Page Views: 15599

રાંદેર-કતારગામ અને સેન્ટ્રલ ઝોનમાં ટેક્સટાઇલ માર્કેટની 197 દુકાનો સહિત સાત હોસ્પિટલ સીલ

ફાયર વિભાગે વહેલી સવારે કાર્યવાહી હાથ ધરી

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

આજે વહેલી સવારે સુરત મહાનગર પાલિકાના ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા રાંદેર, નોર્થ અને સેન્ટ્રલ ઝોનમાં 7 હોસ્પિટલ, 1 હોટલ અને 1 ટેક્સટાઈલ માર્કેટની 197 દુકાનોને સીલ મરાયા હતાં. ફાયર સેફટીની અપૂરતી સુવિધાને લઈ કામગીરી હાથ ધરાઈ હતી. સુરત ફાયર વિભાગ દ્વારા છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા 6 દિવસથી ફાયર વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે. નોટિસ બાદ પણ ફાયર સેફ્ટી ઉભી ન કરતા ફાયર વિભાગે 7 હોસ્પિટલ, 1 હોટલ અને ટેક્સટાઈલ માર્કેટની 197 દુકાનો સામે કાર્યવાહી હાથ ધરી હતી. મહાનગરોમાં હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં ફાયર સેફટીના મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરી હતી. હાઈકોર્ટ સમક્ષ સુરત સહિત તમામ મહાનગરપાલિકાઓએ રિપોર્ટ રજૂ કરવાનો છે ત્યારે છેલ્લા છ મહિનામાં આ હોસ્પિટલોને ત્રણ-ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી છતાં ફાયર સેફટીનો અભાવ હોવાથી મધરાતથી સવાર સુધી આ કાર્યવાહી ચાલુ રાખી હતી. જે હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે તેમાં મોટા ભાગની હોસ્પિટલોમાં દર્દી દાખલ હતા. જેથી દર્દીઓના વોર્ડને બાદ કરતા ખાલી તમામ વોર્ડ, રિસેપ્શન, તબીબોની ચેમ્બર સહિત ઓફિસો સીલ કરી દીધી હતી