Page Views: 5407

વિદ્યાર્થીઓને કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકેમાં ભણવાની સાથે બનાવો કારકિર્દી

ચેમ્બર દ્વારા કેરીયર ગાઇડન્સ મહોત્સવ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યુ

સુરત. વર્તમાનન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને આસિસ્ટન્ટ ડાયરેકટર (એમ્પ્લોઇમેન્ટ) ઓફિસ / મોડેલ કેરીયર સેન્ટર– સુરત (ગુજરાત સરકાર)ના સંયુકત ઉપક્રમે ધોરણ ૧૦ અને ૧રના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા બાદ કયા – કયા ક્ષેત્રમાં કારકિર્દીની તકો રહેલી છે તે અંગે તેઓને સમયસર યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે કેરીયર ગાઇડન્સ મહોત્સવ ચાલી રહયો છે. બુધવાર, તા. પ મે ર૦ર૧ના રોજ જીવનભારતી મંડળ (અહેડ)ના જીગર પાઠક અને હેતલ ગજ્જરે ‘ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ એડવાન્ટેજીસ ટુ સ્ટડી ઓવરસિઝ’ વિષય ઉપર ધોરણ ૧રના વિદ્યાર્થીઓને વિદેશમાં ભણતર તેમજ કારકિર્દીની તકો વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

જીગર પાઠકે જણાવ્યું હતું કે ધોરણ ૧ર પછી વિદ્યાર્થીઓને કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે અને ન્યુઝીલેન્ડમાં પીઆર માટેની સારી તકો મળી રહે છે. સામાન્યપણે વિદ્યાર્થીઓ ડાયરેકટ કોલેજમાં બેચલર અને યુનિવર્સિટીમાંથી માસ્ટર ડીગ્રી સુધીનો અભ્યાસ કરે છે અને ત્યારબાદ વિવિધ ફિલ્ડમાં નોકરી મેળવી લેતા હોય છે. તેમણે કહયું કે, મોટા ભાગના વિદ્યાર્થીઓ કેનેડામાં ભણવાનું અને ત્યાં જ કારકિર્દી ઘડતરનું વધુ પસંદ કરતા હોય છે. કારણ કે, અન્ય દેશો કરતા કેનેડા સૌથી લિબરલ છે અને ત્યાં ડેવલપમેન્ટ પણ થઇ રહયું છે. આથી ભવિષ્યમાં વિવિધ ક્ષેત્રે કારકિર્દી ઘડતર માટેના વિકલ્પો પણ ઘણા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કેનેડામાં ભણવા જવા માટે વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેન્ગ્વેજ ટેસ્ટીંગ સિસ્ટમ (IELTS) પરીક્ષા પાસ કરવાની હોય છે. ચાર મહિનાના સમયગાળા દરમ્યાન આ પરીક્ષાની તૈયારી કરવામાં આવતી હોય છે. આ એકઝામની તૈયારી માટે લીસ્નીંગ, રિડીંગ, રાઇટીંગ અને સ્પીકિંગ ઉપર વધારે ભાર આપવામાં આવે છે. જેટલી વધારે પ્રેકિટસ કરી હશે અને વિષયો સંબંધિત વાંચન કરેલું હશે તેઓ માટે આ એકઝામને ક્રેક કરવા સરળતા રહે છે. પરીક્ષા પાસ થયા બાદ સંબંધિત કોલેજ અથવા યુનિવર્સિટીમાં અરજી કરવાની હોય છે. કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી જવાબ આવે ત્યારબાદ વીઝા લઇને વિદ્યાર્થીઓ ભણવા માટે કેનેડા અથવા અન્ય દેશોમાં જઇ શકે છે.

હેતલ ગજ્જરે ફંડ્‌સ અને ફાયનાન્સ, સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ, ઇન્ટરવ્યુ પ્રિપરેશન, ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેન્ગ્વેજ ટેસ્ટીંગ સિસ્ટમ તથા આએલ્ટ્‌સ એકઝામ પેટર્ન અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સ્ટડી વિઝા ઉપર વિદ્યાર્થીઓ ભણે છે અને ચાર વર્ષના ભણતર બાદ તેઓ બેચલર થતા હોય છે અને બાદમાં માસ્ટર પણ કરતા હોય છે. પરંતુ મોટા ભાગના વિદ્યાર્થીઓ બેચલર બાદ નોકરીએ જોડાઇ જતા હોય છે. આથી વાલીઓને ઓછામાં ઓછા બે વર્ષની દિકરા–દિકરીને ભણવા અને રહેવાની સગવડ માટેના ખર્ચની તૈયારી રાખવી પડતી હોય છે. કારણ કે, બે વર્ષ અભ્યાસ કર્યા બાદ ત્રીજા વર્ષથી વિદ્યાર્થીઓ પાર્ટ ટાઇમ અને વેકેશન દરમ્યાન ફુલ ટાઇમ નોકરી કરીને પોતાના ભણતર તેમજ રહેવા માટેનો ખર્ચ કાઢી લેતા હોય છે. બાદમાં વિદ્યાર્થીઓને આ દેશોમાં કાયમી રહેઠાણ માટેની પણ તક મળતી હોય છે. ચેમ્બરની એજ્યુકેશન એન્ડ એકેડેમિક કોર્સિસ કમિટીના એડવાઇઝર તથા લાયબ્રેરી કમિટીના ચેરમેન અજિત શાહે સમગ્ર વેબિનારનું સંચાલન કર્યું હતું.