Page Views: 12748

અત્યારના સમયમાં દરેક ને દવા ની ખૂબ જરૂર છે. જો કરી શકો તો કરો બધા ને દુઆ ની ખૂબ જરૂર છે

નથી જોઈતી કોઈ ધનદોલત મને અહીં, પરિવાર તણી તારી સોગાત જ ખરી સંપદા

નવોદિત કવિઓની સુંદર ગઝલ અને અછાંદસ કૃતિઓ અમે વર્તમાન કાવ્યોત્સવમાં પ્રગટ કરીએ છે. નવોદિત સાહિત્ય સર્જકોને પ્રોત્સાહન મળી રહે અને આપને ગુજરાતી સાહિત્યનો આસ્વાદ મળે એ જ અમારો આશય છે. આપને આ વિભાગ કેવો લાગ્યો તે અંગે અમને વોટ્સએપ નંબર 91735 32179 ઉપર જણાવશો તો ગમશે.  

વર્તમાનન્યૂઝ.કોમ- સંકલન નૂતન તુષાર કોઠારી-વાપી 

 

:- હૈયે સદા...

શબ્દોને તોડું-મરોડું છતાં નામ તારું જ હૈયે સદા,

કનૈયા! કેમ કરી ભૂલું તને, રાખું મુજ હૈયે સદા.

 

એક તારી ધૂનમાં ભૂલી બેઠી હું ભાન,

ના કશી ચિંતા મને, છો ને આવે વિપદા.

 

નથી જોઈતી કોઈ ધનદોલત મને અહીં,

પરિવાર તણી તારી સોગાત જ ખરી સંપદા.

 

નથી જોઈ કોઈ સરહદ તારા પ્રેમની,

તુજ પ્રીત સામે કરી રહી હું સજદા.

 

મક્કમ બની હું પથ્થરો કાપી ઝરણું બનું,

દુઃખોને કહી દીધું છે ભલે થજો સાબદા.

 

મઝધાર ભલે ને હો, ' રાહી ' તુફાનોથી કેમ ડરે..?

કિનારો મળી જશે ને તુફાન ભાંગી પડશે બધા.

  - પરમાર રોહિણી " રાહી "

****************************************************************

*શીર્ષક - લાગે છે પ્રેમ થયો છે*

શાંત સરોવરમાં વમળ થયું, લાગે છે પ્રેમ થયો છે,

એકાંતમાં અમથું સ્મિત આવ્યું, લાગે છે પ્રેમ થયો છે, 

 

રણમાં મૃગજળ દેખાય એ તો સામાન્ય વાત છે,

પણ પામવા એને મન દોડયું, લાગે છે પ્રેમ થયો છે, 

 

ફૂટે યુવાની અને થતાં હોય છે અવનવા અનુભવો, 

બંધ આંખે તારું મુખડું જોયું, લાગે છે પ્રેમ થયો છે, 

 

કોણ સમજાવે યાદોને કે તારાં તીર ઊંઘવાં નથી દેતાં, 

રાત છોડી પરોઢે બગાસું આવ્યું, લાગે છે પ્રેમ થયો છે, 

 

નશો તો એવો ચડે કે કંઈપણ કરવાં તૈયાર થઈ જાય, 

આજે તારા તોડવાનું મન થયું, લાગે છે પ્રેમ થયો છે.

 

બીજાનું ભલુ કોણ વિચારતું હશે આ સ્વાર્થી દુનિયામાં

ખુદ કરતા પણ કોઈ વહાલું લાગ્યું, લાગે છે પ્રેમ થયો છે, 

 

મિલન થોડો દૂર રહેજે, હજું કાચો છે તું આ વાતોમાં, 

છતાં ભાઈને અમાસે ચાંદલું દેખાયું, લાગે છે પ્રેમ થયો છે,

- મિલન આંટાળા (સુરત)

****************************************************************

*.ખુદા ની ખુબ જરૂરછે*

અત્યારના સમયમાં દરેક ને દવા ની ખૂબ જરૂર છે.

જો કરી શકો તો કરો બધા ને દુઆ ની ખૂબ જરૂર છે.

 

પ્રત્યેક શ્વાસ ની કિંમ ત ચૂકવવી પડે છે મોંઘી.

લાંબા સમયે સમજાયું કે શુદ્ધ હવા ની ખૂબ જરૂર છે.

 

સારવાર કરતા પણ એક બીજાનો સાથ મહત્વનો છે

સાચું કહું તો એકબીજાની પરવાની ખૂબ જરૂર છે .

 

સારું થશે કહેવાથી જ કોઈને નવજીવન મળતું હોય તો 

ખરેખર દરેકને આવી અફવા ની ખૂબ જરૂર છે .

 

અત્યારે દરેક ખુદ ભગવાન બનીને બેઠા છે" સંગત". 

હવે તો તું આવ આ કપરા સમયમાં ખુદા ની ખૂબ જરૂર છે.

:- જીગ્નેશ ક્રિસ્ટી "સંગત" - પેટલાદ

****************************************************************

 *માની વ્યથા* 

નયને નેહનાં ઝરણાં ધરી ને સ્નેહ સદૈવ વરસાવતી,

ફળિયે રૂડાં પંખી દેખી મનમાં એ મલકાતી.

એકલ પંડે જીવ્યું જીવતર હર પ્રહારને ઝીલતી,

સઘળા પંખી ઊડ્યાં ગગને આંખેથી આંસુ એ સારતી.

મા તું આવને ભેળી! કહે કોઈ શમણાં ઉરે ધરતી,

વીત્યાં વર્ષો ને બની અશક્ત, સેવ્યાં શમણાં એ વિખેરતી.          

ફોનની ઘંટડી રણકી ઊઠે કદીક તો ઊંચક નીચક થાતી,            

નહિ આવીએ આ વેળાએ સૂણી ઘરડી કાયા થરથરતી.           

એકલ ખૂણે મા અટવાણી સ્નેહ સ્પર્શને ઝંખતી,

ફળિયા આંગણ સૂના દેખી મરવા વાંકે જીવતી.

માળો ગયો વીંખાઈ જાણી પળ પળ એ મૂંઝાતી,

શ્યામ સંગી સાચો જાણી ઈશના શરણે જાતી.

:- પીપલીયા જીવતીબેન(જયશ્રી)

ટંકારા,મોરબી