Page Views: 8005

હદ થઇ હવે ઓક્સિજનના પણ કાળા બજાર- અમદાવાદમાં 15થી 25 હજારમાં વેંચાતા હતા ઓક્સિજન સિલિન્ડર- ત્રણ ઝડપાયા

તોફીક શેખ, મોહમદ અને ઉર્વેશ શેખ ને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા- ફેક્ટરી માલિક પિતા-પુત્ર ફરાર

અમદાવાદ-વર્તમાનન્યૂઝ.કોમ

રેમડેસિવિર ઈન્જેક્શન હોય કે ઓક્સિજનની બોટલ હોય તક સાધુઓ તમામ જગ્યાએ કાળા બજાર કરતાં ઝડપાઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં ઓક્સિજનનું બ્લેક માર્કેટિંગ કરતાં ત્રણ શખ્સોને 39 બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યાં છે. આ ત્રણેય જણાં જરૂરિયાતમંદો પાસેથી 15થી લઈને 25 હજાર સુધીની રકમ વસૂલતા હતાં. સરખેજ વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં કેટલાક તક સાધુઓ હાલની પરિસ્થિતિમાં લોકોની મજબૂરીનો લાભ લેવા માટે ઉંચા ભાવે ઓક્સિજનની બોટલ વેચતા હોવાની ક્રાઈમ બ્રાંચના PI એ.વાય.બલોચને મળી હતી. જેના આધારે તેમની ટીમે રેડ કરીને ગોડાઉનમાંથી 39 ઓક્સિજન સિલિન્ડર જે મેડિકલ ઉપયોગમાં લેવામાં આવે છે તે મળી આવ્યાં હતાં. આ સિલિન્ડર સાથે ઝડપાયેલા ત્રણ શખ્સોની પોલીસે પુછપરછ કરતાં તેનું વેચાણ કાળા બજારમાં થતું હોવાનું જણાવ્યું હતું. મજબૂર લોકોને ઉંચા ભાવે ઓક્સિજન વેચતા ઉર્વેશ મેમણ, તોફીક શેખ અને મોહમ્મદ કસરત શેખની પોલીસે ધરપકડ કરી હતી. આ શખ્સો ભેગા મળીને ઓક્સિજન સિલિન્ડર બજાર કિંમત કરતા ઊંચા ભાવે વેચતા હોવાનું સામે આવ્યું હતું. હાલ તમામ આરોપીઓની ઉલટ તપાસ કરવામાં આવી રહી છે. આ તમામ આરોપી સરખેજ પાસે આવેલા ગુજરાત સેફ્ટી નામના ગોડાઉનમા કામ કરતા હતા. ફરાર માલિક પિતા પુત્રની શોધખોળ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાંચે ગોડાઉનમાં કામ કરતા અને ઓક્સિજનનુ વેચાણ કરતા આરોપીની પુછપરછ હાથ ધરી ત્યારે સામે આવ્યુ કે, 25 એપ્રિલથી આ ઓક્સિજનનુ વેચાણ થઈ રહ્યુ હોવાનુ સામે આવ્યુ છે. ઝડપાયેલા આરોપીએ 200 કરતા વધુ ઓક્સિજન સિલિન્ડર રાજ્યભરમાં વેચ્યા છે.