Page Views: 6945

કોરોનાને આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો પ્રકૃતિની સામે માણસ પડયો ત્યારે પ્રકૃતિએ તેને શિક્ષા આપી છે : પ્રફુલ શુકલ

ચેમ્બર દ્વારા ‘કોરોનાનો કાઢો – આધ્યાત્મિક દૃષ્ટિએ’વિશે વેબિનાર યોજાયો

સુરત. વર્તમાનન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બુધવાર, તા. ર જૂન, ર૦ર૧ના રોજ ‘કોરોનાનો કાઢો – આધ્યાત્મિક દૃષ્ટિએ’વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા કથાકાર પ્રફુલ શુકલ બાપુએ કોરોનાના ભયને મનમાંથી બહાર કાઢવા માટે આધ્યાત્મિક દૃષ્ટિએ ખૂબ જ મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. પ્રફુલ શુકલ એ જણાવ્યું હતું કે, કોરોનાને કાઢો એટલે આપણા જીવનમાંથી તેની ચિંતાને દૂર કરો. કોરોનાની ચિંતામાંથી મુકત થવા માટે કઇ – કઇ બાબતોને કાઢવાની જરૂર છે તે અંગે તેમણે સમજણ આપી હતી. તેમણે કહયું હતું કે પરિવાર માટે સૌપ્રથમ સમય કાઢો, લોકડાઉન દરમ્યાન ઘરમાં જ સમય કાઢો, બીજાની ભૂલો ન કાઢો, અડધો કલાક કસરત માટે કાઢો અને બેંકમાંથી જરૂરિયાત પૂરતા જ રૂપિયા કાઢો. ટીકા કરવાને બદલે ટેકો આપવાનું રાખશો તો જ ટકી શકશો. કોરોનાએ ગમે તેવો આહાર–વિહાર કરનારા, ગમે ત્યાં ભટકનારા, ફાવે તેમ રહેવાવાળા અને જીવવાળાને વધારે અસર કરી છે. એટલે ભાણામાંથી પચી ન શકે એવો આહાર કાઢો. અતિ મહત્વની બાબત એ કે મનમાંથી કોરોનાના ભયને બહાર કાઢો. કોરોનાએ સમાજને છીન્નભીન્ન કરી નાંખ્યો છે. વ્યાપાર, ધંધા અને રોજગારને અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે. એ જ કોરોનાએ માણસને કેમ જીવવું અને કેમ વ્યવહાર કરવો એ પણ શીખવ્યું અને પ્રત્યક્ષ અનુભવ પણ કરાવ્યો છે. કોરોનાને આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો પ્રકૃતિની સામે માણસ પડયો ત્યારે પ્રકૃતિએ તેને શિક્ષા આપી છે. માણસે આખી ધરતીને પ્લાસ્ટીકમાં ઢાંકી દેવાનો પ્રયાસ કર્યો. અંતે પ્રકૃતિએ જ માણસને કોરોનાથી બચવા માટે પ્લાસ્ટીકની પી પી કીટમાં જકડી નાંખ્યો હતો. પ્રકૃતિની પુજા કરનારો દેશ જ્યારે પ્રકૃતિથી મોઢું ફેરવી ગયો અને તેની અવહેલના કરવા માંડયો ત્યારે પ્રકૃતિએ એનો જબરજસ્ત પરચો બતાવ્યો છે. પ્રકૃતિની સેવા કરવી, એની પુજા કરવી અને એનું જતન કરવાનો આદેશ ૠષીમુનિઓએ હજારો વર્ષ પહેલા આપ્યો છે. પહેલાથી કહેવાતું હતું કે સ્મશાનેથી કે હોસ્પિટલમાંથી ઘરે આવ્યા બાદ પહેલા સ્નાન કરવું જોઇએ. હવેની ભાષામાં એને સેનિટાઇઝ કરવાનું કહેવાય છે. માણસ એ પોતાના માટે નહીં પણ આખા સમાજ માટે બનેલો છે એવો ભાવ દરેક વ્યકિતમાં હવે કોરોનાએ જગાડયો છે અને કોરોનાએ જ માણસને માણસ બનતા શીખવ્યું છે. તેમણે કહયું કે, જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે પણ હિંમત હારવાની નથી અને મનથી જરાય ભાંગવાનું નથી. ચેમ્બરના ગૃપ ચેરમેન કમલેશ ગજેરાએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની સમૃદ્ધિ કમિટીના ચેરમેન અમરિષ ભટ્ટે વેબિનારનું સંચાલન કર્યું હતું. જ્યારે ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ સવાલોનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ દિલીપ ચશ્માવાલાએ કાર્યક્રમનો સાર રજૂ કર્યો હતો. અંતે ચેમ્બરની ઇ–કોમર્સ કમિટીના ચેરમેન અંકિત કળથીયાએ સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.