Page Views: 804

હીરાના કારખાનેદાર રૂ.21 લાખના હીરાનું પેકેટ લોકરમાં ભુલી ગયા અને...

લોકરના કર્મચારીએ મહિલા માલિક નયનાબેનને જાણ કરી કારખાનેદારને જોખમ પરત આપ્યુ

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં હીરાનું કારખાનું ચલાવતા એક કારખાનેદાર હીરાના પેકેટ લઇને સેફ ડિપોઝીટ વોલ્ટમાં મુકવા ગયા હતા. પરંતુ ઉતાવળમાં તેઓ હીરાનું પેકેટ લોકરની ઉપર મુકીને જતા રહ્યા હતા. બે દિવસ બાદ કારખાનેદારને લોકરના કર્મચારી અને લોકરના મહિલા સંચાલકની ઇમાનદારીને કારણે હીરાનું પેકેટ પરત મળ્યું હતું. આજે સુરત ડાયમંડ એસોસીએશનના હોદેદારો દ્વારા લોકર સંચાલક મહિલા સહિતના કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું હતું.

વિગતો અનુસાર, રાહુલ મોરડીયા કતારગામ બંબાવાડી ખાતે મીરા ડાયમંડ બિલ્ડીંગમાં હીરાનું કારખાનું ધરાવે છે તેમજ તેઓ તમામ જોખમ નજીકમાં આવેલા ભક્તિ નંદન બિલ્ડીંગ ખાતેના આવેલા નયનાબેન ઠુમ્મરના સેફ ડિપોઝીટ વોલ્ટમાં રાખે છે. ગત તા.14મી જુલાઇના રોજ રાહુલભાઇ અંદાજે રૂ.21 લાખના હીરા લઇને લોકરમાં મુકવા માટે ગયા હતા. સેફના ખાનામાં અન્ય વસ્તુ મુકવાની હોવાથી તેઓએ હીરાનું પેકેટ સેફની ઉપરના ભાગમાં મુક્યું હતું. રાહુલભાઇએ અન્ય ચીજ વસ્તુ લોકરમાં મુકી દીધી હતી પરંતુ હીરાનું પેકેટ લેવાનું ભુલી ગયા હતા. જેનો ખ્યાલ તેમને મોડી રાતે આવ્યો હતો. આ દિવસે જ સાંજે લોકરમાં નોકરી કરતા ધીરૂભાઇ ગેલાણીના ધ્યાન પર આ હીરાનું પેકેટ આવ્યું હતું અને તેમણે પોતાના લોકરના મહિલા માલિક નયનાબેન ઠુમ્મરને આ અંગે જાણ કરી તમામ જોખમ નયનાબેનને આપી દીધું હતું. નયનાબેને બે ત્રણ વ્યક્તિને પંચ તરીકે રાખીને આ હીરાનું પેકેટ પરત લોકરમાં મુક્યું હતું. ત્યાર બાદ રાહુલભાઇ મોરડીયા જ્યારે લોકરમાં તપાસ કરવા ગયા ત્યારે નયનાબેનને મળ્યા હતા અને રૂપિયા 21 લાખની કિંમતના હીરાના પેકેટ પોતે લોકર પર ભુલી ગયાનું તેમણે જણાવ્યું હતું. જેથી નયનાબેને સીસી ટીવી કેમેરા ચેક કર્યા હતા અને તેમાં રાહુલ ભાઇ આ હીરા ભુલી ગયાનું તેમના ધ્યાન પર આવ્યું હતું. જેથી પંચના હાજરીમાં હીરાનું પેકેટ રાહુલ મોરડીયાને નયનાબેન ઠુમ્મરે પરત કર્યું હતું.

લોકરમાં નોકરી કરનાર વફાદાર વ્યક્તિ અને લોકર ધારક મહિલાની ઇમાનદારીથી રાહુલભાઇને પોતાનું હીરાના પેકેટ પરત મળ્યું હતું. આજે રાહુલ મોરડીયાની હાજરીમાં વરાછા રોડ મીની હીરા બજારસુરત ડાયમંડ એસોસીએશન ખાતે સેફના મહિલા માલિક નયનાબેન ઠુમ્મર અને ધીરૂભાઇનું ડાયમંડ એસોસીએશનના પ્રમુખ નાનુભાઇ વેકરીયા, ઉપ પ્રમુખ સવજીભાઇ ભરોડિયા, મંત્રી દામજી માવાણી, સહમંત્રી જગદીશ ખુંટ વિગેરે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.