Page Views: 12065

અંતિમ સાંજ

મગનલાલે એક હાથે પકડેલી લાકડીનો મજબુત ટેકો લીધો

વર્તમાનન્યૂઝના વાંચકો માટે સાકેત દવેની ટુંકી વાર્તાઓની સંવેદના અજાણી નથી. આજે પણ સાકેત દવેની કલમે લખાયેલી આ વાર્તા વાંચો...અને હા આપનો અમુલ્ય અભિપ્રાય આપવાનું ભુલતા નહીં,,,વોટસ એપ નંબર-9173532179 ઉપર આપ જણાવશો કે આપને આ વાર્તા કેવી લાગી તો ગમશેજ...

 

વર્તમાનન્યૂઝ.કોમ- સાકેત દવે દ્વારા (સંકલન- નૂતન તુષાર કોઠારી- નિલ)

જાહેર બગીચાના એક છેડેથી પ્રવેશ કર્યા પછી હાથમાં લાકડી સાથે મગનલાલ રોજ સાંજે બીજા છેડે આવેલી એકાંત જગ્યા સુધી એકધારી અને ધીમી ચાલે ટહેલતા-ટહેલતા પહોંચી જતાં. એ દરમ્યાન આજુબાજુ લહેરાતા વૃક્ષોની ડાળીઓને એક હથેળી વડે સ્પર્શતા રહેવાનું એમને ઘણું ગમતું. 

બોંતેર વર્ષની નબળી થયેલી કાયાથી થોડું કઠિન હતું છતાં, મગનલાલે આજે એક હાથે પકડેલી લાકડીનો મજબૂત ટેકો લઈ, પગના પંજા પર સ્હેજ ઊંચા થઈ બગીચામાં ઝૂલતી એક ડાળ ઝટકાથી પકડી લીધી. દાયકાઓ પહેલાંની ક્ષણો યાદ આવી, જ્યારે તાજી જ થયેલી સગાઈ પછી આજ રીતે મધુકાન્તાની કોમળ કલાઈને એમણે સહસા પકડી લીધેલી અને બંને પક્ષે અનુભવાયેલ એ ધ્રુજારી આજેય મગનલાલની વૃદ્ધ આંખોમાં ચમકી ગઈ. વૃક્ષ પણ આ થડકારથી પ્રસન્ન થયું હશે કે શું ખબર, પણ કિનારી પર જાંબલી ઝાંય ધરાવતું એક શ્વેત પુષ્પ એમના પર ખરી પડ્યું ત્યારે કરચલી મઢ્યો એ વૃદ્ધ ચહેરો હસુ- હસુ થઈ રહ્યો. સમયનો લાભ લેવામાં માહેર એવા કરેણના એક ફૂલે બાજુમાં આવેલી મધુમાલતીની વેલને પવનની એક લહેરખીના સંગે એ જ સમયે સ્હેજ સ્પર્શી લીધું, એ મગનલાલની નબળી થયેલી આંખોથી પણ છુપાઈ ન શક્યું. મગનલાલની જાણ બહાર તેમના ભૂતકાળની કેટલીક ક્ષણોએ લાકડીના ટેકે તેમની સાથે-સાથે ચાલવું શરૂ કર્યું.

કોલાહલ ધરાવતા બગીચાના ખાલી બાંકડાઓને ખાલી જ રહેવા દઈ તે આગળ વધ્યા અને બેસવા માટે સ્હેજ દૂર મૂકવામાં આવેલું જૂના કોઈ વૃક્ષનું એક કાપેલું થડિયું પસંદ કર્યું. ઘાસની લીલીછમ લોન અને તેના પર ખરીને પડેલાં પીળા કૂમળાં પર્ણો પર સ્લીપર કાઢીને હળવે હળવે પગના પંજા ફેરવતી વખતે તેમણે હથેળીઓ પણ થડની બરછટ સપાટી પર ફેરવે રાખી. યાદ આવી જ ગયું કે વર્ષો પહેલાં, હજી ચાલતા નહિ શીખેલા દીકરા વિક્રાંતને જ્યારે બગીચામાં લઈ આવતા ત્યારે પણ તેઓ કાયમ આ રીતે બેસીને બે પગના પંજા વચ્ચે તેને હળવેથી જકડી રાખતા. ચંચળ વિક્રાંત વારંવાર પક્કડ છોડાવી ભાંખોડિયા ભરી જતો અને મગનલાલની હળવી અસ્વસ્થતા જોઈ મધુકાન્તા સ્મિત કરી આંખો નચાવતી. દૂર ઊગાડી હોવા છતાં બાજુમાં આવી ગયેલી બોગનવેલ પણ આજે મગનલાલને એ જ રીતે લહેરાતી લાગી...

અને બિલકુલ સામે આવેલો એક જૂનો લીમડો તો મગનલાલની ઘણી પૂર્વ-ક્ષણોનો સાક્ષી હતો જ ને! એ વિશાળ વૃક્ષની બખોલે કોઈ અજાણ્યું પંખી આવી બેઠું ત્યારે તેની પાંખનો આછો લીલો રંગ મગનલાલને દીકરી શ્વેતાની આંખની યાદ અપાવી ગયો. પ્રમાણમાં વધુ બીકણ એવી શ્વેતા એક ક્ષણ પણ બગીચામાં અળગી ક્યાં થતી! બગીચાની ખુલ્લી જગ્યામાં પણ એનું અસ્તિત્વ સદા મગનલાલની પહેલી આંગળીએ વળગેલું જ રહેતું. અને આ પંખી પણ અદ્દલ શ્વેતા જેટલું જ ચંચળ ને... ક્યાં વધુ રોકાઈ શક્યું બખોલમાં...? મગનલાલની આંગળી સ્હેજ થરકી. ઊડીને ઘણે દૂર જતાં પંખીને મગનલાલ જોઈ રહ્યાં. પંખી દેખાતું બંધ થયું ત્યારે ખાલી બખોલ તેમને અવાવરૂ કૂવો બની ગયેલી લાગી. નજર ઢાળી એમણે ઘાસમાંથી પસાર થઈ રહેલી કીડીઓની શિસ્તબદ્ધ કૂચમાં ધ્યાનમગ્ન થવા પ્રયત્ન કર્યો. 

ખિસકોલીની ભરાવદાર પૂંછડી જેવો ભવ્ય ભૂતકાળ મગનલાલની સ્મૃતિને સુંવાળી બનાવી રહ્યો હતો ત્યારે જ પવનની એક હઠીલી લહેરે ખરેલાં સૂકાં પાંદડાં એવાં ખખડાવ્યાં, કે મગનલાલને વર્તમાનમાં આવી જવું પડ્યું. બગીચાની લાઈટો એક પછી એક લાઈનબદ્ધ ચાલુ થઈ ત્યારે વચ્ચે પૂરેપૂરી ચાલુ નહિ થઈ શકેલી એક બત્તીના આછા ઝબકારાને મગનલાલ તાકી રહ્યા. આ ધૂંધળી સાંજનું હમણાં કાળી રાતમાં રૂપાંતર થતાની સાથે જ, એ અર્ધબંધ વીજળીના ગોળાને અંધકાર ગળી જવાનો-એવા આવેલા વિચારને તેમણે પ્રયત્નપૂર્વક સ્વીકાર્યો.

થોડી જ પળો વીતી હશે ત્યાં સૂકાં પર્ણો પર પડતી લાકડીના નિયમિત આંદોલનોથી આવતો પરિચિત ધ્વનિ સંભળાયો. મગનલાલ સમજી ગયા કે બાગ બંધ થવાની ઘડી નિકટ છે અને લગભગ તેમની જ ઉંમરના માળીનું આગમન થઈ રહ્યું છે. મગનલાલે બાજુમાં અઢેલીને મૂકેલી લાકડી ઉપાડી, જમીનની મજબૂતાઈ તપાસી લાકડી ટેકવી, ને સમગ્ર શરીરનું વજન લાકડીના બીજા છેડા પર આપી હળવેથી ઊભા થયા. પાસે આવેલા માળી તરફ રોજની જેમ મૈત્રીભરી નજર કરી સ્મિત વેર્યું અને ધીમી ચાલે બગીચો છોડી ચાલી નીકળ્યા. 

ખબર નહિ કેમ, પણ એ દિવસે બગીચાથી માત્ર ચારસો મીટરના અંતરે આવેલાં તેમના “જીવન-સંધ્યા” વૃદ્ધાશ્રમ સુધી પહોંચતા મગનલાલ હાંફી ગયા. રાત ઢળી ચૂકી હતી. ચાલતાં-ચાલતાં જ લાકડી પકડેલા ડાબા ખભામાં અચાનક ખાલી ચડી જતી લાગી ને હળવું દર્દ પણ શરૂ થયું. શ્વાસની ચડ-ઉતર અનિયમિત થતી લાગી. દર્દની માત્રા અને મગનલાલની વ્યાકુળતા વધી. વૃદ્ધાશ્રમના પગથિયે તેઓ બેસી પડ્યા. ધીમી હેડકી પણ શરૂ થઈ. રાતના અંધકારમાંથી એક તેજ લિસોટો તેમની તરફ આવતો દેખાયો. પત્ની મધુકાન્તા, પુત્ર વિક્રાંત અને દીકરી શ્વેતાના યુવાન ચહેરા બહુ સ્પષ્ટ રીતે તેમાં ઉજાગર થતા દેખાયા. ઈચ્છા છતાં મગનલાલ બે હાથ ઉઠાવી એ ચહેરા સ્પર્શી ન શક્યા. શ્વાસની ગતિ વધી અને અંતરાલ ઘટ્યો. એક શ્વાસ થોડો વધુ ઉપર ચડ્યો અને.... પાછો નીચે ન બેઠો...

દોડીને આવેલો વૃદ્ધાશ્રમનો ચોકીદાર તેમના શરીરને જોર જોરથી હલાવી રહ્યો હતો ત્યારે મગનલાલ ખુલ્લી આંખવાળાં મુખ પર સંતોષનું એક સ્મિત મૂકી અનંત સફર પર નીકળી ચૂક્યા હતા અને આ જ સમયે બગીચાના માળીએ નોંધ્યું કે ઝબકારા મારતી બત્તી હવે સંપૂર્ણ ઓલવાઈ ગયેલી...