Page Views: 92127

ફોસ્ટાની અપીલનો ફિયાસ્કો- સારોલી અને રિંગરોડની માર્કેટોમાં વેપારીઓએ ગાઇડ લાઇન સાથે દુકાનો ખોલી કામ કર્યા

બેન્કીંગ અને પાર્સલ ડિસ્પેચના કામ માટે વેપારીઓએ દુકાનોમાં માત્ર ત્રણ જ વ્યક્તિને પ્રવેશ આપી સવારે દસથી એકના સમયમાં કામકાજ કર્યા

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત શહેરના મુખ્ય એવા ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશન (ફોસ્ટા)ના કેટલાક પદાધિકારીઓ સરકારને વહાલા થવાની લ્હાયમાં સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગની ઘોર ખોદવા બેઠા હોય એમ વર્તન કરી રહ્યા છે. જેની સામે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ગત રોજ પોલીસ કમિશનરને રજૂઆત કરવા ગયેલા ફોસ્ટાના પદાધિકારીઓએ ટેક્સટાઇલ ઉદ્યોગની ચેઇન રાબેતા મુજબ ન થાય તેના માટે ધમપછાડા કર્યા હતા. તેમજ ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સની વિનંતીને પણ ફગાવી હતી. પરંતુ રિંગરોડ તેમજ સારોલીની મોટા ભાગની માર્કેટોના વેપારીઓ અને સંગઠનો હવે ફોસ્ટાની છીંકણી પણ સુંઘવા માંગતા ન હોય એમ પોતાની રીતે જ વેપાર ઉદ્યોગને રાબેતા મુજબ થાય તે દિશામાં આજે કામ કરતા જોવા મળ્યા હતા. આજે સવારે દસ વાગ્યાથી રિંગરોડની મોટા ભાગની માર્કેટોમાં નાના ટેક્સટાઇલ ટ્રેડર્સ દ્વારા બેન્કીંગના કામકાજ કરવામાં આવ્યા હતા તેમજ તેમના પેન્ડીંગ ઓર્ડરના પાર્સલ રવાના થાય એ માટે પણ કામકાજો કર્યા હતા. રિંગરોડ ઉપરાંત સારોલી ખાતે આવેલી મોટા ભાગની તમામ માર્કેટોમાં પણ આવો જ માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને સવારે દસ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધીના સમયમાં વેપારીઓએ પોતાની દુકાનોમાં માત્ર ત્રણ જ વ્યક્તિને પ્રવેશ આપીને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સાથે રાબેતા મુજબના કામકાજો કર્યા હતા.

ઉલ્લેખનિય છે કે, જે મોટા વેપારીઓ છે તેમને તો આ પ્રકારના બંધથી મોટો ફરક નથી પડતો તેમની પાર્ટીઓને એ લોકો ગમે તે રીતે સાંચવી લેવા માટે સક્ષમ છે પરંતુ હજારો નાના વેપારીઓ કે જેમનો કારોબાર સિમિત છે તેમને સમયસર પેમેન્ટ આપવાથી માંડીને ઓર્ડર પ્રમાણે સમયસર કપડું પણ પહોંચાડવુ પડતું હોય છે આવા વેપારીઓ હવે ફોસ્ટાના ઇશારે નાચવા તૈયાર ન હોવાનો સૂર વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે અને ચોક્કસ ગાઇડ લાઇન સાથે થોડા ઘણા કામકાજો કરવા તૈયાર થયા છે.