Page Views: 2097

રાજુલા-ઉના પંથકમાં વરસાદી માહોલ- 13મીથી રાજ્યમાં ચોમાસું બેસશે

એક બે દિવસમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે

ગાંધીનગર-વર્તમાનન્યૂઝ.કોમ

 ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ રવિવાર  તા.૧૩ સુધીમાં બેસે તેવી આગાહી આજે હવામાન વિભાગે જારી રાખી છે ત્યારે દક્ષિણ ગુજરાત પર  સમુદ્ર સપાટીથી ૧૫૦૦ મીટરની ઉંચાઈએ હવાની વર્તુળાકાર ગતિ (સાયક્લોનિક સર્ક્યુલેશન) સર્જાયું છે જેનાથી વરસાદી ગતિવિધિઓને વેગ મળવાના સંજોગો સર્જાયા છે. આજે સૌરાષ્ટ્રના અમરેલી પંથકના રાજુલા અને ઉના-દિવ વિસ્તારમાં વરસાદના ભારે ઝાપટાં વરસ્યા હતા. ચોમાસુ આ વર્ષે નિયત સમય કરતા એક સપ્તાહ વહેલું છે અને ગુજરાતમાં તા.૧૧થી ૧૩ સુધીમાં પ્રવેશ કરે તેમ છે. ચોમાસા પહેલાજ રાજ્યમાં વરસાદ લાવે તેવી સીસ્ટમ સક્રિય રહી છે, ઉપરાંત ગુરુવાર સૂર્યગ્રહણ અને શનિ જયંતિના દિવસ તા.૧૦ જૂનથી  અરબી સમુદ્રમાં નૈઋત્યના પવનો વધુ શક્તિશાળી બનશે જેના પગલે આ વખતે અષાઢ નહીં પણ  જેઠ માસમાં જ ચોમાસુ શરુ થઈ જશે.  રાજુલા પંથકમાં આજે સાંજે વિજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ તૂટી પડયો હતો. વિજળી ગૂલ થઈ ગઈ હતી. ઉપરાઉપરી મુસીબતની વાત એ છે કે તાઉતે વાવાઝોડાથી હજુ કેટલાક વિસ્તારોમાં લાઈટ નથી આવી, થાંભલાઓ અને ટ્રાન્સફોર્મરની મરામ્મત થઈ નથી ત્યાં આજે વરસાદથી ખેડૂતો અને લોકોમાં ચિંતા પ્રસરી હતી. ઉના તાલુકાના આમતેર તથા કાણકળરડા, ગરાળ, વગેરે ગામોમાં આજે સાંજે  મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.વાવાઝોડાથી પડી ગયેલા વૃક્ષો હજુ ખેતરમાં પડયા છે ત્યાં આ વરસાદથી લોકોને હાલાકી વધી હતી. હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં છૂટાછવાયા સ્થળે હળવા-મધ્યમ વરસાદ કે ઝાપટાં વરસે તેવી આગાહી કરી છે જ્યારે તા.૧૧ અને તા.૧૨ના દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત વગેરે વિસ્તારમાં કેટલાક સ્થળે ભારે વરસાદ તૂટી પડે તેવી શક્યતા દર્શાવી છે.