Page Views: 15361

ધડામ!

બીજા જ દિવસથી ઑફિસની તમામ સ્ત્રી એમ્પ્લોયી 'ધડામ' કરતી નોકરી છોડી ગઈ!

સત્ય ઘટના શ્રેણીમાં નૂતન તુષાર કોઠારી સમાજમાં આપણી આસપાસ જ બનતી ઘટનાઓનું આલેખન કરે છે. આજની સત્ય ઘટના પણ કંઇક આવી જ વાત રજૂ કરે છે આપને આ સત્ય ઘટનાનું આલેખન કેવું લાગ્યું તે અંગે આપ વોટસએપ નંબર 91735 32179 ઉપર અમને જણાવશો તો ગમશે જ.... 

વર્તમાનન્યૂઝ.કોમ- નૂતન તુષાર કોઠારી `નીલ`દ્વારા

 "હાશ! આખરે નવી જૉબ મળી ગઈ. હવે શાંતિથી કામ કરીને આગળ વધીશ." સલોનીએ ખુશખુશાલ ચહેરે નવી ઑફિસમાં પ્રથમ દિવસે પગ મૂક્યો.

"ગુડ મૉર્નિંગ, સલોની! વેલકમ." એના બૉસ ભાવક એ ઉષ્માભર્યો આવકાર આપ્યો. સલોની પણ કામમાં વ્યસ્ત થઈ ગઈ. સહકર્મચારીઓ સાથે પરિચય કેળવ્યો. બધું બહુ જ સાનુકૂળ લાગી રહ્યું હતું. બોસના પત્ની પ્રિયા

પણ ઓફિસમાં સાથે જ હતા. દિવસ દરમિયાન ભાવક વચ્ચે વચ્ચે આવીને એનું વર્ક જોઈ જતો અને જરૂરી સૂચનો આપતો. આખરે સમય પૂરો થતાં સલોની ઓફિસની બહાર નીકળી. એણે ચાલતાં જ ઘરે જવાનું વિચાર્યું. હજુ થોડે દૂર પહોંચી ત્યાં તો ભાવક કાર લઈને આવી પહોંચ્યો. "ચાલ, બેસી જા. હું તને ઘરે ઉતારી દઉં" એણે કહ્યું. સલોની બેસી ગઈ. ક્યારેક પ્રિયા લિફ્ટ આપી દેતી. આમ ને આમ થોડાં દિવસો વીતી ગયા પણ હવે ભાવકના વર્તનમાં પરિવર્તન આવી રહ્યું હતું. સલોની કામ કરતી હોય ત્યાં બાજુમાં બેસીને એ કોઈ ન કોઈ બહાને એના હાથ-પગને સ્પર્શ કરી લેવાનું ચૂકતો નહીં. સ્ત્રીસહજ સિક્સ્થ સેન્સના આધારે સલોની ભાવકના નેક(!) ઈરાદાને પારખી ગઈ હતી અને એણે ભાવકને નકારવાનું ચાલુ કરી દીધું અને અપેક્ષિત પરિણામ જ આવ્યું. હવે સલોનીના કામમાં ભૂલો આવવા લાગી. એનો ફૉન પણ બાધક બનવા લાગ્યો અને એની રીતસરની ઉપેક્ષા થવા માંડી. સલોની પણ વાતને સમજી ગઈ હતી અને એણે આ બાબતે પોતાનાં અંગત મિત્રો સાથે ચર્ચા પણ કરી હતી અને મહિનો પૂરો થતાં જ જૉબ છોડી દેવાનું એણે નક્કી કરી લીધું હતું.

     આ બાજુ ભાવકને સપનેય ખ્યાલ ન આવ્યો કે સલોની માંડ મળેલી જૉબને ઠુકરાવી દેશે. એણે તો ઑફિસમાં પોતાનું પોત પ્રકાશ્યું. સલોનીની બાજુમાં જઈને બેઠો અને પોતાની આદતન હરકતો ચાલુ કરી દીધી! પણ આ તો સલોની હતી! એણે એક તીખી નજર ભાવક પર ખોડીને એને દૂર રહેવાની ચેતવણી આપી દીધી. ખલ્લાસ! ભાવકનું પુરુષાતન ઘવાયું અને અચાનક ઊભા થઈને એણે સલોનીને એના કામની અણઆવડત પર ચિલ્લાવાનું ચાલુ કરી દીધું. સલોની માનસિક રીતે તૈયાર જ હતી. એણે તરત જ ઑફિસમાં જ ભાવકના બદઈરાદાઓનો નકાબ ચીરી નાંખ્યો,  અણધાર્યા આ હુમલાથી ભાવક ડઘાઈ ગયો. એણે સલોનીને કહી દીધું, "તને જૉબમાંથી કાઢી મૂકીશ."

સલોની, "તમે શું કાઢવાના? હું જ અહીં કામ કરવા નથી માગતી. આ ઑફિસમાં તમારા સિવાય બીજા પણ પુરુષો છે. એ કોઈ ભૂલથી પણ સ્પર્શ નથી કરતા અને તમે વારંવાર આ ભૂલ કરો છો? માફ કરજો, હું એવી છોકરી નથી. ભૂખે મરવાનું પસંદ કરીશ પણ જૉબ માટે મારી જાત સાથે-મારાં ચારિત્ર્ય સાથે સમાધાન નહીં જ કરું. આજે મહિનાનો છેલ્લો દિવસ છે. હું જાઉં છું" અને એ ઑફિસ છોડીને નીકળી ગઈ. 'ધડામ' દઈને બંધ થયેલાં એ દરવાજાનો અણધાર્યો થડકાર ભાવકના માથામાં જોરથી વાગ્યો.    આના પરિણામ સ્વરૂપે બીજા જ દિવસથી ઑફિસની તમામ સ્ત્રી એમ્પ્લોયી 'ધડામ' કરતી નોકરી છોડી ગઈ!