Page Views: 7595

ચેમ્બર દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં 25 સી–પેપ અપાયા

કોરોનાના દર્દીઓને સારવારમાં રાહત મળશે

સુરત. વર્તમાનન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શરૂ કરવામાં આવેલો સેવાયજ્ઞ આગળ વધી રહયો છે. વર્તમાન કોરોનાના સમયમાં ચેમ્બર દ્વારા નવી સિવિલ હોસ્પિટલને રપ નંગ સી–પેપ આપવામાં આવ્યા હતા. ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, કન્ટીન્યુઅસ પોઝીટીવ એરવે પ્રેશર (સી–પેપ) દર્દીઓના શ્વાસનળીમાં પ્રેશર જનરેટ કરે છે અને ઓછા ઓકિસજનમાં પણ પ્રેશર આપે છે. આથી સી–પેપથી દર્દીઓનું એર સકર્યુલેશન મેન્ટેન થાય છે અને ફેફસાના છેવાડાના ભાગ સુધી ઓકિસજન પહોંચે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અત્યારના સમયે નવી સિવિલ હોસ્પિટલમાં ઓકિસજનની અછત વર્તાઇ રહી છે ત્યારે કોરોનાના દર્દીઓને જ્યારે ઓકિસજનની સાથે સી–પેપ લગાવવામાં આવે છે ત્યારે ઓકિસજનની બચત થાય છે. સામાન્યપણે કોવિડ– ૧૯ના દર્દીઓને દર મિનિટે ૧પથી ર૦ લીટર ઓકિસજનનો વપરાશ થાય છે. એવા સંજોગોમાં ઓકિસજનની સાથે દર્દીઓને સી–પેપ લગાવવામાં આવે છે ત્યારે ઓકિસજનનો વપરાશ દર મિનિટે ૧પથી ર૦ લીટરથી ઘટીને ૯, ૧૦ અને ૧૧ લીટર થઇ જાય છે. આવી રીતે સી–પેપ લગાવવાથી ઓકિસજનની બચત પણ થાય છે. તેમણે કહયું કે, જે દર્દીઓ માટે બાયપેપ નહીં મળી શકતું હોય તેને અર્લી સ્ટેજમાં સી–પેપ આપીને તેનું જીવન બચાવી શકાય છે.