Page Views: 5591

પ્રદૂષિત થયું પર્યાવરણ, કોણ બચાવશે ? ઝેરીલી થઈ હવા,હવે શ્વાસ કેમ લેવાશે ?

ગરમી વધતાં, પાણી ખૂટતાં; શાને માનવ માથા કૂટ્યાં?

5 જૂન, "વિશ્વ પર્યાવરણ દિવસ" પર કરવા જેવી ચિંતા. આજે માણો વર્તમાન કાવ્યોત્સવમાં પર્યાવરણના જતન અંગે સંદેશો આપતી અલગ અલગ કૃતિઓ...

વર્તમાનન્યૂઝ.કોમ- સંકલન નૂતન તુષાર કોઠારી- નીલ

 

: ગઝલ: નૂતન લાફો

ગાગાગાગા ગાગાગાગા

 

સાતે સાગર હરખે લાંઘ્યાં,

અવકાશે પણ કેન્દ્રો સ્થાપ્યાં.

 

કાપ્યાં વૃક્ષો, પૂર્યા દરિયા:

ત્યારે કેવાં હૈયાં હરખ્યાં!

 

ગરમી વધતાં, પાણી ખૂટતાં;

શાને માનવ માથા કૂટ્યાં?

 

કુદરત રૂઠી, ધરતી ધ્રુજી;

જ્વાળામુખી ફડફડ ફાટ્યા.

 

સઘળું થયું અતિશય જ્યારે કાં

સ્વાર્થી માનવ ઘાંઘા થયા?

 

ઈશ્વર પૂરાયો મંદિરે

ને માનવને ઘરમાં ગોંધ્યા!

 

તું વિના માસ્કે ભમતો રહે,

કોરોનાના લક્ષણ દેખ્યાં.

 

તારી કેવી લાચારી છે!

કર ભડના કાં હેઠાં પડ્યા?

 

આ નૂતન લાફો ખાઈને

પણ નેત્રો તારાં ના ખૂલ્યાં.

:- નૂતન તુષાર કોઠારી 'નીલ' - વાપી

 

 

 

 

ઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋ

 

               પર્યાવરણ

 

પ્રદૂષિત થયું પર્યાવરણ, કોણ બચાવશે ?

ઝેરીલી થઈ હવા,હવે શ્વાસ કેમ લેવાશે ?

 

મફતમાં મળતી હવા,કદર કોણ કરશે ?

નાણાં ચૂકવશો,ત્યારે સમજ સાચી આવશે !

 

જંગલો ઉજ્જડ કર્યા,વિકાસ ક્યાં અટકશે ?

ગામ ભાંગ્યા,શહેર વસ્યા,ઝેરી હવા શ્વસશે ?

 

હવે ગરમી હટાવી,ઠંડક કોણ આપશે ?

કાળઝાળ તડકામાં છાંયડો કોણ ધરશે ?

 

વાદળાંને ખેંચીને વરસાદ કોણ લાવશે ?

પાણી વિના પછી જીવન કેમ ચાલશે ?

 

સવારે પંખીઓના ટહુંકા ક્યાંથી સંભળાશે ?

વુક્ષ કાપ્યા,હવે માળા ક્યાં જઈ બાંધશે ?

 

દર્શન પણ દુર્લભ પશુ, પંખીઓના થાશે,

ટહુંકા એના હવે મોબાઈલમાં સંભળાશે !

 

વૃક્ષ વાવીને, પ્રદૂષણ કોણ અટકાવશે ?

ભાવિપેઢી ચોખ્ખી હવા માટે તરસશે !

 

"વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો", કોણ સમજશે ?

"ભારતી" કર શરૂઆત,જોઈને કોઈ તો સમજશે !

 

-ભારતી ભંડેરી, અમદાવાદ.

ઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋઋ

ગઝલ - સ્થાપી જુઓ..

 

ઝાડને કાપો નહીં સ્થાપી જુઓ

એ પછી ભીનાશને માપી જુઓ.

 

પાનની લીલાશમાં રણછોડ છે;

વૃક્ષ ગીતા જ્ઞાન લાધી જુઓ.

 

લકકડ કોટે ચીરાતા વૃક્ષો ચીખે;

બારણાને ઝાડમાં વાવી જુઓ.

 

કલ્પવૃક્ષે કામધેનુ તો મળે;

છોડ લીલાં આંગણે વાવી જુઓ.

 

સાત પેઢી માનવીની ડુબશે;

વેણ સંતુલનના ઉથાપી જુઓ.

 

ઝાડ શીખવે છે સંપીને રહો;

વાત સાદી ને સરળ લાવી જુઓ.

 

દિલીપ વી. ઘાસવાળા