Page Views: 904

સંવેદનશીલ અભિનેત્રી ડીમ્પલ કાપડીઆ

હિન્દી ફિલ્મોના સંવેદનશીલ અભિનેત્રી ડીમ્પલ કાપડીઆ ૬૪ વર્ષના થયાં. ૮ જૂન, ૧૯૫૭ના રોજ મુંબઈમાં તેમનો જન્મ. માત્ર ૧૬ વર્ષની ઉમરે તેમને રાજ કપૂરે રોમાન્ટિક ફિલ્મ ‘બોબી’ (૧૯૭૩)ની શીર્ષક ભૂમિકામાં દીકરા ઋષિ કપૂર સાથે લોન્ચ કર્યા હતાં.

*લેખક: નરેશ કાપડીઆ*

https://www.facebook.com/nareshkkapadia

 

*સંવેદનશીલ અભિનેત્રી ડીમ્પલ કાપડીઆ*

 

હિન્દી ફિલ્મોના સંવેદનશીલ અભિનેત્રી ડીમ્પલ કાપડીઆ ૬૪ વર્ષના થયાં. ૮ જૂન, ૧૯૫૭ના રોજ મુંબઈમાં તેમનો જન્મ. માત્ર ૧૬ વર્ષની ઉમરે તેમને રાજ કપૂરે રોમાન્ટિક ફિલ્મ ‘બોબી’ (૧૯૭૩)ની શીર્ષક ભૂમિકામાં દીકરા ઋષિ કપૂર સાથે લોન્ચ કર્યા હતાં. અને જેણે ખુબ ઉમીદ જગાવી હતી તેવી ‘બોબી’ રજૂ થાય તેના છ માસ પહેલાં જ ડિમ્પલે ત્યારના સુપર સ્ટાર રાજેશ ખન્ના સાથે લગ્ન કરીને ફિલ્મોના અભિનય વ્યવસાયને રામ-રામ પણ કરી લીધાં હતાં. એ ખન્ના સાથે ૧૯૮૪માં છુટા પડ્યા બાદ ડીમ્પલ ફરી કેમેરા સામે આવ્યાં. ફરી ઋષિ કપૂર અને કમલ હાસન સામે ‘સાગર’ (૧૯૮૫)માં આવ્યાં. તેમને ‘બોબી’ અને ‘સાગર’ બંને ફિલ્મો માટે શ્રેષ્ઠ અભિનેત્રીના ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં હતાં. પછી તો એંશીના દાયકામાં ડિમ્પલે પોતાને અગ્રીમ અભિનેત્રી રૂપે સ્થાપિત કરી દીધાં. 

શરૂઆતમાં તેમના આકર્ષક દેખાવને કારણે નેશનલ સેક્સ સિમ્બોલ તરીકે તેમની નામના થઇ પણ તેઓ તેનાથી કશુંક જુદું કરવા માંગતા હતાં, જે તેમણે અનેક પ્રકારની ભૂમિકાઓ કરીને સાબિત કરી દીધું કે તેઓ એક સારા અને સંવેદનશીલ અભિનેત્રી છે. ત્યાર બાદ તેઓ ગંભીર અને વૈવિધ્યપૂર્ણ ભૂમિકાઓ તરફ વળ્યાં. તે માટે તેઓ મુખ્ય ધારાની ફિલ્મોમાંથી સમાંતર સિનેમા તરફ ગયાં. તેમની ભૂમિકાઓ માટે તેમના વખાણ થયાં. એ સંદર્ભે ‘કાશ’, ‘દ્રષ્ટિ’, ‘લેકિન’ અને ‘રુદાલી’ આવી, જેને માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ અને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર ક્રિટીકસ એવોર્ડ મળ્યો. પછી તેમણે સહાયક ભૂમિકાઓ કરી, જેમાં ‘ગર્દિશ’ અને ‘ક્રાંતિવીર’ નોંધનીય રહી. ‘ક્રાંતિવીર’ માટે તેમને ચોથો ફિલ્મફેર એવોર્ડ મળ્યો.

નેવુંના દાયકામાં અને પછી પણ ડીમ્પલ ક્યારેક વિવિધ ભૂમિકામાં દેખાતા રહ્યાં. ‘દિલ ચાહતા હૈ’માં તેમણે નાની ભૂમિકા કરી. અમેરિકન પ્રોડક્શન ‘લીલા’ (૨૦૦૨)માં તેમણે શીર્ષક ભૂમિકા કરી. ત્યાર બાદ તેમણે થોડી વધુ મુખ્ય ભૂમિકાઓ કરી. જેમાં ‘હમ કૌન હૈ?’, ‘પ્યાર મેં ટ્વિસ્ટ’, ‘ફિર કભી’ કે ‘તુમ મિલો તો સહી’ (૨૦૧૦) યાદ કરી શકાય. તેમણે કેટલીક સહાયક ભૂમિકાઓ પણ કરી, તે ‘બીઇંગ સાયરસ’, ‘લક બાય ચાન્સ’, ‘દબંગ’, ‘કોકટેલ’, કે ‘ફાઈન્ડીંગ ફેની’ હતી.  

ડીમ્પલ કાપડીઆને તેમની જે ફિલ્મો માટે યાદ કરાશે, તેમાં ‘બોબી’ (૧૯૭૩), ‘સાગર’, ‘ઐતબાર’, ‘લાવા’, ‘અર્જુન’, ‘જાંબાઝ’, ‘અલ્લારખા’, ‘ઇન્સાફ’, ‘કાશ’, ‘સાઝીસ’, ‘બીસ સાલ બાદ’, ‘આખરી અદાલત’, ‘કબ્ઝા’, ‘જખ્મી ઔરત’, ‘રામ લખન’, ‘બટવારા’, ‘દ્રષ્ટિ’, ‘લેકિન’, ‘પ્રહાર’, ‘નરસિમ્હા’, ‘હક’, ‘અજુબા’, ‘અંગાર’, ‘રુદાલી’, ‘ગુનાહ’, ‘આજ કી ઔરત’, ‘ગર્દિશ’, ‘ક્રાંતિવીર’, ‘અંતીમ’, ‘અગ્નિચક્ર’, ‘પ્યાર મેં ટ્વિસ્ટ’, ‘બીઈંગ સાયરસ’, ‘ફિર કભી’, ‘લક બાય ચાન્સ’, ‘દબંગ’, ‘કોકટેલ’, ‘ફાઈન્ડીંગ ફેની’ કે ‘વેલકમ બેક’ (૨૦૧૫)નો સમાવેશ થાય છે.  

૨૦૧૦ની ‘દબંગ’માં ડિમ્પલની ભૂમિકા હતી. એ ફિલ્મ વર્ષની સૌથી સફળ અને હિન્દી ફિલ્મોની સૌથી સફળ ફિલ્મોની યાદીમાંની એક છે. ક્રિકેટના વિષય પર બનેલી ‘પતિયાલા હાઉસ’ (૨૦૧૧)માં ડીમ્પલ ઋષિ કપૂરના પત્ની અને અક્ષય કુમારની માતાની ભૂમિકામાં જોવા મળતાં હતાં.  

ગુજરાતી પરિવારના ચુનીભાઈ કાપડીઆ અને બેટી કાપડીઆના ચાર સંતાનોમાં ડીમ્પલ સૌથી મોટા. તેમના બેન સિમ્પલ કાપડીઆ પણ ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યાં છે. બહેન રીમ અને ભાઈ મુન્ના તેમના પરિવારના અન્ય સભ્યો. મુંબઈના સાન્તાક્રુઝ વિસ્તારમાં તેઓ મોટા થયાં. સેન્ટ જોસેફ્સ કોન્વેન્ટ હાઈસ્કૂલમાં તેઓ ભણ્યાં. પિતાની સમૃદ્ધિ અને બિઝનેસને કારણે ડીમ્પલનો ઉછેર અલગ રીતે થયો. પહેલી જ ફિલ્મ ‘બોબી’ની અપેક્ષિત સફળતા પહેલાં જ સુપર સ્ટાર રાજેશ ખન્ના સાથે ખુબ યુવા વયે લગ્ન કરનારા ડીમ્પલને ટ્વિન્કલ ખન્ના અને રીંકલ ખન્ના નામે બે દીકરીઓ છે. બંને દીકરીઓ ફિલ્મ અભિનેત્રી રૂપે આવી ચૂકી છે પણ તેમના મા-બાપ જેવી જમાવટ કરી શકી નથી. ટ્વિન્કલના લગ્ન સ્ટાર અક્ષય કુમાર સાથે થયાં છે. આમ ડીમ્પલ અક્ષયના સાસુ છે. ડીમ્પલ પણ લગ્ન કરીને બાર વર્ષ સુધી કેમેરા અને લાઈટથી દૂર રહ્યાં. કહેવાય છે કે પતિ રાજેશ ખન્નાએ તેમને ફિલ્મ અભિનયથી દૂર રાખ્યાં હતાં. ‘ઇન્ડિયા ટુડે’ને એક મુલાકાતમાં ડિમ્પલે કહ્યું હતું કે ‘જેવા તેમણે રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા કે તેમનું જીવન અને આનંદ બંનેનો જાણે અંત આવી ગયો હતો. તેમનું જીવન એક ‘ફાર્સ’ બની ગયું હતું. ‘ફિલ્મફેર’ દ્વારા તેમને પુછાયેલું, ‘તમે ફરી વાર લગ્ન કરશો?’ ત્યારે ડિમ્પલે જવાબ આપ્યો હતો કે ‘લગ્ન વિના જ હું સુખી અને આનંદમાં છું. શા માટે મારે ફરીવાર લગ્ન કરવા જોઈએ? એક વાર કર્યા તે પૂરતા હતા.’ જોકે તેના થોડા સમય બાદ ડિમ્પલે તેમની અને પૂર્વ પતિ રાજેશ ખન્ના સાથેની કડવાશ ઘટાડવાના પણ પ્રયાસ કર્યા હતાં. ખન્નાની સંસદની ચૂંટણીમાં ઉમેદવારી વખતે ડિમ્પલે તેમનો પ્રચાર પણ કર્યો હતો અને ‘જય શિવ શંકર’માં સાથે અભિનય પણ કર્યો હતો. ત્યાં સુધી કે એક અન્ય મુલાકાતમાં ડિમ્પલે કહ્યું હતું કે તેમનું લગ્ન જીવન એ જીવનનું ઉચ્ચ બિંદુ હતું. જોકે ડિમ્પલે પોતાના લગ્ન અંગે એવું પણ કહ્યું છે કે તેમને મન કરિયર હંમેશા ઓછી મહત્વની બાબત હતી.

જાણકારો કહે છે કે ડીમ્પલ ખૂબ મૂડી છે. ‘જાંબાઝ’ બનતી હતી ત્યારે ફિરોઝ ખાને કહ્યું હતું કે આટલી ઉશ્કેરાટ વાળી મહિલા મળવી મુશ્કેલ છે. તેઓ ક્યારે કેવું વર્તન કરશે તે કહી ન શકાય એવું પત્રકારો નોંધે છે. તેઓ જાતે પણ કહે છે કે તેઓ ખૂબ મૂડી છે અને તેમનું વર્તન ઘણાંને વિરોધાભાસી લાગે છે, પણ તેમણે જાણી જોઇને કોઈનું ખરાબ કર્યું નથી. કહે છે કે ડીમ્પલ ખૂબ સારો અભિનય પણ એ કારણે જ કરી શકે છે. તેઓ ખૂબ ત્વરિત ફેરફાર લાવી શકે છે. જોકે તેમની ખુબસુરતી જેમ તેમની મિલકત છે તેજ રીતે જવાબદારી અને મર્યાદા પણ છે. છતાં, ડીમ્પલ કહે છે, ‘મારી શ્રેષ્ઠ ભૂમિકા હજી આવવી બાકી છે.’

‘જૂન માસના સિતારા – લેખક નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી. આભાર: શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત.