Page Views: 4614

પીએનબી કૌભાંડી મેહુલ ચોકસીને લેવા ગયેલા અધિકારીઓ ખાલી હાથે પરત ફર્યા

જૂન માસના અંત સુધીમાં પ્રત્યાર્પણ શક્ય બને એવી સંભાવના

નવી દિલ્હી-વર્તમાનન્યૂઝ.કોમ

પંજાબ નેશનલ બેંકમાં ૧૩,૫૦૦ કરોડના કૌભાંડનો આરોપ લાગ્યા પછી હીરાનો વેપારી મેહુલ ચોક્સી ફરાર થઈ ગયો હતો. તે પછી મેહુલ ચોક્સી ડોમિનિકામાં હોવાથી ભારતના વિદેશ મંત્રાલયે તેના પ્રત્યાર્પણ માટેની પ્રક્રિયા શરૃ કરી હતી. ડોમિનિકામાં ગેરકાયદે ઘૂસણખોરી મુદ્દે મેહુલ ચોક્સીને જામીન આપવાનો નીચલી કોર્ટે ઈનકાર કર્યો તે પછી ભારતને મેહુલ ચોક્સીનો કબજો મળે તેવી શક્યતા ઉજળી બની હતી. પરંતુ હાઈકોર્ટે મેહુલ ચોક્સીની અરજીને સુનાવણી માટે માન્ય રાખતા પ્રત્યાર્પણની પ્રક્રિયા પાછી ઠેલાઈ ગઈ હતી. મેહુલ ચોક્સીને ભારત લાવવાની પ્રક્રિયા લગભગ એક મહિના સુધી પાછી ઠેલાઈ ગઈ છે. મેહુલ ચોક્સીને લેવા ગયેલા ભારતીય અધિકારીઓ ખાલી હાથે સ્વદેશ પાછા ફર્યા છે. ડોમિનિકાની હાઈકોર્ટે મેહુલ ચોક્સીના કેસની સુનાવણી કરવાની તૈયારી બતાવી હોવાથી હવે તાત્કાલિક પ્રત્યાર્પણની શક્યતા ખતમ થઈ ગઈ છે. સીબીઆઈ ડીઆઈજી શરદ રાઉતના નેતૃત્વમાં મલ્ટિ એજન્સી ટીમ મેહુલ ચોક્સીને લેવા માટે ડોમિનિકા પહોંચી હતી, પરંતુ ડોમિનિકાની હાઈકોર્ટે મેહુલ ચોક્સીના કેસની સુનાવણી માટે તૈયારી બતાવી હોવાથી હવે પ્રત્યાર્પણની પ્રક્રિયા પાછી ઠેલાઈ ગઈ છે. તેના કારણે ભારતીય તપાસ એજન્સીઓના અધિકારીઓ મેહુલ ચોક્સીને લીધા વગર જ ડોમિનિકાથી ભારત પાછા ફર્યા હતાં. સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલો પ્રમાણે મેહુલ ચોક્સીનું પ્રત્યાર્પણ જૂન માસના અંત સુધી થાય તેવી શક્યતા છે.  તેના પર ડોમિનિકામાં બે કેસની સુનાવણી થવાની છે. એક ડોમિનિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવા મુદ્દે અરજી થઈ છે. બીજી અરજી ભારત અને એન્ટીગુઆની પ્રત્યાર્પણની માગણી સંદર્ભમાં પણ સુનાવણી થશે. આ બંને સુનાવણીનો કોઈ નિકાલ આવશે નહીં ત્યાં સુધી મેહુલ ચોક્સીનું પ્રત્યાર્પણ પાછું ઠેલાયું છે.