Page Views: 10140

બે હોમગાર્ડ જવાનોએ સાત વર્ષની બાળકીને નરાધમના હાથે પીંખાતા બચાવી

પ્રવિણ ભીનારે અને કલ્પેશ અડાજણીયાએ રાત્રી પેટ્રોલિંગ દરમ્યાન શકમંદ હાલતમાં એક યુવાનને બાળકી સાથે ઝડપી લઇ પોલીસને હવાલે કર્યો

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત શહેરમાં નાની બાળકીઓને ઉઠાવી જઇ અને તેમના પર પાશવી બળાત્કાર ગુજારવાની ઘટનાઓ છાશવારે બનતી રહે છે. આ જ પ્રકારની એક ઘટના ગઇ રાતે ગોડાદરા પોલીસ સ્ટેશનની હદમાં બને એ પહેલા બે હોમગાર્ડ જવાનોએ સાત વર્ષની બાળકીનું અપહરણ કરનાર આરોપીને ઝડપી લઇ પોલીસ હવાલે કર્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર હોમગાર્ડ વિભાગમાં પ્રવિણ સુરેશ ભીનારે અને કલ્પેશ અડાજણીયા ફરજ બજાવે છે.ગઇ રાત્રે આ બન્ને યુવાનોની નાઇટ ડ્યુટી હતી અને તેઓ પોતાના પોઇન્ટ પર ફરજ પર હાજર હતા ત્યારે સાત વર્ષની એખ બાળકીને લઇને એક યુવાન શંકાસ્પદ હાલતમાં ત્યાંથી નીકળ્યો હતો. આ બન્ને હોમગાર્ડ જવાનોને શંકા જતા તેમણે યુવાનને રોકીને પુછપરછ કરતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો અને બાળકી રડવા લાગી હતી. જેથી પ્રવિણ ભીનારેએ આ યુવાનને તે નાસી છુટે એ પહેલા જ ઝડપી લીધો હતો અને બાળકીને સલામત રીતે તેના કબજામાંથી છોડાવી લીધી હતી. ઝડપાયેલા યુવાનની પુછપરછ કરતા તેણે પ્રાથમિક તબક્કે એવી કબુલાત કરી હતી કે, તે આ બાળકીને દુષ્કર્મ કરવાના ઇરાદે ઉઠાવીને લાવ્યો હતો. જો કે, હોમગાર્ડ જવાન પ્રવિણ ભીનારે અને કલ્પેશ અડાજણીયાની સતર્કતાને કારણે આ બાળકી પીંખાતા રહી ગઇ હતી. બન્ને હોમગાર્ડ જવાનોએ આ યુવાનને ગોડાદરા પોલીસને હવાલે કર્યો છે.