Page Views: 2625

ઈન્ડિયન ઓઈલ અને ગુજરાત સરકાર વચ્ચે ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન માટે MoU થયા

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રિય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને સ્ટીલ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં MoU

-        ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અંદાજે રૂ. 24,000 કરોડનું રોકાણ કરશે

-        ઈન્ડિયન ઓઈલની ગુજરાત રિફાઈનરી દ્વારા ક્લિન ફ્યુઅલ ઈનિશિયેટીવ તરીકે ભારતની પ્રથમ હાયડ્રોજન ડિસ્પેન્સીંગ સુવિધા અમલી બનશે.

ગાંધીનગર, તા. 7 જૂન 2021 : ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિયજભાઈ રૂપાણી અને કેન્દ્રિય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ તેમજ સ્ટીલ બાબતોના મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન વચ્ચે ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન કાર્યક્રમમાં MoU થયા હતાં. આ MoU મુજબ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની વડોદરા સ્થિત ગુજરાત રિફાઈનરીમાં પેટ્રોકેમિકલ અને લ્યુબ ઈન્ટીગ્રેશન(લ્યુપેક) પ્રોજેક્ટ અને એક્રેલીકસ ઓક્સો આલ્કોહોલ પ્રોજેક્ટસ અને અન્ય આંતરમાળખાકીય પ્રોજેક્ટસ સ્થાપવામાં આવશે.

લ્યુપેક પ્રોજેક્ટમાં આયાત વૈકલ્પિક લ્યુબ ઓઈલ સ્ટોક (LOBS) અને પોલિપ્રોપિલીનનું ઉત્પાદન થશે. દુમાડ અને ગુજરાત રિફાઈનરીમાં સ્થપાનારા એક્રીલીકસ ઓક્સો આલ્કોહોલ પ્રોજેક્ટમાં પેઈન્ટસ, કોટીંગ્સ, એડહેસિવ્સ, ટેકસ્ટાઈલ કેમિકલ્સ, પ્લાસ્ટીસાઈઝર ઉદ્યોગ અને અન્ય પ્રોડક્ટસ માટે મુલ્ય વર્ધિત બ્યુટાઈલ એક્રીલેટનું ઉત્પાદન થશે.

આ પ્રોજેક્ટસથી કોર્પોરેશન ભવિષ્યમાં પીવીસી, સ્ટાઈરીન, એક્રીલોનાઈટ્રાઈલ, પોલીમિથાઈલ મેથાક્રીલેટ અને ઈથિલીન ઓકસાઈડ જેવા ક્ષેત્રોમાં પ્રવેશવા સજ્જ થઈ શકશે. વધારાના ફૂડ ઓઈલ આધારિત પટ્રોકેમિકલ્સઅને સ્પેશ્યાલિટી પ્રોડક્ટસ (Gr-II/III LOBS) ઈન્ટીગ્રેશન ઈન્ડેક્સથી 20.7 ટકાની વૃદ્ધિ થશે.

કોયલી-અહેમદનગર-સોલાપુર પાઈપલાઈન અને ડિટર્જન્ટ ઉદ્યોગો માટેના ફ્રીડ સ્ટોક લિનીયર આલ્ક્રીલ બેન્ઝાઈન માટે ટંક ટ્રક લોડીંગ સુવિધા માટે MoU થયા હતાં. અન્ય આંતરમાળખાકીય પ્રોજેક્ટસમાં ગુજરાત રિફાઈનરીમાં ન્યુ ફલેર સિસ્ટમ અને ફ્યુઅલ સેસ ઈલેકટ્રીક વાહનો માટે હાયડ્રોજન ડિસ્પેન્સીંગ સુવિધાનો સમાવેશ થાય છે. ઈન્ડિયન ઓઈલની ગુજરાત રિફાઈનરી ભારતમાં કલીન ફ્યુઅલ પગલાં તરીકે પ્રથમ હાયડ્રોજન ડિસ્પેનસીંગ સુવિધાનું નિર્માણ કરશે. આ સુવિધાથી વડોદરા અને કેવડિયા-સાબરમતી આશ્રમ વચ્ચે દોડતી ફ્યુઅલ હાયડ્રોજન બસોને બળતણ મળશે.

ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, ઓઈલ અને પેટ્રોકેમિકલ્સમાં ગુજરાત ટોચનું રાજ્ય છે. સરળતાથી વેપાર અને ઉદ્યોગો માટેની અનુકુળ નીતિઓને કારણે ગુજરાતે કોવિડ જેવી પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે પણ દેશમાં એફડીઆઈ મેળવનાર નંબર વન રાજ્ય તરીકેનું સ્થાન સતત ચોથા વર્ષે પણ જાળવી રાખ્યું છે.

કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે ગુજરાત રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે. તેનાં મૂળમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે. રાજ્યનાં સર્વગ્રાહી વિકાસ માટે અપનાવેલ નવતર આયોજનો છે. તેમણે આ પ્રોજેક્ટસનાં ખાતમુર્હૂત વડાપ્રધાન શ્રી મોદીનાં હસ્તે બનતી ત્વરાએ સંપન્ન કરાવીને પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરાશે તેની ખાતરી આપી હતી.

MoU કાર્યક્રમમાં વધુ માહિતી આપતા ઈન્ડિયન ઓઈલનાં ચેરમેન શ્રી એસ એમ વૈદ્યએ જણાવ્યું હતું કે, ગુજરાત આજે સમૃધ્ધિનો નવો રાજમાર્ગ કંડારી રહ્યું છે. આ યાત્રામાં સહભાગી થતા ઈન્ડિયન ઓઈલની ગુજરાત રિફાઈનરી 18 MMTPA ક્ષમતા સાથેની વૃધ્ધિ કરશે. પોલિપ્રોપીલીન, બ્લુટાઈસ એક્રીલેટ અને લ્યુબ ઓઈલ આધારિત સ્ટોકસનાં ઉત્પાદન માટેનાં નવા એકમોથી રિફાઈનરીનો પોર્ટફોલિયો મજબૂત બનશે.

આ પ્રોજેક્ટથી બાંધકામ દરમિયાન તેમજ કામગીરી શરૂ થતાં મોટા પ્રમાણમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગારીનું નિર્માણ થશે. બાંધકામના સમયગાળા દરમિયાન અંદાજે 125 મિલિયન માનવકલાક રોજગારીનું સર્જન થશે. આ પ્રોજેક્ટસનાં વિવિધ અમલીકરણ તક્કાઓમાં અંદાજે રૂ. 24,000 કરોડનું રોકાણ થશે.