Page Views: 11905

ચેમ્બર પ્રમુખ દિનેશ નાવડિયાનું મેઇલ એકાઉન્ટ હેક થયુ- સાયબર ક્રાઇમે તપાસ આદરી

હેકર્સ દ્વારા દિનેશ નાવડિયાના નામે લોકો પાસેથી રૂપિયા ખંખેરવાનો પ્લાન

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ અને જીજેઇપીસીના ગુજરાત રિઝ્યનના ચેરમેન દિનેશ નાવડિયાનું ઇ મેઇલ એકાઉન્ટ હેક કરીને ઠગ ટોળકી દ્વારા સંખ્યાબંધ લોકોને ઇ મેઇલ કરવામાં આવ્યા છે. આ મેઇલમાં એવુ જણાવાયું છે કે, દિનેશભાઇના પરિવારના સભ્યોને કોરોના હોવાથી તેઓ હોસ્પિટલના કામકાજમાં વ્યસ્ત છે અને તેમને રૂપિયાની આવશ્યકતા છે તો આ ક્રેડીટ કાર્ડ પર મોકલવા, તેમને સાંજે આ રૂપિયા પરત કરી દેવામાં આવશે. પોતાનું એકાઉન્ટ હેક થયાની જાણ થતા ગઇ સાંજે જ દિનેશ નાવડિયાએ પોતાના મિત્રો, વેપારીઓ સહિતના તમામ પરિચિતોને સ્ક્રીન શોટ મોકલીને તેમનું એકાઉન્ટ હેક થયું હોવાની જાણ કરી દીધી હતી. જેથી લોકો આ ઠગ ટોળકીનો શિકાર ન બને, ઉપરાંત આજે દિનેશ નાવડિયાએ પોલીસ કમિશનર અજય કુમાર તોમરને મળીને પોતાનું મેઇલ એકાઉન્ટ હેક થયા અંગેની અરજી આપી આ મામલે તપાસ કરવાની માંગણી કરી હતી. પોલીસ કમિશનર દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ સાયબર ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે.