ઉત્સવ ઉજવવા મંજૂરી આપો

એક લાખ લોકો રોજી-રોટી માટે માત્ર ગણેશજી પર નિર્ભરઃ મૂર્તિકારોનું કલેક્ટરને આવેદન પત્ર

સુરતઃ વર્તમાનન્યુઝ.કોમ
સુરત શહેર અને જિલ્લાના ગણેશ મંડળોના અગ્રણીઓ, મૂર્તિકારો તથા વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા ગુરુવારે કલેક્ટરને આવેદનપત્ર રજૂઆત કરી હતી. તેઓએ માંગણી કરી હતી કે, જિલ્લા વહીવટી તંત્ર સાદગીપૂર્ણ શ્રીગણેશ મહોઉત્સવની ઉજવણીની પરવાનગી આપે તથા મંડપ બનાવવા માટેના માપદંડ, મૂર્તિની ઉંચાઈ સહિતની ગાઇડલાઇન વહેલી તકે નક્કી કરી જાહેરાત કરાઇ, જેથી આ ઉત્સવ સાથે જોડાયેલા તમામ લોકોને રોજગારી મળે અને કોઇ નુકશાન ન થાય.
સુરત શહેરમાં 1 લાખથી વધારે નાની મોટી મૂર્તિઓનું વેચાણ કરવામાં આવે છે. અને 10 હજારથી વધુ ગણેશ મંડળો આવેલા છે. આ ઉત્સવના કારણે શહેર-જિલ્લામાં 1 લાખ જેટલા લોકોને રોજગાર મળી રહે છે. સુરત શહેરમાં મૂર્તિના 12 કરોડથી વધુનો વેપાર ઉપરાંત ડેકોરેશન, ડી.જે., લાઇટિંગ, વિસર્જન માટેના વ્હીકલ, કેટરર્સ સહિતનો 4 કરોડથી વધુનો વેપાર કરવામાં છે. ગણેશ મૂર્તિ ક્રિએશનના આગેવાન પરિમલ ગજ્જરે જણાવ્યું હતું કે, કોરોના નરમ પડ્યો પણ 16 કરોડથી વધુના વ્યવસાય સામે સંકટના વાદળ છે.
હાલ નાની મૂર્તિ બનાવવા મજબૂરી છે. હજુ સુધી કોઈ ગાઇડલાઇન આવી ન હોવાથી અમે નાની મૂર્તિ બનાવી રહ્યા છે. માટીની મોટી મૂર્તિ બનાવતા વધુ સમય લાગે છે, જેથી હવે મંજૂરી મળે તો પણ મોટી મૂર્તિ બનાવવી મુશ્કેલ છે. શહેરમાં 1 લાખની જરૂરિયાત સામે 25-30 હજાર મૂર્તિ બને છે બાકીની મુંબઈથી આવે છે. ગયા વર્ષે જે થયું ત્યારબાદ 50 ટકા વેપારીઓ અને 60થી 70 ટકા કારીગરો અન્ય કામમાં લાગી ગયા છે. પહેલા પીઓપીની મૂર્તિ સસ્તી, ટકાઉ અને ઓછા સમયમાં બનતી હતી પણ માટીની મૂર્તિને પ્રમોટ કરાતા હવે કારીગરો પણ નથી મળતા અને માટીની મૂર્તિ વધુ સમય સાચવી પણ શકાતી નથી. જેથી મૂર્તિઓ બહારથી જ મંગાવવી પડે છે. હવે 80 ટકા માટીની મૂર્તિઓની ડિમાન્ડ છે. સરકાર ગાઇડલાઇન જાહેર નહીં કરે તો મોટું નુકશાન થઈ શકે છે. પીઓપીની 1.5-2.5 ફૂટની મૂર્તિ રૂ. 500માં મળી જાય છે જ્યારે માટીની મૂર્તિ રૂ. 1500-2000માં મળે છે.
જયારે વિશ્વ હિન્દુ પરીષદના ઉપાધ્યક્ષ દિપક આફ્રિકાવાલાએ જણાવ્યું હતું કે, ​​​​​​​આયોજકો, મૂર્તિકારોએ કલેક્ટર સમક્ષ વહેલી તકે પરવાનગી આપી ગાઇડલાઇન જાહેર કરવા માંગ કરી છે. કલેક્ટર આ માંગણી ગૃહ ‌વિભાગને મોકલી નિર્ણય અંગે જાણ કરશે.