Page Views: 7334

જૈન ધર્મ વિરૂધ્ધ ભ્રામક પ્રચાર કરનારા અનુપ મંડળ વિરૂધ્ધ ક્લેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

પ્રતિબંધિત પુસ્તકનું વિતરણ પણ થતું હોવાનો આરોપ મુકવામાં આવ્યો

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સમગ્ર દેશમાં જૈન ધર્મની વિરૂધ્ધ પ્રચાર કરવાનું ષડયંત્ર રચીને ધર્મના અનુયાઇઓની લાગણી દુભાય એવી પ્રવૃતિ અનુપ મંડળ દ્વારા કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી સુરતમાં પણ આ પ્રકારની પ્રવૃતિ થઇ રહી છે જેની સામે સુરતના જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આવા સંજોગોમાં સુરતના શાસ્વત જૈન સંગઠન તેમજ અન્ય જૈન સંગઠન એકત્રિત થઈને અનુપ મંડળ દ્વારા કરવામાં આવતી ધર્મ વિરોધી પ્રવૃત્તિઓને લઈને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા અનોપ મંડળ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી છે. અનુપ મંડળ જૈન વિરોધી દુષ્પ્રચાર કરીને હિંદુ ધર્મ ને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહ્યા હોવાની લાગણી વ્યક્ત કરી હતી. અનુપ મંડળના રાષ્ટ્રીય અધ્યક્ષ અમૃત પ્રજાપતિ દ્વારા " જગત હિતકારણી " નામના પુસ્તકમાં હિંદુ ધર્મ અને જૈન ધર્મ વિશે ખૂબ મોટા પ્રમાણમાં ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ પુસ્તક ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. છતાં પણ આ પુસ્તકનું પ્રકાશન અને વેચાણ બેરોકટોક થઇ રહ્યું છે. જેને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે આ પુસ્તકમાં જૈન ધર્મને અંધશ્રદ્ધાળુ અને દેશમાં આવતી તમામ મહામારીઓ પાછળનું કારણ દર્શાવવામાં આવ્યું છે. પરિણામે જૈન ધર્મની લાગણી દુભાય છે. ગામડાઓમાં જઇને જૈન ધર્મને લઈને દુષ્પ્રચાર કરવામાં આવે છે, તેમજ તેના અન્ય હોદ્દેદારો દ્વારા સોશિયલ મીડિયા ઉપર જૈન ધર્મના વિરોધમાં વીડિયો મુકવામાં આવી રહ્યા છે. જેને તાત્કાલિક હટાવી દેવાની માગ જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા કરવામાં આવી છે. શાશ્વત જૈન સંગઠનમાં સભ્ય મલઈ મણિયારે જણાવ્યું કે, અનુપ મંડળના રાષ્ટ્રીય અધ્યક્ષ અમૃત પ્રજાપતિ અને તેના હોદ્દેદારો જૈન ધર્મ વિશે સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે.યુટ્યુબ સહિત અન્ય સોશિયલ મીડિયા ઉપર જૈન ધર્મ વિરોધી ઇન્ટરવ્યૂ આપે છે. અલગ અલગ વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યા છે. જેમાં જૈન ધર્મની છબિ ખૂબ જ ખરડાઈ રહી છે.જેના કારણે સમગ્ર જૈન ધર્મમાં રોજ વ્યાપી રહ્યો છે.