Page Views: 6996

ધાનેરામાં અનોપ મંડળના આગેવાનને ભાજપ પ્રમુખ બનાવાતા આઇજા દ્વારા સી આર પાટીલને રજૂઆત

જૈન સમાજ અને હિન્દુ ધર્મ હંમેશા ભાજપ સાથે જોડાયેલો છે ત્યારે પુનમ સુથારને હોદો અપાયો એ દુઃખદ ઘટના- હાર્દિક હુંડીયા

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

ભારતિય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના ભાજપના શહેર પ્રમુખ તરીકે પુનમભાઇ સુથારની નિયુક્તિ કરવામાં આવી છે. પુનમભાઇ સુથારની નિયુક્તિ થતા જૈન સમાજના અગ્રણીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે ઓલ ઇન્ડિયા જૈન જર્નાલિસ્ટ એસોસીએશન (આઇજા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ હાર્દિક હુંડિયાના માર્ગદર્શન હેઠળ આજ રોજ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ગુજરાત આઇજાના પ્રમુખ અલ્પેશ શાહ સહિતના અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આઇજાના પ્રતિનિધીઓએ સી આર પાટીલની રૂબરૂ મુલાકાત લઇને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે, ભારતિય જનતા પાર્ટી હિન્દુત્વ અને રાષ્ટ્રીયતાની ઉચ્ચ વિચારધારા ધરાવતી પાર્ટી છે. તેનાથી પ્રેરાઇને જૈન સમાજ અને હિન્દુ ધર્મના લોકો વર્ષોથી ભાજપને સાથ આપતા આવ્યા છે. સમગ્ર જૈન સમાજ ભાજપને સમર્પિત છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે શહેર પ્રમુખ તરીકે પુનમભાઇ સુથારની નિયુક્તિ કરવામાં આવી છે તેની સામે જૈન સમાજનો અને આઇજાના તમામ સભ્યો સખ્ખત વિરોધ કરે છે. પુનમભાઇ સુથારનો વિરોધ કરવાનું કારણ એ છે કે, જૈનોની વિરૂધ્ધમાં કામ કરતા અનોપ મંડળના તેઓ સક્રિય આગેવાન છે અને જૈનો તેમજ હિન્દુ ધર્મના વિરોધી છે. હિન્દુ ધર્મગ્રંથો વિશે પણ તેઓ વિવાદાસ્પદ નિવેદનો આપતા હોય છે. આવા વ્યક્તિને ધાનેરા શહેરના ભાજપના પ્રમુખ બનાવવામાં આવતા જૈન સમાજ ભાજપથી નારાજ થશે. આ નિર્ણય અંગે ફેર વિચારણા કરવા માટે પણ આઇજાના રાષ્ટ્રીય અધ્યક્ષ હાર્દિક હુંડીયા, ગુજરાત પ્રદેશના પ્રમુખ અલ્પેશ શાહ, સહિતના અગ્રણીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે. હાર્દિક હુંડીયાએ પુનમ સુથારને ધાનેરાના પ્રમુખ બનાવવાની ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી છે અને આ પ્રકારે ભાજપ જેવા પક્ષમાં ધર્મ વિરોધી તત્વ સક્રિય થાય તે બાબતને ખેદજનક ગણાવી છે.