Page Views: 8445

ટેક્સટાઇલના વેપારીઓનો સી.એમ.અને પ્રદેશ પ્રમુખને પત્ર- અમને પણ હોટલ રેસ્ટોરન્ટની જેમ રાહત આપો

પહેલા જીએસટી અને પછી કોરોનાને કારણે કાપડ ઉદ્યોગની ઘોર ખોદાઇ ગઇ છે સરકાર માઇ બાપ સામે જોવે નહીંતર લડત માંડવી પડશે- તારાચંદ કાસટ

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

જીએસટી લાગુ થવાને કારણે કાપડ ઉદ્યોગની હાલત ખરાબ થઇ ગઇ હતી અને તેની અસરમાંથી કાપડ ઉદ્યોગકારો બેઠા થાય તે પહેલા જ કોરોના આવી જતા છેલ્લા દોઢ વર્ષથી સુરતનો કાપડ ઉદ્યોગ મરણ પથારીએ આવી ગયો છે. આવા સંજોગોમાં રાજય સરકાર સુરતના કાપડ ઉદ્યોગકારોને કરવેરામાં રાહત આપવા સાથે મદદ કરે એવી માંગણી સુરતના સ્થાનિક વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ અંગે ઓલ ઇન્ડિયા ફેડરેશન દિલ્હીના વાઇસ પ્રેસીડન્ટ તારાચંદ કાસટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પત્ર લખીને ટેક્સટાઇલ ઉદ્યોગકારોને પણ રાહત આપવામાં આવે એવી માંગણી કરી છે.

ઉપરાંત એવી ચીમકી આપવામાં આવી છે કે,  કાપડ વેપારીઓની માગને નજર અંદાજ કરાઈ તો વેપારીઓ કપડાનું બજાર છોડીને બીજે ક્યાંક જવાનું વિચારી રહ્યા છે નહિતર સંઘર્ષ અથવા ચળવળના માર્ગ પર આગળ વધવા મજબુર બનશે જેની પણ નોંધ લેવી.તારાચંદ કાસટે જણાવ્યું હતું કે, સુરત કાપડ માર્કેટના વેપારીઓ સતત બે વર્ષથી ગંભીર મંદી અને કોરોના રોગચાળાને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જેને કારણે દુકાનના ભાડા, પગાર સાથે નાના મોટા ખર્ચ પણ કાઢી શકતા નથી. આજે કાપડના તમામ વેપારીઓ તમામ બાજુથી નુકશાન સહન કરી રહ્યા છે. એમના તમામ ખર્ચ રેગ્યુલર થઈ રહ્યા છે. હોટલ, રેસ્ટોરન્ટની જેમ અમને પણ ટેક્સમાંથી રાહત આપો, કાપડના વેપારીઓની માગ પર ધ્યાન આપી વિચારવા અપીલ કરી છે. એટલું જ નહીં પણ જો આમ નહીં થાય તો વેપારીઓ કપડાનું બજાર છોડીને બીજે ક્યાંક જવાનું વિચારી રહ્યા છે, તેથી આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વેરા બીલ, વીજળી બીલ, જીએસટી રિફંડ અને સરકારી ટેક્સમાં રાહત આપવા અપીલ છે. ટેક્સ મુક્તિની ઘોષણા નહીં તો તેઓએ ફરીથી કોઈપણ સંઘર્ષ અથવા ચળવળના માર્ગ પર આગળ વધવું પડશે એવી વેપારીઓએ ચીમકી આપી છે. કાપડ વેપારીને રાહત આપવી જ જોઇએ એમ જણાવ્યું છે. સુરત કાપડમાં લગભગ 65 હજાર હોલસેલ વેપારની દુકાનો આવેલી છે અને વાર્ષિક 2-3 હજાર કરોડનો વેપાર કરે છે અને હાલ ચાર સંગઠન દ્વારા કાપડ બજારના વેપારીઓની સમસ્યાઓનું નિરાકરણ થઈ રહ્યું છે. આ તમામ સંગઠનો આ લડાઇમાં સાથે હોવાનું તારાચંદ કાસટે જણાવ્યું છે.