Page Views: 7614

હિન્દી ફિલ્મોના પીઢ નિર્માતા મુકેશ ભટ્ટ

પૂજા ભટ્ટ, રાહુલ ભટ્ટ, આલિયા ભટ્ટ, શાહીન ભટ્ટ અને ઈમરાન હાસમીના અંકલ છે મુકેશ ભટ્ટ

સુરત-નરેશ કાપડીઆ દ્વારા

હિન્દી ફિલ્મોના જાણીતા નિર્માતા મુકેશ ભટ્ટ ૬૯ વર્ષના થયા. ૫ જૂન, ૧૯૫૨ના રોજ મુંબઈમાં તેમનો જન્મ. તેમણે અનેક સફળ હિન્દી ફિલ્મો બનાવી છે. તેઓ મહેશ ભટ્ટના નાના ભાઈ છે અને વિશેષ ફિલ્મ્સ કંપનીના સહિયારા માલિક છે. વિશેષ ફિલ્મ્સની શરૂઆત ૧૯૮૬માં થઇ હતી. તેઓ પૂજા ભટ્ટ, રાહુલ ભટ્ટ, આલિયા ભટ્ટ, શાહીન ભટ્ટ અને ઈમરાન હાસમીના અંકલ છે.

મુકેશ અને મહેશ ભટ્ટ પીઢ નિર્માતા નિર્દેશક નાનાભાઈ ભટ્ટના સંતાનો છે. મુકેશજીના પિતા ગુજરાતી હિંદુ બ્રાહ્મણ અને માતા મુસ્લિમ હતાં. નાનાભાઈના ભાઈ બળવંત ભટ્ટ પણ ફિલ્મ નિર્દેશક હતા. મુકેશજીએનીલિમા ભટ્ટ સાથે લગ્ન કર્યા છે. તેમને એક દીકરી અને એક દીકરો છે, જેનું નામ વિશેષ છે, તેમના નામથી તેમની નિર્માણ સંસ્થાનું નામ વિશેષ ફિલ્મ્સ છે.

મુકેશ ભટ્ટની નિર્માતા રૂપે પહેલી ફિલ્મ વિનોદ ખન્નાની ‘જુર્મ’ (૧૯૯૦). જોકે તે એટલી સફળ ફિલ્મ નહોતી. પછી તેઓ ગુલશન કુમાર સાથે જોડાયા અને પ્રેમ કથા ‘આશિકી’ (૧૯૯૦) બનાવી. જેમાં રાહુલ રોય અને અનુ અગ્રવાલ હતાં. તેમના ભાઈ મહેશ ભટ્ટે એ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. ‘આશિકી’ સફળ થઇ અને તેના પછીની તેમની ફિલ્મો પણ ખુબ સફળ થઇ. જેમાં ‘દિલ હૈ કી માનતા નહીં’ અને ‘સડક’ આવી. એ ફિલ્મો વિશેષ ફિલ્મ્સના બેનર હેઠળ બની હતી. તેમાં પૂજા ભટ્ટ અને આમીર ખાન, સંજય દત્ત અને રાહુલ રોય હતાં.

પછીના વર્ષોમાં મુકેશ ભટ્ટે વધુ ફિલ્મોનું નિર્માણ કર્યું. જેમાં નસીરુદ્દીન શાહની ‘સર’, ‘નાજાયઝ’, ‘ક્રિમીનલ’, ‘ફરેબ’ બની. ૧૯૯૮ની ‘ગુલામ’ તેમની વધુ એક સફળ ફિલ્મ હતી. પ્રીતિ ઝીંટા અને અક્ષય કુમારની ‘સંઘર્ષ’ (૧૯૯૯) પણ સફળ રહી, જયારે હોરર ફિલ્મો ‘રાઝ’ (૨૦૦૨) અને તેની સિક્વલ ‘રાઝ – ધ મિસ્ટ્રી કન્ટીન્યુઝ’(૨૦૦૯) ખૂબ સફળ થઇ. પછી એજ શ્રેણીમાં ‘રાઝ ૩’ અને‘રાઝ રીબુટ’ (૨૦૧૬) પણ આવી.૨૦૦૪માં તેમણે ‘ફૂટપાથ’ દ્વારા ભત્રીજા ઈમરાન હાશ્મીને ફિલ્મી પડદે રજૂ કર્યા. જેમાં બિપાશા બાસુ હતાં. તેમની ત્યાર બાદની ફિલ્મો ‘ઝહર’, ‘કલયુગ’, ‘ગેન્ગસ્ટર’, ‘વો લમ્હેં’, ‘જન્નત’, ‘તુમ મિલે’ કે ‘ક્રૂક’ આવી. તેમના ભાઈ મહેશ ભટ્ટ સાથે ‘હમારી અધૂરી કહાની’ (૨૦૧૫)માં આવી. જેમાં ઇરમાન અને વિદ્યા બાલન હતાં. ખરેખર તો તે મુકેશ ભટ્ટના પિતા નાનાભાઈ ભટ્ટ અને શીરીન મોહંમદ અલીની પ્રેમકથા હતી.

મુકેશભટ્ટને ફિલ્મફેર એવોર્ડ્સ માટેના નામાંકન ‘દિલ હૈ કી માનતા નહીં’, ‘ગુલામ’, ‘રાઝ’ માટે મળ્યાં હતાં.મુકેશ અને મહેશ ભટ્ટ તેમની ફિલ્મોના સંગીત પર સારું કામ કરે છે પરિણામે તેમની ફિલ્મોના ગીત લોકપ્રિય થાય છે જે ફિલ્મની સફળતાનું બળ બને છે.

મુકેશ ભટ્ટની ફિલ્મોના જાણીતા ગીતો:જબ કોઈ બાત બિગડ જાયે – જુર્મ, જાને જીગર જાને મન, મૈ દુનિયા ભૂલા દુંગા, સાંસો કી જરૂરત હૈ જૈસે, નજર કે સામને જીગર કે પાર, તું મેરી ઝીંદગી હૈ, અબ તેરે બિન, ધીરે ધીરે સે મેરી જિંદગી મેં આના (આશિકી), દિલ હૈ કી માનતા નહીં, તુ પ્યાર હૈ કિસી ઓર કા, મેનુ ઈશ્ક દા લાગયા રોગ (દિલ હૈ કી માનતા નહીં), તુમ્હેં અપના બનાને કી કસમ, હમ તેરે બિન કહીં (સડક), તુઝે પ્યાર કરતે કરતે (નાજાયઝ), તું મિલે દિલ ખીલે (ક્રિમીનલ), યે તેરી આંખે ઝૂકી ઝૂકી, આંખો સે દિલ મેં ઉતર કે, ઓ હમસફર (ફરેબ), આતી ક્યા ખંડાલા – ગુલામ

‘મે માસના સિતારા – નરેશ કાપડીઆ પુસ્તકમાંથી સાભાર – શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત