Page Views: 6034

તારા બાપે મારી પાસેથી રૂપિયા લીધા છે એવુ કહી સગીરબાળા પર બળાત્કાર ગુજારનારી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની સખત કેદ

આરોપી સગીરાને મધ્ય પ્રદેશ લઇને જતો રહ્યો હતો અને ત્યાં પત્નીની જેમ રાખતો હતો

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરતના જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં કનાજ ગામ ખાતે ભેંસના તબેલામાં રહેતા રીક્ષા ચાલકે તેની સાથે જ કામ કરતા પરિવારની 14 વર્ષની સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. આ સગીરા ઉપર સુરતમાં વારંવાર બળાત્કાર ગુજાર્યા બાદ તેને લઇને રીક્ષા ચાલક મધ્ય પ્રદેશના મોરેના જિલ્લાના પંચમપુરા ખાતે લઇ ગયો હતો અને તેણીને ગર્ભવતી બનાવી દીધી હતી. આ અંગે જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગુનો દાખલ કરી આરોપીને જેલ હવાલે કર્યો હતો. આ કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવીને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

વિગતો અનુસાર, સુરત નજીક આવેલા ઓલપાડ તાલુકાના કનાજ ગામ ખાતે વિરલ જીતુ પટેલનો ભેંસનો તબેલો આવેલો છે આ તબેલામાં વીરસિંહ ઉર્ફે કલ્લુ હોતમસિંહ સિકરવાર રહેતો હતો. તેમજ તે રીક્ષા ચલાવતો હતો. તબેલામાં જ રહેતા એક ગરીબ પરિવારની 14 વર્ષની બાળકીને વીરસિંહે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી તેમજ તેની સાથે શરીર સબંધ બાંધ્યો હતો. આ સગીરાને વીરસિંહ એવુ કહેતો હતો કે, તેના બાપે તેની પાસેથી રૂપિયા લીધા છે એ રૂપિયા નહીં આપે ત્યાં સુધી તારે તેની સાથે સબંધ રાખવો પડશે. ઉપરાંત થોડા વર્ષ પહેલા વીરસિંહ સગીરાને લઇને મધ્ય પ્રદેશ જતો રહ્યો હતો જ્યાં તેણે પોતાની હવસ સંતોષી હતી અને સગીરાને પત્નીની જેમ જ સાથે રાખતો હતો. સગીરાને ઉઠાવી જવા અંગે જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારે સગીરા પર થયેલા બળાત્કારને કારણે તે ગર્ભવતી બની ગઇ હતી. પોલીસે આરોપીને વર્ષ 2018માં જેલ હવાલે કર્યો હતો. આ કેસમાં મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાની દલીલોને ગ્રાહ્ય રાખવા સાથે કોર્ટે રેકોર્ડ પરના પુરાવાઓને ધ્યાનમાં લઇને આરોપીને અલગ અલગ કલમો હેઠળ વીસ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. તેમજ રૂપિયા 10 હજાર દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારી હતી. ભોગ બનનાર સગીરાને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે આપવાનો હુકમ પણ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.