Page Views: 4878

રાજ્યમાં જમીનો પચાવી પાડનારા સામે સખત કાર્યવાહીની શરૂઆત થતા લેન્ડ ગ્રેબરોમાં ફફડાટ

ભૂ માફીયાઓ સામે કડક પગલા ભરી 100 અરજીનો નિકાલ કરવામાં આવ્યો

રાજ્યમાં ભૂમાફિયા વિરુદ્ધ રાજ્ય સરકારે નવો કાયદો લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલમાં મુક્યો છે. જેને લઈને હવે ભૂમાફિયા પર સરકાર આકરા પગલાં ભરી રહી છે. ત્યારે ગુજરાતમાં સૌપ્રથમવાર લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે એને અમદાવાદ જિલ્લાની 400 પૈકી 100 અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે. લોકોની ગેરકાયદે જમીન પચાવીને પોતાના નામે કરી લેનારા ભૂમાફિયા વિરૂદ્ધ આ કાયદા અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં 21 દિવસની અંદર આરોપી વિરુદ્ધ યોગ્ય પગલાં લેવાની જોગવાઈ કરવામાં આવી છે. સાથે તે માથાભારે વ્યક્તિ હોય તો તપાસ સમિતિને પોલીસ મદદ પણ મળી શકે છે.
અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ વાતચીતમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા જ્યારથી આ કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. ત્યારથી અમે આવા આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યા છે. અમારી પાસ આવેલી અરજીમાંથી અત્યાર સુધી અમે 100 જેટલાં કેસનો નિકાલ કર્યો છે. જેમાં 53 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, આ કેસોમાં લગભગ અત્યાર સુધી અમે ત્રણ બેઠક કરી છે. જેમાં 34 હેક્ટર જેટલી અલગ-અલગ જમીન પચાવી પાડનાર લોકો સામે કાર્યવાહી કરી છે. આ જમીનની અંદાજીત કિંમત રૂ. 1350 કરોડ થાય છે. જેને અમે ગેરકાયદે જમીન પર કબ્જો કરનાર વ્યક્તિ પાસેથી મુક્ત કરવી છે. અમે લોકોની ફરિયાદ સાથે અમે જાતે પણ પ્રાંત અધિકારીઓને સૂચના આપી છે કે કોઈ ગેરકાયદે જમીન પચાવી પાડનાર વ્યક્તિ ધ્યાનમાં આવે તો તેની સામે પણ અમે જાતે કાર્યવાહી કરીશું.