Page Views: 3416

સમગ્ર દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક સંગઠનોને મજબૂત બનાવવા માટે એક છત નીચે લાવવાના ચેમ્બરના પ્રયાસો

ભરૂચથી ઉમરગાંવ સુધીના વિવિધ સંગઠનોની મુલાકાત લેવામાં આવી

સુરત.વર્તમાનન્યૂઝ.કોમ

 ભરૂચથી ઉમરગામ સુધીના વિવિધ ઔદ્યોગિક એસોસીએશનોની મુલાકાત લઇ તેમના વિસ્તારના પ્રશ્નોને સમજી તેમની સમસ્યાના સમાધાનમાં કઈ રીતે મદદરૂપ થઇ શકાય તે હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી દિનેશભાઈ નાવડિયાના નેજા હેઠળ ઘનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
પ્રથમ તબક્કામાં નવસારી, બીલીમોરા, વલસાડ, ડાંગ, વાપી, ઉમરગામ અને બીજા તબક્કામાં ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, સાઈખા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન અને ભરૂચ ડીસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસીએશનની મુલાકાત લેવામાં આવી હતી.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એવું ઈચ્છે છે કે સુરત શહેરમાં આત્મ નિર્ભર મહિલા એક્ઝીબીશનના માધ્યમ દ્વારા વિના મૂલ્યે સ્ટોલનું વિતરણ કરી મહિલાઓને આત્મનિર્ભર કરવાનો પ્રયાસ ખૂબ સફળ રહ્યો હતો. તેવી જ રીતે સમગ્ર દક્ષિણ ગુજરાતના મુખ્ય શહેરોમાં આગામી માસમાં આ જ પ્રકારના એક્ઝીબીશનોનું આયોજન થાય તો કોરોનાના આ સમયગાળામાં અનેક લોકોને રોજગારી પ્રાપ્ત થઇ શકે.
આ મુલાકાતનું બીજું કારણ એ પણ હતું કે આ તમામ એસોસીએશનો ચેમ્બર ઓફ કોમર્સની મુખ્ય વિચારધારામાં ભળે તો અલગ અલગ રીતે જે રજૂઆતો સરકારી વિભાગો સમક્ષ થાય છે કે જેમાં કેટલીક વાર વિરોધાભાસ જોવા મળે છે તે અટકે અને વધુ અસરકારક રજૂઆત ગાંધીનગર કે દિલ્હી કરી શકાય.
સમગ્ર ગુજરાતમાં માત્ર દક્ષિણ ગુજરાત એક જ વિસ્તાર એવો છે કે જેમાં માત્ર એક જ ચેમ્બર છે. વલસાડ ડીસ્ટ્રીકટ અને ભરૂચ ડીસ્ટ્રીકટમાં પણ આ બધા એસોસીએશનોના પ્રતિનિધિઓનો સમાવેશ કરીને ચેમ્બરોની સ્થાપના કરવામાં આવે તો લાંબા ગાળે તેના ખૂબ સુંદર પરિણામો પ્રાપ્ત થઇ શકે.  
ચેમ્બર પ્રમુખ શ્રી દિનેશ નાવડિયા, માનદ્દ ખજાનચી શ્રી મનિષ કાપડિયા, ગ્રુપ ચેરમેન શ્રી પરેશ લાઠીયા અને મેનેજિંગ કમિટીના સભ્ય શ્રી ભાવેશ ગઢીયા આ મુલાકાતમાં જોડાયા હતા.